• Gujarati News
 • Utility
 • Wife Forgives Husband And Ready To Live Together Again, Will Her Punishment Be Lifted?

દહેજ માગનાર પતિ ખાય છે જેલની હવા:પત્ની પતિને માફ કરીને ફરીથી સાથે રહેવા તૈયાર થઈ, શું તેની સજા ખતમ થશે?

13 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડનનાં કેસમાં સજા ભોગવી રહેલા એક પતિની સજા ઓછી કરી દીધી છે. તેની પત્ની દ્વારા કરવામાં આવેલ અરજીનાં કારણે આ સજા ઘટાડવામાં આવી છે. આ પત્નીએ કોર્ટનાં દરવાજા ખખડાવ્યા અને પોતાનું પરણિત જીવન ફરીથી જીવવાની ઈચ્છા દર્શાવી. તેણે કહ્યું, ‘તે પોતાનું આગળનું જીવન તેના પતિ સાથે જીવવા ઈચ્છે છે.’

આ દહેજ ઉત્પીડનનો કેસ હતો એટલે તેના પતિને 498(A) અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેને 2 વર્ષ જેલની સજા ભોગવવાનો હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પણ આ સજાને યથાવત રાખી હતી. અત્યાર સુધીમાં તે 6 મહિનાની જેલની સજા ભોગવી ચૂક્યો છે.

પત્નીની અરજી પછી સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, ‘આ કેસમાં તે સજાનાં નિર્ણયમાં દખલગીરી કરવા ઈચ્છતા નથી તેમછતાં મહિલાએ જે નિવેદન આપ્યું અને પરિસ્થિતિ જે પ્રકારની સર્જાઈ છે તેને જોઈને એમ કહી શકાય કે, આરોપી પતિએ જેટલો સમય જેલમાં ભોગવ્યો તેને સજારુપે માનીને પત્નીની અપીલ સ્વીકારી સજામાં ઘટાડો કરવામાં આવે છે.’

આપણે સૌ જાણીએ છીએ કે, આ પ્રકારનો કિસ્સો કંઈ પહેલો નથી કે, જ્યાં દહેજ ઉત્પીડનનાં કારણે પતિ જેલનાં સળિયાની પાછળ હોય. હા, એ પ્રકારના કિસ્સા ખૂબ જ ઓછા જોવા મળે તે, જ્યાં પતિની સજા માફ કરીને પત્ની ફરી તેની સાથે લગ્નજીવન જીવવા ઈચ્છતી હોય.

આ સિવાય આપણા દેશમાં દહેજ ઉત્પીડનનાં અનેક બનાવટી કેસો પણ ચાલી રહ્યા છે, જ્યાં નિર્દોષ છતાં પણ પતિ અને તેમના ઘરનાં લોકો સજા કાપી રહ્યા છે. આજે કામના સમાચારમાં વાત કરી રહ્યા છીએ કે, શું કોર્ટમાં ચાલી રહેલો કેસ પાછો લઈ શકાય? દહેજ ઉત્પીડન માટેનો કેસ પાછો લેવા માટેની પ્રોસેસ શું છે?

આજનાં અમારા એક્સપર્ટ છે જબલપુરથી મધ્યપ્રદેશ હાઈકોર્ટનાં એડવોકેટ અશોક પાંડે અને સુપ્રીમ કોર્ટનાં એડવોકેટ સચિન નાયક.

સૌથી પહેલાં તો એ સમજીએ કે, કેસ કેટલાં પ્રકારનાં હોય છે?
કેસ બે પ્રકારનાં હોય છે.

 • સમાધાનન થઈ જાય એટલે કે કોમ્પ્રોમાઈઝ કેસ
 • સમાધાન ન થાય એટલે કે નોન-કોમ્પ્રોમાઈઝ કેસ

કોમ્પ્રોમાઈઝનાં કેસમાં જો પીડિત ઈચ્છે તો પોતાનો કેસ પાછો લઈ શકે છે. જો કે, નોન-કોમ્પ્રોમાઈઝ કેસમાં આ શક્ય નથી.

પ્રશ્ન- કોમ્પ્રોમાઈઝ કેસ એટલે શું?
જવાબ-
CrPCની કલમ-320 હેઠળ એક ચાર્ટ છે, જેમાં સમાધાનકારી ગુના અંગે વિગતવાર જણાવવામાં આવ્યું છે કે, ફરિયાદી કયા-કયા કિસ્સામાં કેસ પરત ખેંચી શકે છે. આવા અનેક કિસ્સાઓ છે કે, જેમાં કોર્ટની બહાર સમજૂતી થઈ શકે છે અને CrPCની કલમ-320 હેઠળ અરજી દાખલ કરીને કોર્ટને જાણ કરવામાં આવે છે કે, ફરિયાદી અને આરોપી વચ્ચે સમજૂતી થઈ ચૂકી છે, આવી સ્થિતિમાં કાર્યવાહી રદ થવી જોઈએ. ત્યારબાદ કોર્ટ આ કાર્યવાહીને રદ્દ કરે છે.

પ્રશ્ન- કેસ પાછો ખેંચવા માટે તમારે શું ધ્યાન રાખવું પડશે એટલે કે પ્રક્રિયા શું છે?
જવાબ-
જે વ્યક્તિએ કેસ દાખલ કર્યો છે અને જે વ્યક્તિ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમની વચ્ચે સમજૂતી થઈ હોય તો તેઓ કેસ પાછો ખેંચી શકે છે. આખી પ્રક્રિયાને આ રીતે સમજો...

CrPCની કલમ-320 હેઠળ કોર્ટમાં અરજી આપવામાં આવશે. આ અરજીમાં કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. આથી આ કેસ રદ્દ કરવો જોઈએ. આ સાથે ઘણા કેસમાં કોર્ટ પોતે જ કેસ રદ્દ કરી શકે છે.

પ્રશ્ન- કયા કિસ્સામાં કેસ પાછો ન ખેંચી શકાય?
જવાબ-
જ્યારે ગુનો ગંભીર હોય છે. તેની સજા 3 વર્ષથી વધુની છે તો પછી કેસ પોતાની ઈચ્છાથી પાછો ખેંચી શકાતો નથી.

પ્રશ્ન- ગુનો ગંભીર હોય તેમછતાં બે પક્ષકાર સમાધાન કરવા માગતા હોય તો શું કેસ પાછો ખેંચાશે?
જવાબ-
જો બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હોય અને તે બંને કેસ ખતમ કરવા માગતા હોય તો હાઈકોર્ટમાં અરજી કરવામાં આવે છે. ત્યાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

હવે બિન-સમાધાનકારી કેસ વિશે વાંચો, આ કિસ્સાઓમાં કેસ પાછો ખેંચી શકાતો નથી

 • રાજદ્રોહ
 • દહેજ ઉત્પીડન
 • છેતરપીંડી
 • અપહરણ અને ખંડણી
 • ખૂન
 • બળાત્કાર

પ્રશ્ન- તમે કઈ પરિસ્થિતિઓમાં પોતાનો કેસ પાછો ખેંચી શકો છો?
જવાબ-
જો થોડા સમય પછી પતિ અને પત્ની વચ્ચેનાં સંબંધો ફરી સુધરી જાય તો તે કેસ પાછો ખેંચી શકે છે. આ પરિસ્થિતિમાં જ્યારે બંનેને એવું લાગે કે, તે એકસાથે રહેવા ઈચ્છે છે અને પોતાનું જીવન ફરીથી શરુ કરવા ઈચ્છે છે તો તે કોર્ટની મદદ લઈ શકે છે. યાદ રાખજો કે, કોર્ટ ક્યારેય પણ છૂટાછેડા કરાવવાનાં પક્ષમાં હોતી નથી.

પ્રશ્ન- ખોટો દહેજની ઉત્પીડન અને હિંસાનો કેસ દાખલ થયો હોય તો પતિએ શું કરવું જોઈએ?
જવાબ-
જો પત્નીએ ખોટો દહેજની ઉત્પીડન કે હિંસાનો કેસ કર્યો હોય તો તેને નિર્દોષ સાબિત કરવા પુરાવાની જરૂર છે. જો પત્ની પાસે માનસિક કે શારીરિક ત્રાસ સાથે સંબંધિત કોઈ પુરાવા ન હોય તો પતિ પાસે આના આધારે કોર્ટ સમક્ષ રજૂ કરવાનો વિકલ્પ હોય છે. તે 227 CrPC 1973 હેઠળ તેની ડિસ્ચાર્જ અરજી દાખલ કરીને પોતાનો કેસ પૂરો કરી શકે છે.

આ સાથે જ બીજા વિકલ્પમાં હાઈકોર્ટ સમક્ષ FIR નોંધાવ્યા બાદ અરજી આપવાની છે, જે 482 CrPC 1973 હેઠળ હશે.

IPCની કલમ 498(A) સામે પતિ અને તેનાં પરિવારને દહેજ ઉત્પીડનનાં ખોટા આરોપોથી બચાવી શકાય છે

1. તમામ પુરાવા અને દસ્તાવેજો એકત્રિત કરો: ખોટો આરોપ સાબિત કરવા માટેનું પહેલું પગલું એ છે કે, 498(A) કેસ હેઠળ તમામ દસ્તાવેજોને સારી રીતે એકત્રિત કરવામાં આવે. તમારે શક્ય હોય તેટલા વધુ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરવું જોઈએ, જેમાં સામેલ છેઃ

 • તમારી અથવા તમારા પરિવારનાં સભ્ય વચ્ચે તમારી પત્ની અથવા તેના સંબંધીઓ વચ્ચેની કોઈપણ વાતચીત જેમ કે, કોઈપણ SMS, ઈ-મેઇલ, પત્ર, કોલ રેકોર્ડિંગ વગેરે.
 • કોઈપણ પુરાવા જે સાબિત કરે છે કે, તમારી પત્ની તેની મરજીથી તમારા ઘરની બહાર નીકળી ગઈ છે.
 • લગ્ન પહેલાં અથવા પછી દહેજની કોઈ માગ કરવામાં આવી ન હતી તે દર્શાવતા કોઈપણ પુરાવા એકત્રિત કરવા.

2. આગોતરા જામીન લો: જો તમને લાગતું હોય કે, તમારી પત્ની કલમ 498(A) હેઠળ FIR દાખલ કરી શકે છે, તો બચાવ માટે વકીલની મદદ લો અને તમારી અથવા તમારા પરિવારના સભ્યની ધરપકડ અટકાવવા માટે આગોતરા જામીન મેળવો.

જ્યારે પોલીસ તમને અથવા તમારા પરિવારના સભ્યોની ધરપકડ કરવા આગળ વધે છે ત્યારે આગોતરા જામીન એ સાવચેતીનાં જામીન જેવા છે. તમે CrPCની કલમ-438(1) હેઠળ IPCની કલમ-498 (A) કેસ સામે રક્ષણ માટે આગોતરા જામીન માટે અરજી કરી શકો છો.

તમે CrPCની કલમ-482 હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા ખોટી 498 (A) FIR રદ્દ કરાવી શકો છો.

પ્રશ્ન- ઘણી વખત જોવામાં આવે છે કે, નાની લડાઇને અહંકાર માનીને યુવતીનાં પરિવાર દ્વારા દહેજ ઉત્પીડનનાં કેસ દાખલ કરવામાં આવે છે. આવા કિસ્સામાં પત્નીને પતિ સાથે જવાની ઈચ્છા થાય છે પરંતુ, પરિવાર તેને આવું કરવા દેતો નથી, તો પછી વિકલ્પ શું છે?
જવાબ-
જો પત્ની પતિ સાથે પરત જવા માંગે છે અને પરિવારનાં સભ્યોનાં દબાણમાં કેસ ચાલી રહ્યો છે તો બંને પરસ્પર સહમતિથી કોર્ટ સામે કબૂલાત કરીને પોતાના ઘરે પાછા જઈ શકે છે. બીજો વિકલ્પ એ છે કે, રેસ્ટીટ્યૂશન ઓફ કંજગાલ રાઈટ્સ હિંદુ મેરેજ એક્ટ 1955ની કલમ-9 હેઠળ પતિ પોતાની પત્નીને પોતાની સાથે પરત લાવી શકે છે.

હવે દહેજ અને તેની કલમ સાથે જોડાયેલા કાયદાને સમજો.

પ્રશ્ન- દહેજ ઉત્પીડન એટલે શું?
જવાબ-

 • ભારતીય દંડ સંહિતાની કલમ 498(A) દહેજ સંબંધિત એક કલમ છે.
 • દહેજ લેવું અને આપવું બંને ગુનાની શ્રેણીમાં છે.
 • પત્ની અથવા તેના સંબંધી પાસેથી સંપત્તિ અથવા કિંમતી ચીજોની માગ કરવી એ દહેજ કહેવામાં આવે છે.

પ્રશ્ન- દહેજનો કાયદો શું છે? દહેજ ઉત્પીડન માટે કેટલી સજા છે?
જવાબ-
દહેજ નિષેધ અધિનિયમ 1961 મુજબ જે લોકો દહેજ લે છે, આપે છે અથવા લેવડ-દેવડમાં સામેલ છે, તેને 5 વર્ષની જેલની સજા થશે. આ સાથે જ 15,000 રૂપિયાનાં દંડની જોગવાઈ છે. દહેજ માટે હુમલો, કિંમતી ચીજવસ્તુઓની માગણી કરવી એ IPCની કલમ 498(A) હેઠળ સજા કરવામાં આવે છે. આ માટે 3 વર્ષની જેલની સજા અને દંડ થશે. જો પતિ અને સાસરિયાં સ્ત્રીધનને સોંપવાની ના પાડે તો 3 વર્ષની સજા અને દંડ બંનેની જોગવાઈ છે.

દહેજ હત્યા એટલે શું?
IPC 1860ની કલમ 304-B હેઠળનાં ગુનાને કાયદાની ભાષામાં ‘દહેજ મૃત્યુ’ કહેવામાં આવે છે. આ જોગવાઈ મુજબ લગ્નનાં સાત વર્ષમાં જો કોઈ મહિલા દાઝી જવાથી કે અન્ય કોઈ પ્રકારની શારીરિક ઈજાથી મૃત્યુ પામે અને મરતાં પહેલાં પતિ કે સાસરિયાંઓએ હુમલો કર્યો હોય, દહેજની માગણી કરી હોય તો તેને ‘દહેજ મૃત્યુ’ ગણવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટનાં બે ચુકાદા વાંચો

દહેજ ઉત્પીડનનો કેસ સાસરિયાંઓ પર ચલાવી શકાય નહીં
મહિલાએ તેના પતિ અને તેના સાસરિયાઓ સામે દહેજ ઉત્પીડનનો કેસ કર્યો હતો. પતિ અને તેના સંબંધીઓએ FIR અને કાનૂની કાર્યવાહી રદ્દ કરવા માટે પટના હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી. આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. મહિલાનાં સાસરિયાઓએ અરજીમાં ક્રિમિનલ કેસને ફગાવી દેવાની વિનંતી કરી હતી. તેણે કહ્યું કે, માનસિક ત્રાસ આપવા બદલ તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રશ્ન એ છે કે શું પતિના સંબંધીઓ એટલે કે મહિલાનાં સાસરી પક્ષ પર સામાન્ય અને બહુહેતુક આરોપને ફગાવી દેવો જોઈએ કે નહીં?

498A (IPCની કલમ 498A)ના કેસમાં પતિનાં સંબંધી સામે કોઈ સ્પષ્ટ આરોપ વગર કેસ ચલાવવાની કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે. સર્વોચ્ચ અદાલતનાં જણાવ્યા મુજબ એક સરળ અને બહુહેતુક આરોપનાં આધારે પતિના સંબંધી (મહિલાનાં સાસુ-સસરા) પર કેસ ચલાવવો એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ (498Aનો દુરુપયોગ) છે. આ રીતે કેસ ચલાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે મહિલાનાં સાસરિયાઓ સામે દહેજ ઉત્પીડનનો કેસ ફગાવી દીધો હતો.

કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો શખ્સ, પત્નીને ચૂકવવું પડ્યું 50,000 રૂપિયાનું વળતર
દક્ષિણ મુંબઈનાં એક બિઝનેસમેન પર તેની પત્નીએ દહેજ અને ક્રિમિનલ કેસ કર્યો હતો, પતિએ આરોપ લગાવ્યો હતો કે, પત્નીએ તેના પર દહેજનો ખોટો આરોપ લગાવ્યો હતો. એક દાયકા સુધી ચાલેલા આ સંબંધ દરમિયાન પત્નીએ કરેલા અત્યાચારથી તેની અને તેના પરિવારની આબરૂને લાંછન લાગ્યું હોવાનું જણાવી, પતિએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. હાઈકોર્ટે આ વ્યક્તિને તેની પત્નીથી છૂટાછેડા આપી દીધા છે. આ સાથે જ પત્નીને પતિને 50,000 રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે.