• Gujarati News
  • National
  • Major Changes From 1st March 2020: Fastag Charges, Government Private Lottery Tax, State Bank Of India KYC, Indian Bank ATM Currency Rs 2000 Notes

1 માર્ચથી બેંકિંગ, લોટરી અને ફાસ્ટેગના નવા નિયમ લાગુ થશે, KYC નહીં હોય તો ટ્રાન્ઝેક્શન અટકી જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ 1 માર્ચથી બેંકિંગ, લોટરી અને ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. આ ફેરફારોની સીધી અસર લોકોના જીવન પર પડશે. 1 માર્ચથી સરકાર અને પ્રાઇવેટ લોટરી પર એકસમાન 28% ટેક્સ લાગુ કરવામાં આવશે, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો કે જેમણે ફેબ્રુઆરીના અંત સુધી KYC નહીં કરાવ્યું હોય તેઓ તેમનાં ખાતાંમાંથી ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. અહીં માર્ચ મહિનાથી થનારા 5 ફેરફાર વિશે જણાવવામાં આવ્યું છે.
 

લોટરી પર એકસમાન 28% ટેક્સ
1 માર્ચથી સરકારી અને પ્રાઇવેટ લોટરી પર એકસમાન 28% ટેક્સ વસૂલવામાં આવશે. અત્યારે રાજ્ય સરકારો દ્વારા સંચાલિત લોટરી પર 12% GST અને રાજ્ય સરકાર દ્વારા અધિકૃત લોટરી પર 28% GST લાગે છે. મહેસૂલ વિભાગે આ સંદર્ભમાં જાહેરનામું બહાર પાડ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ડિસેમ્બરમાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં તમામ પ્રકારની લોટરીઓ પર એક જ દરે GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જાહેરનામામાં જણાવાયું છે કે, હવે 14 ટકાના દરે તમામ પ્રકારની લોટરીઓ પર GST લેવામાં આવશે અને આટલો જ GST રાજ્ય લઈ શકશે. આના કારણે લોટરી પર લાગનારો GST કુલ 28% થઈ જશે.
 

KYC ન થયું તો ટ્રાન્ઝેક્શન અટકી જશે
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તેના ગ્રાહકોને 28 ફેબ્રુઆરી સુધીમાં કેવાયસી પ્રોસેસ પૂરી કરવાનું કહ્યું છે. જો કોઈ ગ્રાહક કેવાયસી ન કરાવે તો તેનાં બેંક ખાતાંમાં ટ્રાન્ઝેક્શન અટકાવી દેવાશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તમામ બેંક ખાતાંઓ માટે કેવાયસી ફરજિયાત બનાવી દીધું છે.
 

1 માર્ચથી ફાસ્ટેગ માટે ચાર્જ લાગશે
દેશના તમામ હાઇવેના ટોલ બૂથ ઉપર ફાસ્ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. લોકોને અગવડતાથી બચાવવા માટે કેન્દ્ર સરકારે NHAI સેન્ટર, ટોલ પ્લાઝા અને આરટીઓ કચેરીઓ, પેટ્રોલ પમ્પ અને ટ્રાન્સપોર્ટ હબમાંથી 29 ફેબ્રુઆરી સુધી વિના મૂલ્યે ફાસ્ટેગ આપવાનો કરવાનો નિર્ણય કર્યો છે. ફાસ્ટેગ ખરીદવા માટે સામાન્ય રીતે 100 રૂપિયા ફી આપવાની હોય છે. 28 જાન્યુઆરી સુધીમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ હેઠળ 1.4 કરોડથી વધુ ફાસ્ટેગ આપી દેવામાં આવ્યા છે.
 

ઇન્ડિયન બેંકના ATMમાંથી 2,000 રૂપિયાની નોટ નહીં નીકળે
1 માર્ચ, 2020થી ઇન્ડિયન બેંકના ATM પર 2,000 રૂપિયાની ચલણી નોટ નહીં મળે. ઇન્ડિયન બેંકના જણાવ્યા અનુસાર, તેના ATMમાં ​​2,000 રૂપિયાની નોટવાળી કેસેટ્સ ડિસેબલ કરી દેવામાં આવશે. બેંકે કહ્યું કે, ગ્રાહકોને 2,000 રૂપિયાની નોટ રિટેલ આઉટલેટ્સ અને અન્ય જગ્યાઓએ એક્સચેન્જ કરાવવામાં મુશ્કેલી ઊભી થાય છે. બેંકના જણાવ્યા મુજબ, જે ગ્રાહકોને 2,000 રૂપિયાની નોટ જોઈતી હોય તે બ્રાંચમાં જઈને તેનો ઉપાડ કરી શકે છે. બેંક હવે 2,000 રૂપિયાની નોટને બદલે ATMમાં ​​200 રૂપિયાની નોટ નાખશે.
 

HDFCની જૂની એપ બંધ થઈ જશે
HDFC બેંકે તેના ગ્રાહકોને મેસેજ કરીને બેંકની નવી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું છે. 29 ફેબ્રુઆરીથી જૂનાં વર્ઝનની મોબાઇલ એપ કામ નહીં કરે. બેંકનું કહેવું છે કે, જો આવું ન કર્યું તો જૂનાં વર્ઝનથી તમે પૈસા ટ્રાન્સફર નહીં કરી શકો.