આધારને PAN (પરમેન્ટ એકાઉન્ટ નંબર) અથવા EPFO સાથે લિંક કરવાની સુવિધામાં આવી રહેલી સમસ્યાના સમાચારોને લઈને હવે UIDAIએ સ્પષ્ટતા આપી છે. UIDAIએ જણાવ્યું કે, તેની તમામ સેવાઓ સ્થિર છે અને સારી રીતે કામ કરી રહી છે. EPFOએ આધારને EPF અકાઉન્ટ સાથે લિંક કરવા માટે 31 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.
છેલ્લા 9 દિવસમાં 51 લાખથી વધુ નોંધણી કરવામાં આવી
UIDAIના જણાવ્યા પ્રમાણે, તેની આધાર-પેન/EPFO લિંકિંગ સુવિધામાં કોઈ સમસ્યા નથી આવી રહી. આ એક પ્રમાણીકરણ આધારિત સુવિધા છે. ગયા અઠવાડિયા દરમિયાન એક જરૂરી સુરક્ષા અપગ્રેડેશન ચાલી રહ્યું હતું. જેના કારણે કેટલાક રજિસ્ટ્રેશન/અપડેટ કેન્દ્રો પર માત્ર રજિસ્ટ્રેશન અને મોબાઈલ અપડેટ સેવા સુવિધામાં સમસ્યાની સુચના મળી હતી પરંતુ હવે અપગ્રેડેશન બાદ બધું બરાબર રીતે કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે 20 ઓગસ્ટ 2021ના રોજ અપગ્રેડેશનની પ્રક્રિયાની શરૂઆત બાદથી છેલ્લા 9 દિવસમાં 51 લાખથી વધારે લોકોએ નોંધણી કરાવી છે.
31 ઓગસ્ટ સુધી EPFને આધાર સાથે લિંક કરવું જરૂરી
31 ઓગસ્ટ સુધી EPF અકાઉન્ટને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો કોઈ આવું નહીં કરે તો તેના અકાઉન્ટમાં પૈસા નહીં આવે. EPFOએ સોશિયલ સિક્યોરિટી કોડ 2020 અંતર્ગત આધાર લિંકનો નિર્ણય કર્યો હતો. તેના અંતર્ગત તમામ EPF અકાઉન્ટ હોલ્ડર્સનો યુનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) પણ આધાર વેરિફાઈડ હોવો જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.