કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે 6થી 8ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓલ્ટરનેટિવ એકેડેમિક કેલેન્ડર બહાર પાડ્યું છે. માનવ સંસાધન વિકાસમંત્રીએ આગામી બે મહિના માટે ઉચ્ચ પ્રાથમિક સ્તરના વર્ગોનું કેલેન્ડર બહાર પાડ્યું છે. તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. આ કેલેન્ડરનો હેતુ વિદ્યાર્થી, શિક્ષકો, શાળાના આચાર્યો અને વાલીઓને કોરોના રોગચાળા દરમિયાન ઓનલાઇન ટિચિંગ માટે સશક્ત બનાવવાનો છે.
અગાઉ પણ કેલેન્ડર બહાર પડ્યું હતું
અગાઉ ચાર અઠવાડિયાં માટે ઓલ્ટરનેટિવ એકેડેમિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે, આ કેલેન્ડરમાં શિક્ષકો માટે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા ટૂલ્સના ઉપયોગ સંબંધિત માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. આના માધ્યમથી શિક્ષકો વિદ્યાર્થીઓને વધુ સારી રીતે ઓનલાઇન શિક્ષણ આપી શકશે.
આ સાથે કેલેન્ડરમાં તણાવ અને ચિંતા દૂર કરતા ઉપાયો પણ આપવામાં આવ્યા છે. સૌથી અગત્યની બાબત એ છે કે આ ઓલ્ટરનેટિવ એકેડમિક કેલેન્ડરમાં ઇ-પાઠશાળા, NROER અને દિક્ષા પોર્ટલ પર ચેપ્ટર વાઇઝ ઉપલબ્ધ સામગ્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇન્ટરનેટનો અભાવ હોવા છતાં પરીક્ષા લેવાશે
બે મહિના માટે બહાર પાડવામાં આવેલા આ કેલેન્ડરમાં આપેલ ગાઇડલાઇન્સ મુજબ, જે વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટનો અભાવ હોય તે વિદ્યાર્થીઓને શિક્ષકો મોબાઇલ પર SMS કરીને અથવા કોલ કરીને કે શિક્ષણ આપશે. અત્યારે સમગ્ર વિશ્વ કોરોના રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. જેના કારણે શાળાઓ, કોલેજો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન માધ્યમથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહ્યા છે અને તેમની સુવિધા માટે કેન્દ્રીય શિક્ષણમંત્રી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.