યુટિલિટી ડેસ્કઃ UIDAI આધાર કાર્ડ બનાવવાની સાથે ધારકોને તેમાં અપડેટ કરાવવાની સુવિધા પણ પૂરી પાડે છે. જો કે, ધારકોને માહિતી અપડેટ કરવા માટે થોડી રકમ ચૂકવવી પડે છે. આ સાથે હવે UIDAI દ્વારા આધારકાર્ડ અપડેટ કરાવવાના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. UIDAIએ આધાર કાર્ડમાં કેટલીક માહિતી અપડેટ કરાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે, ધારક હવે તેમની કેટલીક માહિતીને આધાર કાર્ડમાં બદલી શકશે નહીં. આ સિવાય ધારકોને કેટલીક માહિતી અપડેટ કરવા માટે ફક્ત એક કે બે તક મળશે. એટલે કે, હવે એક જાણકારી કેટલીવાર અપડેટ કરાવી શકાશે એ પણ UIDAIએ નક્કી કરી દીધું છે.
હવે UIDAIએ આધાર કાર્ડમાં નામ, લિંગ અને જન્મ તારીખને અપડેટ કરવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો મુજબ આધારકાર્ડ ધારકો પોતાનું નામ ફક્ત બે વાર બદલી શકશે. ઘણીવાર મહિલાઓ લગ્ન કર્યાં પછી પોતાનાં નામ બદલી દે છે અથવા હવે જો કોઈ અન્ય કારણોસર નામ બદલવાનું થયું તો તે ફક્ત બે વાર જ બદલી શકાશે. લિંગ અને જન્મ તારીખમાં ફક્ત એકવાર જ ફેરફાર કરી શકાશે. આ ફેરફાર ધારકો UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓનલાઇન કરી શકાય છે અથવા આધાર કેન્દ્ર પર જઇને અધિકારીની મદદથી કરી શકાય છે.
UIDAIના નવા નિયમો અનુસાર, તમે પહેલાની જેમ અન્ય માહિતીમાં પણ ફેરફાર કરી શકશો. એટલે કે, સરનામાને બદલવા માટે ઓનલાઇન અથવા ઓફલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. આધારકાર્ડના ઉપયોગથી જ ધારકો સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે. આધારકાર્ડમાં કોઇ ફેરફાર કરવા માટે ફી ભરવી પડશે. ફીની રકમ UIADI દ્વારા નક્કી કરવામાં આવી છે. ડેમોગ્રાફિક એટલે કે બાયોમેટ્રિકમાં ફેરફાર માટે 50 રૂપિયા સાથે જીએસટી આપવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. જો કે, નવું આધારકાર્ડ બનાવવા માટે કોઈ રકમ ચૂકવવાની આવતી નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.