હવે આખા વર્ષમાં ગમે ત્યારે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકાશે, એક વર્ષ સુધી તે માન્ય રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) હેઠળના પેન્શનરો હવે વર્ષના કોઈપણ સમયે તેમનું લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકશે. EPFOએ એક ટ્વીટમાં જણાવ્યું કે, પેન્શનર જે દિવસે ઓનલાઇન લાઇફ સર્ટિફિકેટ જમા કરાવશે, એ દિવસથી આવનારા એક વર્ષ સુધી આ પ્રમાણપત્ર માન્ય રહેશે. દેશમાં અત્યારે લગભગ 64 લાખ પેન્શનર્સ છે. પહેલાના નિયમો અનુસાર, જીવન પ્રમાણપત્ર બનાવવા અને સબમિટ કરવાની પ્રક્રિયા 1 નવેમ્બરથી શરૂ થતી હતી. સર્ટિફિકેટ જમા કરાવવાની તારીખ 30 નવેમ્બર હોતી હતી. જે લોકો નવેમ્બરમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવામાં અસમર્થ હતા, તેમનું પેન્શન જાન્યુઆરીથી અટકાવી દેવામાં આવતું હતું.

2015-16માં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની સુવિધા શરૂ થઈ હતી
ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ વર્ષ 2015-16થી શરૂ થયું છે. પેન્શનર્સ આધાર કાર્ડ દ્વારા તેમનું લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. તેમણે આ માટે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોય છે.

ઓનલાઇ લાઇફ સર્ટિફિકેટ કાઢવાની પ્રોસેસ

  • ફિઝિકલ લાઇફ સર્ટિફિકેટને બેંક મેનેજર અથવા ગેઝેટેડ અધિકારી પાસે અટેસ્ટેડ કરાવ્યા બાદ સબમિટ કરવામાં આવે છે.
  • ઓનલાઇન સર્ટિફિકેટ કોઈપણ EPFO ઓફિસ, પેન્શન પેઇંગ બેંક, ઉમંગ એપ્લિકેશન અથવા કોમન સર્વિસ સેન્ટરમાં જમા કરાવી શકાય છે.
  • જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યાં પછી પેન્શનરે EPFO ઓફિસમાં કોઈ ડોક્યૂમેન્ટ મોકલવાની જરૂર નથી.
  • ડિજિટલ લાઇફ સર્ટિફિકેટનાં બાયોમેટ્રિક વેરિફિકેશન દરમિયાન તમારે આધારકાર્ડ નંબર, પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર, બેંક એકાઉન્ટ વિગતો અને મોબાઇલ નંબર દાખલ કરવાનો રહે છે.
  • મહત્વનું છે કે, EPFO પેન્શનરને ઓછામાં ઓછી રૂ .1000ની પેન્શનની ગેરંટી આપે છે. જે EPF સભ્યો ઓછામાં ઓછા 10 વર્ષ ફંડમાં જમા કરે છે, તે પેન્શન મેળવવા માટે પાત્ર બને છે.