• Gujarati News
 • Utility
 • Vaccine Was Given To 40 Children With A Single Syringe, Know How Diseases Can Be Faced By Taking The Vaccine With A Single Syringe

1 સોય, 1 સિરિંજ, 40 વખત ઉપયોગ:એક જ સિરિંજથી 40 બાળકને વેક્સિન આપી, જાણો એક જ સિરિંજથી વેક્સિન લેવા પર કેવી-કેવી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે

20 દિવસ પહેલા

મધ્યપ્રદેશના સાગર જિલ્લાની એક ખાનગી શાળામાં બાળકો માટે વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી નર્સિંગ કોલેજોના વિદ્યાર્થીઓને ફરજ પર મૂક્યા હતા. આ વિદ્યાર્થીઓના ગ્રુપમાં એક ત્રીજા વર્ષનો વિદ્યાર્થી પણ હતો. તેણે એક પછી એક 40 જેટલાં બાળકને એક જ સિરિંજથી કોવિડ વેક્સિન આપી હતી. એક વિદ્યાર્થીના પિતાની આ સમગ્ર ઘટના પર નજર પડતાં આખો મામલો પ્રશાસન સુધી પહોંચ્યો હતો. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે એક જ સિરિંજથી વેક્સિન લેવાનું જોખમ શું હોઈ શકે? એનો ઉપયોગ કરવાની સાચી રીત શું છે? આજે ઈન્દોરનાં જનરલ ફિઝિશિયન ડૉ. ફાતિમા ચાહવાલા, જનરલ ફિઝિશિયન, ભોપાલના ડૉ. અરવિંદકુમાર મિત્તલ અને એડવોકેટ સચિન નાયક આ પ્રશ્નોના જવાબ આપશે.

પ્રશ્ન: એક જ સિરિંજથી વેક્સિન લગાવવાથી કેવી રીતે નુકસાન થાય છે?
જવાબ:
વેક્સિન આપવા માટે અથવા તો કોઈ દવા આપવા માટે જો એક જ સિરિંજનો ઉપયોગ કરવામાં આવે તો સૌથી વધુ જોખમ વાઈરલ રોગો ફેલાવાનું રહે છે.
આ રીતે સમજો: જો કોઈના લોહીમાં ચેપ છે અને તેમનું લોહી સિરિંજમાં ક્યાંક રહી જાય અને તે જ સિરિંજથી બીજી વ્યક્તિને વેક્સિન કે દવા આપવામાં આવશે તો તેને પણ ઈન્ફેક્શન લાગી જશે.

પ્રશ્ન: જો દર્દીને ખબર પડે કે તેને જૂની સિરિંજથી વેક્સિન આપવામાં આવી છે અથવા તો દવા આપવામાં આવી છે, તો તેણે પહેલા શું કરવું જોઈએ?
જવાબ:
આવી સ્થિતિમાં માહિતી મળ્યા બાદ તમારે તરત જ આ આખી ઘટના વિશે ડૉક્ટરને જણાવીને બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. આ રીતે વાઈરલ બીમારી અથવા લોહીના ચેપને શક્ય તેટલી વહેલી તકે શોધી શકાય છે અને સમયસર સારવાર પણ થઈ શકશે.

પ્રશ્ન: આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે નવી સિરિંજમાંથી વેક્સિન અથવા કોઈ દવા લઈ રહ્યા છીએ કે પછી જૂની સિરિંજમાંથી?
જવાબ:
આ માટે કોઈ વિશેષ ટ્રિક તો નથી. તમે માત્ર એટલું કરી શકો છો કે જે વ્યક્તિ તમને વેક્સિન કે દવા આપવાની છે તેને તમારી સામે જ નવી સિરિંજ ખોલીને એનો ઉપયોગ કરવા માટે કહો.

આ તો વાત થઈ સિરિંજની. હવે વાત કરીએ ડાયાબિટીસના દર્દીની. તમે વિચારતા હશો કે આપણે અચાનક જ સિરિંજ અને વેક્સિનની વાત પરથી ડાયાબિટીઝના દર્દી પર કેવી રીતે આવી ગયા? જ્યારે કોઈ દવા કે વેક્સિન શરીરમાં પહોંચાડવાની હોય ત્યારે સિરિંજની પર સોય હોય છે અને ઘણા ડાયાબિટીસના દર્દીઓ દરરોજ ઈન્સ્યુલિન લેવા માટે સિરિંજ અને સોયનો ઉપયોગ કરે છે? આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે...

શું એક જ નીડલથી ડાયાબિટીસના દર્દીઓને વારંવાર ઈન્સ્યુલિન આપી શકાય છે?
આ અંગે જનરલ ફિઝિશ્યન ડૉ. અરવિંદકુમાર મિત્તલ કહે છે, 'ના, તમે એ બિલકુલ ન કરી શકો. એક જ સોયથી વારંવાર વેક્સિનેશન અથવા દવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એને એક જ વાર ઉપયોગ કરીને ફેંકી દેવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ પણ ઈન્સ્યુલિન લગાવવા માટે માત્ર એક જ વાર સોયનો ઉપયોગ કરવો જોઇએ.

ઈન્જેક્શનમાંથી ઈન્સ્યુલિન લેવાની આ યોગ્ય રીત છે

 • ઈન્સ્યુલિન લેતાં પહેલાં તમારા હાથને સાબુ અને પાણીથી ધોઈ લો.
 • સિરિંજમાં જરૂરિયાત મુજબ ઈન્સ્યુલિન ભરો.
 • એક જ સિરિંજમાં એક કરતાં વધુ પ્રકારના ઈન્સ્યુલિન ન ઉમેરો.
 • ડોઝ હંમેશાં ચરબીવાળા ભાગ પર જ લગાવો.
 • ઇન્જેક્ટ કરતી વખતે સોયને ત્વચાની અંદર દાખલ કરો.
 • સિરિંજને ધીમેથી દબાવો. સિરિંજ સંપૂર્ણપણે ખાલી થઈ જાય એ પછી સોયને એ જગ્યાએ લગભગ 10 સેકન્ડ સુધી રાખો.
 • એનો ઉપયોગ કર્યા બાદ કાળજીપૂર્વક સોય અને સિરિંજને ફેંકી દો.

શું તમે જાણો છો સાગર જિલ્લામાં બનેલી આ ઘટના પર એક જ સિરિંજથી વેક્સિન આપનાર નર્સિંગના વિદ્યાર્થીએ આવું કેમ કર્યું?
તે કહે છે, 'મને કોલેજના HOD શાળામાં વેક્સિનેશન માટે લાવ્યા હતા. મને એ જ સિરિંજ આપવામાં આવી હતી. મેં તેમને એમ પણ પૂછ્યું હતું કે શું આ એક જ સિરિંજથી બાળકોને વેક્સિન આપવાની છે? તો તેમણે હા પાડી. તેમની મંજૂરી બાદ જ મેં બાળકોને એક જ સિરિંજથી વેક્સિન આપી તો એમાં મારો શો વાંક છે?'

જાણવા જેવું

 • વર્ષ 1990માં HIV ફાટી નીકળ્યા બાદ ડિસ્પોઝેબલ સિરિંજનો ઉપયોગ ફરજિયાત કરી દેવામાં આવ્યો હતો.
 • સિરિંજ અને સોય બંનેનો ફરીથી ઉપયોગ કરવો અસુરક્ષિત છે.
 • આમ, કરવાથી નેક્રોટાઇઝિંગ ફેસિટિસ એટલે કે માંસ ખાતાં બેક્ટેરિયા વિકસી શકે છે.
 • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના રિપોર્ટ અનુસાર ભારતમાં અસુરક્ષિત ઇન્જેક્શનને કારણે દર વર્ષે હિપેટાઇટિસ-સીના લગભગ ચાર લાખ કેસ નોંધાય છે, જેમાં લગભગ 96 હજાર લોકો માર્યા જાય છે.