ભારત સરકાર Netflixની સ્ટ્રીમિંગ સર્વિસથી થતી આવક પર ટેક્સ લાદવાનું વિચારી રહી છે. ઈકોનોમિક ટાઈમ્સે ઈન્કમ ટેક્સ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે 'એસેસમેન્ટ યર 2021-22માં નેટફ્લિક્સની ભારતીય કાયમી સ્થાપના (PE)ને લગભગ 6.73 મિલિયન ડોલર એટલે કે રૂ. 55.28 કરોડની આવક થઇ છે.'
જો સરકાર Netflix પર ટેક્સ લાદશે, તો એ પહેલીવાર બનશે કે ભારતમાં ઇલેક્ટ્રોનિક કોમર્સ સર્વિસ આપતી કોઈ વિદેશી ડિજિટલ કંપની પર ટેક્સ લાગ્યો હોય. નેટફ્લિક્સે આ બાબતે કોઈ વાત કરવાનો ઇનકાર કરી દીધો છે.
સરકાર ડિજિટલ અર્થવ્યવસ્થાને કંટ્રોલ કરવા માગે છે
ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, ભારત સરકાર છેલ્લાં કેટલાક સમયથી ડિજિટલ ટેક્સ લાગુ કરવા અંગે ચર્ચા કરી રહી છે. આ ટેક્સ નેટફ્લિક્સથી શરૂ થશે, ત્યારબાદ અન્ય વિદેશી ડિજિટલ કંપનીઓના સર્વિસ ચાર્જ પર પણ ટેક્સ લાદવામાં આવી શકે છે.જેના દ્વારા સરકાર ડિજિટલ અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવા માંગે છે, જેમાં તે સુનિશ્ચિત કરવું પડશે કે વિદેશી કંપનીઓ અહીંથી થતી આવક પર ટેક્સ ચૂકવે.
નેટફ્લિક્સે ભારતમાં 2016માં સ્ટ્રીમિંગ સેવા શરૂ કરી હતી
નેટફ્લિક્સે ભારતમાં વર્ષ 2016માં તેની સ્ટ્રીમિંગ સેવા શરૂ કરી હતી, જેના હવે 6 લાખથી વધુ પેઇડ સબ્સ્ક્રાઇબર્સ છે. ત્યારબાદ કંપનીએ રૂ. 500નો બેઝિક પ્લાન, રૂ. 650નો સ્ટાન્ડર્ડ અને રૂ. 800નો પ્રીમિયમ પ્લાન રજૂ કર્યો. અત્યારે Netflix ના મોબાઈલ, બેઝિક, સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ પ્લાન ઉપલબ્ધ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.