નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ વાહનચાલકોને સારા સમાચાર આપ્યા છે. NHAIએ ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ રાખવાની લિમિટ હટાવી દીધી છે. જો કે, તેનો લાભ માત્ર પેસેન્જર સેગમેન્ટના વ્હીકલને મળશે. કોમર્શિયલ વ્હીકલને તેમાં છૂટ આપવામાં નહીં આવે.
બેંક મિનિમમ બેલેન્સ રાખવાનું દબાણ કરી શકશે નહીં
NHAIની તરફથી જારી નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, ફાસ્ટેગ જારી કરનારી બેંક સિક્યોરિટી ડિપોઝિટ સિવાય મિનિમમ બેલેન્સને ફરજિયાત નહીં કરી શકે. આ અંગે ગ્રાહકો પર દબાણ પણ કરી શકશે નહીં. અત્યાર સુધી ઘણી બેંક ગ્રાહકો પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ ઉપરાંત મિનિમમ બેલેન્સ જાળવી રાખવા માટે કહેતી હતી. મિનિમમ બેલેન્સની શરતના કારણે ઘણા વાહનચાલક ફાસ્ટેગ વોલેટમાં પર્યાપ્ત રકમ હોવા છતાં પણ ટોલ પ્લાઝામાંથી પસાર નથી થઈ શકતા. તેનું કારણ ટોલ પ્લાઝા પર વિવાદની સ્થિતિ સર્જાઈ જાય છે.
બેલેન્સ નેગેટિવ નથી તો ટોલમાંથી પસાર થઈ જશે કાર
NHAIના જણાવ્યા પ્રમાણે, ટોલ પ્લાઝા પર વાહનોની સરળતાથી અવર-જવર માટે આ નિર્ણય કરવામાં આવ્યો છો. જો ફાસ્ટેગમાં નેગેટિવ બેલેન્સ નથી તો કારને ટોલ પ્લાઝા પાર કરવાની મંજૂરી આપવામાં આવશે. ટોલ પ્લાઝા પસાર કર્યા બાદ ફાસ્ટેગનું બેલેન્સ નેગેટિવ થવા પર બેંક સિક્યોરિટી ડિપોઝિટમાંથી તેને વસૂલે છે. આગામી રિચાર્જ બાદ સિક્યોરિટી ડિપોઝિટની રકમને પૂરી કરવામાં આવશે.
દેશમાં અત્યારે 2.54 કરોડ ફાસ્ટેગ
દેશમાં અત્યારે 2.54 કરોડથી વધારે ફાસ્ટેગ યુઝર છે. દેશના કુલ ટોલ કલેક્શનમાં ફાસ્ટેગની 80% ભાગીદારી છે. ફાસ્ટેગ દ્વારા દરરોજ લગભગ 89 કરોડ રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. 15 ફેબ્રુઆરી 2021થી ટોલ પ્લાઝા પર માત્ર ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. NHAIએ સમગ્ર દેશના ટોલ પ્લાઝા પર 100% કેશલેસ ટેક્સ કલેક્શનનું લક્ષ્યાંક નક્કી કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.