સારવાર માટે ડોનર ન મળતાં દર્દી નિરાશ:ઈચ્છામૃત્યુ માટે યુરોપ જવા ઈચ્છે છે, દેશનો કાયદો શું કહે છે?

એક મહિનો પહેલા

બેંગ્લોરની એક 49 વર્ષની મહિલાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેણે તેનાં મિત્રનાં યુરોપ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. ખરેખર તેનો મિત્ર ઈચ્છામૃત્યુ માટે યુરોપ જવા માગે છે. તે વર્ષ 2014થી ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમથી પીડિત છે. જેનાં કારણે તેનાં આંતરડામાં સમસ્યા છે. તે સારવાર માટે દિલ્હીનાં AIIMS ખાતે ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટેશન કરાવી રહ્યા છે.

કોરોનાને કારણે ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દાતા ન મળતાં તેણે મરવાનું મન બનાવી લીધું છે. મહિલાએ કોર્ટમાં અરજી કરી છે કે, જો તેના મિત્રની યાત્રા રોકવામાં નહીં આવે તો તેના માતા-પિતા અને અન્ય મિત્રોને મોટું નુકસાન થશે. આવી સ્થિતિમાં ચાલો સમજીએ કે ઈચ્છામૃત્યુ અંગે ભારતીય કાયદો શું કહે છે? આ માટે કોઈ વ્યક્તિ અન્ય દેશોમાં જઈ શકે કે નહીં?એ પણ જાણો કે ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટેશન શું છે?

(આ બધા જ પ્રશ્નોનાં જવાબ જાણવા માટે અમે સુપ્રીમ કોર્ટનાં વકીલ, બી. કૃષ્ણા પ્રસાદ, રૉબિન મજમુદાર, ગ્રેટર નોઈડાની એડવોકેટ ચિકિશા મોહંતી અને ભોપાલનાં એડવોકેટ અવિનાશ ગોયલ સાથે વાત કરી)

પ્રશ્ન: ઈચ્છામૃત્યુનો અર્થ શું થાય છે?
જવાબ: ઈચ્છામૃત્યુનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિની મૃત્યુની ઈચ્છા હોય અને તેને પૂરી કરવી. આવામાં ડૉક્ટરની મદદથી તેનાં જીવનનો અંત લાવવો પડે છે, જેથી તેને દુખાવામાંથી મુક્તિ મળી શકે એટલે કે તેને કોઈ પણ અસાધ્ય બીમારીની સમસ્યામાંથી મુક્તિ મળી જાય છે.

આખા વિશ્વમાં ઈચ્છામૃત્યુ બે રીતે આપવામાં આવે છે

 • સક્રિય ઈચ્છામૃત્યુ
 • નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ

પ્રશ્ન: સક્રિય અને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુમાં શું તફાવત છે?
જવાબ:
સક્રિય ઈચ્છામૃત્યુ: આમાં ડૉક્ટરની મદદથી દર્દીને મોત આપવામાં આવે છે. ડૉકટરો દર્દીને ઝેરી દવા અથવા ઇન્જેક્શન આપે છે અને તે મૃત્યુ પામે છે. અમુક દેશોમાં જ આ રીતે ઈચ્છામૃત્યુ આપવામાં આવે છે. એડવોકેટ કૃષ્ણ પ્રસાદનાં જણાવ્યા મુજબ ભારતમાં આ પ્રકારનું મૃત્યુ ગેરકાયદેસર છે.

નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ: તેમાં ઝેરી દવા કે ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવતો નથી. જો કોઈ દર્દી લાંબા સમયથી જીવન રક્ષક ઉપકરણો એટલે કે વેન્ટિલેટરની મદદથી જીવતો હોય અને તેનો પરિવાર ઈચ્છામૃત્યુની વિનંતી કરી રહ્યો હોય તો તેને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવે છે અને તેની દવાઓ પણ બંધ કરી દેવામાં આવે છે, જેની મદદથી તે જીવતો હોય છે.

પ્રશ્ન: સુપ્રીમ કોર્ટે કઈ બીમારીઓમાં દર્દીને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે?
જવાબ: કોર્ટે કોઈ ખાસ બીમારીઓ વિશે કહ્યું નથી. જો ડોક્ટરને લાગે કે દર્દીની સ્વસ્થ થવાની કોઈ આશા જ નથી તો તેનાં પરિવારનાં સભ્યોની સલાહ પર નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ આપી શકાય છે.

પ્રશ્ન: જો દર્દીમાં વિચારવા અને સમજવાની ક્ષમતા હોય તો પણ શું નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો નિર્ણય તેનાં ઘરનાં સભ્યો જ લેશે?
જવાબ: ના, આવી સ્થિતિમાં નિર્ણય લેવાનો અધિકાર સંપૂર્ણપણે દર્દીનો જ રહેશે.

પ્રશ્ન: નિષ્ક્રિય ઈચ્છામૃત્યુમાં દર્દીને ખૂબ જ દુખાવો સહન કરવો પડશે?
જવાબ: દર્દી જે પીડામાંથી પસાર થઈ રહ્યો છે, તેમાં વધુ વધારો ન થવા દેવાની જવાબદારી ડૉક્ટરની રહેશે.

વર્ષ 2018માં ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય બેન્ચે કેટલીક શરતો સાથે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ અને લિવિંગ વિલને મંજૂરી આપી હતી. તમે વિચારતા હશો કે, આ હવે લિવિંગ વિલ શું છે? તેના વિશે વાંચો નીચે...

હવે વાત કરીએ ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટેશનની કે, જેના કારણે દર્દી મૃત્યુ ઈચ્છે છે...

પ્રશ્ન: ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું?
જવાબ: આને ‘સ્ટૂલ ટ્રાન્સપ્લાન્ટ’ કહે છે. સારવાર માટે તંદુરસ્ત વ્યક્તિનાં મળને લઈને દર્દીમાં ફિકલ બેક્ટેરિયા ઉમેરવામાં આવે છે. ડૉક્ટર મારિયા વેરેશિલ્ડનાં જણાવ્યા મુજબ જે લોકોને પેટમાં વારંવાર ઈન્ફેક્શન થાય છે, તેમનાં પાચનતંત્રમાં કોઈ તંદુરસ્ત વ્યક્તિનાં શરીરમાંથી લેવામાં આવેલ સ્ટૂલ પ્લાન્ટ કરવામાં આવે છે. આની મદદથી દર્દીનાં શરીરમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારીને તેને બેલેન્સમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

પ્રશ્ન: સ્ટૂલ એટલે કે પોટીને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં કેવી રીતે લઈ જવામાં આવે છે?
જવાબ: નીચેનો જવાબ વાંચો

 • સ્ટૂલ ટ્રાન્સપ્લાન્ટ પહેલાં ઘણાં પ્રકારના ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ કરવામાં આવે છે.
 • તેને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે.
 • સૌથી પહેલાં તો દાતાએ લેબમાં આવીને સેમ્પલ આપવાનું હોય છે.
 • સેમ્પલને ફિલ્ટર કર્યા પછી તેને સેન્ટ્રિફ્યુજ મશીનમાં મૂકીને ફેરવવામાં આવે છે.
 • આ જ પ્રક્રિયામાં બેક્ટેરિયાને સ્ટુલથી અલગ કરવામાં આવે છે અને પછી તેને કેપ્સ્યુલમાં ભરવામાં આવે છે અને દર્દીને આપવામાં આવે છે.
 • અન્ય એક પ્રક્રિયામાં દર્દીની કોલોનોસ્કોપી કરીને પણ સીધી રીતે ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.
 • એનિમા પ્રક્રિયા દ્વારા મોટાં આંતરડામાં પણ બેક્ટેરિયા મુક્ત થઈ શકે છે. ત્યારબાદ બેક્ટેરિયા દર્દીનાં આંતરડામાં સ્થાયી થવાની અપેક્ષા રાખવામાં આવે છે.

દર્દીની આખી સ્ટોરી

 • દર્દીની ઉંમર 48 વર્ષ છે. તે નોઈડાનો રહેવાસી છે. માતા-પિતા બંનેની ઉંમર 70 વર્ષ છે. દર્દી એકલો પુત્ર છે અને તેને એક બહેન છે.
 • અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દર્દીએ જૂઠું બોલીને શેંગેન વિઝા લીધો હતો. આ વિઝા સાથે તે 26 યૂરોપિયન દેશોમાં ફરી શકે છે. તેણે કહ્યું હતું કે, તે સારવાર માટે બેલ્જિયમ જઈ રહ્યો છે, જ્યારે હકીકતમાં તે આ વિઝા દ્વારા આ વર્ષે જૂનમાં બેલ્જિયમથી સ્વિત્ઝર્લેન્ડના ઝુરિચ ગયો હતો.
 • દર્દીએ ઝુરિચ સ્થિત સંગઠન ડિગ્નિટાસ પાસેથી ઈચ્છામૃત્યુની માગ કરી છે. આ સંસ્થા વિદેશી નાગરિકોને ઈચ્છામૃત્યુમાં મદદ કરે છે. ડિગ્નિટાસે તેમની અરજી સ્વીકારી લીધી છે. તે ઓગષ્ટનાં અંત સુધી દર્દીનાં અંતિમ નિર્ણયની રાહ જોશે.