• Gujarati News
  • National
  • Girls Keep Installing 181 Campaign Helpline App, Police Will Move Around In Plain Dress

છોકરીઓએ 181 અભયમ હેલ્પલાઈન એપ ઈન્સ્ટોલ કરી રાખવી, પોલીસ પણ સાદા ડ્રેસમાં ફરતી હશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોતાના ફોનમાં 181 અભયમ એપ ડાઉનલોડ કરી રાખવી
  • મહિલા પોલીસ ગરબા ગ્રાઉન્ડ પર ટ્રેડિશનલ કપડાંમાં કે સાદા ડ્રેસમાં ફરતા હશે
  • નવરાત્રીને લઈને સરકારે ટ્રાન્સપોર્ટ સર્વિસના સમયમાં પણ ફેરફાર કર્યો છે

પ્રિયંકા પંચાલ: નવરાત્રીના ઢોલના ધબકારા સંભળાવા લાગ્યા છે અને ખેલૈયાઓ ગરબે ઝૂમવા માટે તૈયાર છે. શહેરના પાર્ટીપ્લોટ્સ અત્યારે નવરાત્રિનાં આયોજનોમાં ફેરવાઈ ગયા છે. મા શક્તિની આરાધનાના આ પર્વમાં સ્ત્રીઓએ મોડી રાત સુધી એકલાં ફરવાનું થાય છે. આમ તો ગુજરાત સ્ત્રીઓ માટે એકદમ સલામત સ્ટેટ છે. તેમ છતાં આપણું પોલીસતંત્ર કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટેન્ડ બાય છે. સામે પક્ષે ‘ચેતતી નારી સદા સુખી’ને ન્યાયે ખુદ સ્ત્રીઓએ પણ કેટલીક બાબતો માટે સ્માર્ટ થઈને તૈયાર થઈ જવું જોઈએ. ગરબા રમવા જતી મહિલાઓ કે યુવતીઓની છેડતીના કિસ્સા બનતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે મહિલા પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે.
મહિલાઓની સુરક્ષાને લઈને અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટનાં મહિલા વકીલ નમ્રતા શાહે સુરક્ષા બાબતે જણાવ્યું હતું કે, 'કોઈપણ જગ્યાએ ગરબા રમવાજતી વખતે ફોન ઘરે મૂકીને ન જવો જોઇએ. તમે કઈ જગ્યાએ ગરબા રમવા જઈ રહ્યા છો અને કોની સાથે જઈ રહ્યા છો તે ઘરના કોઈ પણ સભ્યને કહીને જવું.છોકરીઓએ પોતાના ફોનમાં 181 અભયમ વિમેન હેલ્પલાઈન એપ ડાઉનલોડ કરી રાખવી, જેથી કોઈ અણબનાવ બને તો પોલીસ સરળતાથી જગ્યાને ટ્રેક કરી શકે. તે ઉપરાંત તમારા ફોનમાં ટ્રેક એપ્લિકેશન ઓન રાખવી, જેથી સરળતાથી ટ્રેક કરી શકાય. બને ત્યાં સુધી પ્રાઈવેટ વ્હિકલની જગ્યાએ કે કેબમાં જવાની જગ્યાએ સરકારી ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો. નવરાત્રીને લઈને સરકારે ટ્રાન્સપોર્ટ સર્વિસના સમયમાં પણ ફેરફાર કર્યો છે તેથી રાતે મોડી રાત સુધી
બીઆરટીએસ બસ ચાલુ હશે.'
વધુમાં એડવોકેટ નમ્રતાએ જણાવ્યું કે, 'જો પાર્ટી પ્લોટ કે ક્લબનું સ્થળ ઘરેથી દૂર હોય તો ઘરેથી કોઈ પણ સભ્યને સાથે લઈને જવું જોઈએ. જેથી અનિચ્છનીય ઘટના બને નહીં. જો આપણે જ આપણી સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમુક બાબતોને ફોલો કરીશું તો કંઈ વાંધો નહીં આવે. જેમ કે, જલ્દી કોઈના પર વિશ્વાસ ન કરવો. છોકરીઓ કોઈ પણ અજાણ્યા છોકરાની સાથે વાત કરવાથી દૂર રહેવું અને કોઈ કંઈ પણ વસ્તુ આપે તો ખાવી નહીં. કોઈ પણ અજાણ્યા ગ્રૂપ સાથે ગરબા રમવા ન જવું અને તમારી જવાની ઈચ્છા હોય તો તમારા ખાસ મિત્ર કે પરિવારમાંથી કોઈને સાથે લઈને જવું જેથી કોઈ સમસ્યા ન થાય. જો કોઈ રોમિયો તમને હેરાન કરતો હોય તો 181 કોલ કરીને ફરિયાદ કરવી જોઈએ.'
તે ઉપરાંત ગરબા રમતી વખતે કોઈ અજાણી વ્યક્તિ તમારા ફોટો ક્લિક ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે, આવા કિસ્સાઓ વધારે બનતા હોય છે. બને ત્યાં સુધી ઘરમાંથી કોઈને સાથે લઈને જવું જોઈએ જેથી કોઈ દુર્ઘટના ન થાય. અને મિત્રના વ્હિકલ પર જઈ રહ્યા હોય તો પહેલાં તેને પૂછી લેવું કે તે વ્હિકલ તેનું છે કે કોઈ બીજાનું. કેમ કે ઘણી વખત કોઈ બીજાનું વ્હિકલ લઈ જવાથી ન જોઈતી મુશ્કેલી ઊભી થાય છે, જેમ કે, વ્હિકલ ચોરાયેલું હોઈ શકે છે. તેમજ ફોનમાં ઈન્ટરનેટ ચાલુ રાખવું જેથી ક્યારેક નેટવર્કની સમસ્યા થાય તો ઈન્ટરનેટ હોય તો વ્હોટ્સએપ કોલ કે અન્ય એપ પર કોલ કરી શકાય છે.
મહિલા ક્રાઈમ બ્રાન્ચનાં ACP મિનિ જોસેફે જણાવ્યું હતું કે, 'મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા ગ્રાઉન્ડ પર સતત પેટ્રોલિંગ કરીશું અને તેમજ એન્ટિ રોમિયો સ્ક્વોડ દરેક પોલીસ સ્ટેશનમાં આ વખતે હશે. મહિલા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જેઓ ગરબા ગ્રાઉન્ડ પર ટ્રેડિશનલ કપડાંમાં કે સાદા ડ્રેસમાં ફરતા હશે. તેમજ મહિલા પોલીસ કોઈ છેડતી કરતો કોઈ રોમિયો દેખાશે અથવા કોઈ શંકાસ્પદ વ્યક્તિ હશે તો તેને તરત પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. મહિલા પોલીસની અલગ અલગ ટીમ ગરબા ગ્રાઉન્ડ પર હાજર હશે. મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપી મિનિ જોસેફે વધુમાં જણાવ્યું હતું કે, મહિલા પોલીસે બનાવેલી ટીમમાં પીએસઆઈ, એએસઆઈ, અને મહિલા કોન્સ્ટેબલ હશે. એન્ટિ રોમિયો સ્ક્વોડ માટે પીઆઈ, પીએસઆઈ, અને તે ઉપરાંત 50 કરતાં વધુ મહિલા પોલીસની ટીમ તહેનાત હશે, જેથી યુવતીઓ કોઈ પણ ડર રાખ્યા વગર નવરાત્રી સારી રીતે ઊજવી શકશે.'
તે ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'મહિલાઓની સુરક્ષા માટે ગરબાના આયોજકોએ ગરબાના સ્થળે, પાર્કિંગમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ રાખવા ફરજિયાત છે. ગરબાના સ્થળે યુવતીઓની છેડતીના બનાવ બનતા હોય છે. જેથી દરેક આયોજક માટે મહિલા સિક્યુરિટી ગાર્ડ રાખવા ફરજિયાત છે. ગરબાના સ્થળ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ઉપરાંત શક્ય હોય તો પાર્કિંગની જગ્યામાં પણ મહિલા સિક્યુરિટી ગાર્ડ તહેનાત કરવા સૂચના ગરબા આયોજકોને આપવામાં આવી છે.'