• Gujarati News
  • Utility
  • Whether It Is Ganapati Of Clay Or That Of Phadkadi, Know When And How To Do The Discharge?

ડોલ કે ટબમાં કરો બપ્પાનું વિસર્જન:માટીના ગણપતિ હોય કે ફટકડીના, જાણો ક્યારે અને કેવી રીતે કરશો વિસર્જન?

એક મહિનો પહેલાલેખક: અલિશા સિન્હા
  • કૉપી લિંક

હજુ તો આપણે થોડા દિવસો પહેલા ગણપતિ બપ્પાને લાવવાની તૈયારી કરી રહ્યા હતા ને આજે બપ્પાને આવ્યાના 2 દિવસ વીતી પણ ગયા અને તેમનો જવાનો સમય પણ નજીક આવી ગયો. આ વાત એટલા માટે આજે કહી રહ્યા છીએ કારણ કે, જે લોકો બીઝી શેડ્યુલ ધરાવતા હોય તે ત્રીજા દિવસે ગણપતિ બપ્પાનું વિસર્જન કરી દે છે. જો તમે પણ બપ્પાનું વિસર્જન આજે કરી રહ્યા છો તો નદી, તળાવ કે બીજી કોઈ જગ્યાએ વિસર્જન કરવાની જગ્યાએ ઘરેબેઠા જ વિસર્જન કરો. તેનાથી પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે.

ચાલો જાણીએ ગણપતિ બપ્પાનું વિસર્જન કેવી રીતે અને ક્યારે કરવાનું છે? આ માટે તમારે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે?

પ્રશ્ન: કયા-કયા દિવસે ગણપતિનું વિસર્જન કરવાનો નિયમ છે?
જવાબ: ત્રીજા, પાંચમા, સાતમા અને દસમા દિવસે તમે ઘરે ગણપતિનું વિસર્જન કરી શકો.

POPની જગ્યાએ માટીના ગણપતિની સ્થાપના કરો પણ જો તમે આ વખતે પણ ચમક-ધમકના મોહમાં આવીને POPના ગણપતિ બેસાડ્યા છે તો પર્યાવરણને નુકશાન પહોંચાડીને બીજી ભૂલ ના કરશો. તેને ઘરે જ વિસર્જિત કરો.

આ છે રીત

  • ગણપતિની સાઇઝને ધ્યાનમાં રાખીને એક ડોલ લો.
  • ડોલમાં એટલું પાણી નાખો કે ગણપતિનું વિસર્જન થઈ જાય.
  • પાણીમાં એમોનિયમ બાયકાર્બોનેટ ઉમેરો અને તેને ઓગળવા દો.
  • ગણપતિને એક ડોલમાં નાખીને બે-બે કલાકમાં પાણી હલાવતા રહો.
  • 48 કલાક બાદ ડોલમાં દૂધ જેવું સફેદ દ્રાવણ બનશે.
  • આ પાણીને કોઈ ખાલી પ્લોટ કે મેદાનમાં રેડી દો.

જો તમે માટીના ગણપતિ બનાવતી વખતે તેમાં બીજ નાખ્યા હોય તો આ રીતે વિસર્જન કરો

  • ગણપતિની સાઇઝને ધ્યાનમાં રાખીને એક કૂંડુ લો.
  • તેને સ્વચ્છ પાણીથી ભરો અને તેમાં ગણપતિનું વિસર્જન કરો.
  • ગણપતિનું વિસર્જન થતાં જ બીજ પાણીમાં દેખાવા લાગશે.
  • આ બીજને કૂંડામાં રહેવા દો અને થોડી વધારાની માટી ઉમેરો. સમયાંતરે તેમાં પાણી રેડતા રહો.
  • થોડા દિવસ પછી એક સુંદર છોડ તૈયાર થઈ જશે.

આજકાલ કેટલીક જગ્યાએ ફટકડીવાળા ગણપતિ બનાવવામાં આવે છે. જે પર્યાવરણ માટે યોગ્ય છે, તે પણ એક નવી રીત છે. એલ્યુમ સલ્ફેટ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે અને વોટર પ્યુરિફાયર તરીકે પણ કામ કરે છે.

ફટકડીવાળા ગણપતિનું વિસર્જન આ રીતે કરો

  • ગણપતિની પૂજા કર્યા બાદ એક ટબ, કૂંડામાં કે ડોલમાં સ્વચ્છ પાણી ભરી લો.
  • તેમાં ગણપતિનું વિસર્જન કરો અને તેને પાણીમાં ઓગળવા દો.
  • ગણપતિના વિસર્જન પછી તમે તમારા મન મુજબ પાણીનો ઉપયોગ કરો.

ગણપતિના વિસર્જન પહેલા, વિસર્જન કરતી વખતે અને વિસર્જન પછી આ વાતોનું રાખો ધ્યાન

  • વિસર્જન પહેલા ગણપતિની પૂજા કરતી વખતે તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરો.
  • ગણપતિનું શુભ સમયમાં વિસર્જન કરો.
  • ગણપતિને જ્યારે વિસર્જન માટે લઈ જાવ ત્યારે તે તમામ વસ્તુઓને એક પોટલીમાં બાંધી ગણેશજી સાથે વિસર્જન કરો.
  • તમે ગણપતિની પૂજા કરી હોય તે દિવસોમાં જે પણ ભૂલો થઈ છે તેના માટે બાપ્પાની માફી માગો.
  • ગણેશજીની મૂર્તિ હોય કે પ્રતિમા તેને ધીમે-ધીમે પાણીમાં વિસર્જિત કરો. એકાએક છોડશો નહીં કે પછાડશો નહીં.
  • વિસર્જન સમયે તમારે શ્રી ગણેશના મંત્રોનો જાપ પણ કરવો જોઈએ, તે શુભ રહેશે.
  • ઘરમાં વિસર્જન કર્યા પછી પાણી જ્યા-ત્યા ન ફેંકવું કે પછી તેને કોઈના પગમાં પડવા ન દેવું. આ વાતનું ખાસ ધ્યાન રાખો.
  • જો તમે તેને કોઈ નદી કે તળાવમાં વહાવવા માગતા હો તો ધ્યાન રાખો કે તે નદી કે તળાવનું પાણી કોઈ નાળામાં જતું નથી.