કડજોદરા નજીક રિક્ષા-કાર વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 1 ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખડાલના રહીશોને અકસ્માત નડ્યો

દહેગામ: દહેગામ-બાયડ હાઇવે પર કડજોદરા પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા છે. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ થઈ જતા ખેડાથી દહેગામ લગ્ન પ્રસંગે રિક્ષામાં આવતા બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ હતી. તો બીજી તરફ કાર રોડ સાઇડના ખાડામાં ઉંધી વળી ગઇ હતી. જોકે તેમાં કેટલા લોકો સવાર હતા અને કેટલાને ઇજા થઈ તે જાણી શકાયું નથી. 
આ અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ખડાલ ગામે રહેતા બહાદુરસિંહ ઝીલુસિંહ ઝાલા,યુવરાજસિંહ ગંભીરસિંહ ઝાલા તેમજ અર્જુનસિંહ રામસિંહ ઝાલા રીક્ષામાં દહેગામ તરફ આવતા હતા. કૌટુંબિક સગાની GJ-07-AT-7761 નંબરની સીએનજી રીક્ષામાં તેઓ દહેગામ તાલુકાના મોસમપુરા ગામે એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે આવી રહ્યા હતા.
 ત્યારે બાયડ રોડ પર કડજોદરા નજીક પાટો પાસે GJ-18-AH-6612 નંબરની સ્વીફ્ટ કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષાનો ભુક્કો બોલી ગયો હતો તો કાર પલટી ખાઇ રોડની સાઇડમાં ઉંધી વળી ગઇ હતી. અકસ્માતમાં બહાદુરસિંહ ઝાલા તેમજ યુવરાજસિંહના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અર્જુનસિંહને ગંભીર ઇજાઓ પહોંચતા ગાંધીનગર સિવિલ દાખલ કરાયા હતા. અકસ્માત દરમ્યાન ઉંઘી વળેલી સ્વીફટ કારમાં કેટલા લોકો સવાર હતા, તે જાણી શકાયું નથી. અકસ્માતની જાણ રખિયાલ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઇ બંને મૃતકની લાશને રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાર્યવાહી હાથધરી હતી. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ થઈ જતા ખેડાથી દહેગામ લગ્ન પ્રસંગે રિક્ષામાં આવતા બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.