યુટિલિટી ડેસ્ક. જો તમે હજુ સુધી તમારું PAN (પર્મન્ટ એકાઉન્ટ નંબર) કાર્ડ આધારથી લિંક નથી કરાવ્યું તો ફટાફટ કરાવી લો. જો તમે PANને આધાર સાથે 31 માર્ચ સુધી લિંક નહીં કરાવો તો ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકારી શકે છે. અગાઉ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, 31 માર્ચ સુધી જો કોઈ PAN કાર્ડ હોલ્ડર PANને આધારથી લિંક નહીં કરાવે તો તેમનું PAN કાર્ડ નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે. જો કે, હવે ઈન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત PAN સક્રિય નહીં રાખવા બદલ દંડ કરવામાં આવશે.
શું જોગવાઈ છે
નિયમ અંતર્ગત જો તમારું PAN નિષ્ક્રિય થઈ જાય છે અને તમે તેનો ઉપયોગ બેંક ટ્રાંઝેક્શન અથવા અન્ય જગ્યાએ કરો છો તો એવું માનવામાં આવશે કે તમે કાયદા હેઠળ PAN નથી આપ્યું, આવી સ્થિતિમાં ઈન્કમ ટેક્સની કલમ 272B અંતર્ગત તમને 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવી શકે છે. એક્ટની કલમ 139A અંતર્ગત માગવા પર પાન બતાવવું અનિવાર્ય છે. જો કે, બેંક અકાઉન્ટ ખોલાવવા અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે નિષ્ક્રિય PANનો ઉપયોગ કરવા પર દંડ નહીં લાગે.
આધાર સાથે લિંક કરાવવા પર ફરીથી સક્રિય થઈ જશે પાન નંબર
જો તમે બેંક અકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયા કરતા વધારે રકમ ઉપાડો છો અથવા જમા કરાવો છો તો તમારે PAN કાર્ડ બતાવવું પડશે. પરંતુ રાહતની વાત છે કે જો તમારું PAN નિષ્ક્રિય થઈ જાય છે તો તમારે નવા PAN કાર્ડ માટે અપ્લાઈ કરવાની જરૂર નથી. તમે તમારા જૂના PANને જ આધારની સાથે લિંક કરાવી શકો છો. લિંક કરાવ્યા બાદ તમારું PAN આપમેળે માન્ય થઈ જશે.
30 કરોડથી વધુ લોકોએ PAN-આધાર સાથે લિંક કરાવ્યા દેશમાં અત્યાર સુધીમાં 30 કરોડ કરતાં વધારે લોકોએ PAN-આધાર લિંક કરાવ્યા છે. સંસદમાં નાણાં મંત્રાલયના રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, 27 જાન્યુઆરી 2020 સુધીમાં 30 કરોડથી વધુ PAN આધારથી લિંક કરવામાં આવ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.