સ્માર્ટફોનના જમાનામાં આજે પણ ઘણા લોકોના ઘરમાં લેન્ડલાઇન ફોન જોવા મળે છે અને આપણા દેશમાં લોકો કલાકો સુધી લેન્ડલાઇન ફોન પર વાત કરવા ટેવાયેલા છે. જો તમે પણ ઘરમાં લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરતા હો તો આગામી 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નવા નિયમ પ્રમાણે, લેન્ડલાઇન પરથી મોબાઇલ ફોન લગાવતાં પહેલાં મોબાઇલ નંબરની આગળ ઝીરો લગાવવો પડશે.
ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ (DOT)એ ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)ની ભલામણો સ્વીકારી લીધી છે. ત્યાર બાદ નવા નિયમનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
TRAIની ભલામણને મંજૂરી મળી
TRAIએ લેન્ડલાઇન પરથી મોબાઇલ નંબરો પર થતા કૉલ માટે 29 મે 2020ના રોજ મોબાઇલ નંબર પહેલાં ઝીરો નંબર લગાવવાની ભલામણ કરી હતી. આનાથી ટેલિકોમ કંપનીઓને વધુ નંબર બનાવવાની સુવિધા મળશે. ટેલિકોમ વિભાગે 20 નવેમ્બરના રોજ જાહેર કરેલા એક સર્ક્યુલરમાં કહ્યું હતું કે લેન્ડલાઇનથી મોબાઈલ પર નંબર ડાયલ કરવાની રીત બદલવાની TRAIની ભલામણો સ્વીકારી લેવામાં આવી છે. એનાથી મોબાઇલ અને લેન્ડલાઇન સર્વિસીઝને પૂરતી માત્રામાં નંબરો બનાવવાની સુવિધા મળશે.
તમામ ગ્રાહકોએ ઝીરો ડાયલ કરવાનો રહેશે
ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓએ તમામ લેન્ડલાઇન ગ્રાહકોને ઝીરો ડાયલિંગ સુવિધા આપવાની રહેશે. આ સુવિધા અત્યારે તમારા ક્ષેત્રની બહાર કોલ કરવા માટે ઉપલબ્ધ છે. સર્ક્યુલરમાં જણાવ્યા મુજબ, ટેલિકોમ કંપનીઓને TRAIની આ નવી સિસ્ટમ અપનાવવા માટે 1 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે.
254 કરોડ એક્સ્ટ્રા નંબર બની શકશે
મોબાઇલ નંબર ડાયલ કરવાની રીતમાં આ ફેરફારથી ટેલિકોમ કંપનીઓને મોબાઇલ સેવાઓ માટે 254.4 કરોડ એક્સ્ટ્રા નંબર બનાવવાની મોકળાશ મળશે.એ ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે. દેશમાં 100 કરોડથી વધુ મોબાઇલ ફોનધારકો છે. ઘણા લોકો પાસે 2-3 નંબર્સ હોય છે. આવનારા સમયમાં વધતી જતી માગને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આનો સીધો અર્થ એ છે કે મોબાઇલ નંબર 10 અંકોનો જ હશે, પરંતુ એ ઝીરો સાથે 11 અંકોનો થઈ હશે. આ સુવિધાથી ગ્રાહકોને વધુ નંબર્સ આપી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.