તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • There Is An Opportunity To Invest In Sovereign Gold Bond From May 17, Here Are The Special Things Related To Sovereign Gold Bond

સોનામાં રોકાણ કરવાની તક:17 મેથી સોવરીન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની તક મળશે, અહીં જાણો સોવરીન ગોલ્ડ બોન્ડ સંબંધિત ખાસ બાબતો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો સરકાર ફરીથી તમારા માટે સોવરીન ગોલ્ડ બોન્ડ લઈને આવી છે. નાણાકીય વર્ષ 2021-22 માટે સોવરીન ગોલ્ડ બોન્ડનું પ્રથમ વેચાણ 17મેથી શરૂ થશે જે 21 મે સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા મળતી માહિતી અનુસાર, સોવરીન ગોલ્ડ બોન્ડ મેથી લઈને સપ્ટેમ્બરની વચ્ચે 6 હપ્તામાં જાહેર કરવામાં આવશે. રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરાયેલા બોન્ડની આ સ્કીમમાં બેંકો દ્વારા પણ રોકાણ કરી શકાશે. જો કે, અત્યારે તેની કિંમતની જાણકારી આપવામાં નથી આવી.

6 સિરીઝમાં સોવરીન ગોલ્ડ બોન્ડ જારી થશે

સોવરીન ગોલ્ડ બોન્ડ મેથી લઈને સપ્ટેમ્બરની વચ્ચે 6 હપ્તામાં જારી કરવામાં આવશે. અહીં જાણો આ સિરીઝ ક્યારે- ક્યારે જારી થશે.

સિરીઝસમયગાળો
પહેલી17થી 21 મે
બીજી24થી 28 મે
ત્રીજી31મેથી 4 જૂન
ચોથી12થી 16 જુલાઈ
પાંચમી9થી 13 ઓગસ્ટ
છઠ્ઠી30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર

સોવરીન ગોલ્ડ બોન્ડ શું છે?
સોવરીન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. તેને ડિમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા કે ડોલરમાં નથી, પરંતુ સોનાના વજનમાં થાય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનું હોય, તો પાંચ ગ્રામ સોના જેટલી કિંમત હશે, એટલી જ બોન્ડની કિંમત હશે. તેને ખરીદવા માટે સેબીના અધિકૃત બ્રોકરને ઇશ્યૂ પ્રાઈસ ચૂકવવી પડશે. આ બોન્ડ સરકાર દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવે છે.

RBI આ બોન્ડ જાહેર કરે છે
RBI આ બોન્ડ ભારત સરકાર વતી તેને જાહેર કરે છે. RBIના જણાવ્યા અનુસાર, બોન્ડની કિંમત 999 શુદ્ધતાવાળા સોના માટે છેલ્લા 3 વર્કિંગ ડેઝમાં સરેરાશ બંધ ભાવ (ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત) મૂલ્ય પર આધારિત છે. જે લોકો તેના માટે ઓનલાઈન અરજી કરશે અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરશે, તેમને ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

ઇશ્યૂ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવરીન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતામાં જમા થઈ જાય છે. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF પર તમને આ પ્રકારનો લાભ મળતો નથી. NSEની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, સોવરીન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો એક ફાયદો એ પણ છે કે, 8 વર્ષના મેચ્યોરિટી પિરિઅડ પછી તેનાથી થતા લાભ પર કોઈ ટેક્સ નથી લાગતો. તે ઉપરાંત દર છ મહિને ચૂકવવામાં આવતા વ્યાજ પર કોઈ TDS પણ નથી લાગતો.

કેટલું સોનું ખરીદી શકાય છે?
એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલો સુધીની વેલ્યૂનો બોન્ડ ખરીદી શકે છે. જો કે, ટ્રસ્ટ માટેની મહત્તમ ખરીદી મર્યાદા 20 કિલોગ્રામ છે. બોન્ડનો મેચ્યોરિટી પિરિઅડ 8 વર્ષનો છે. પરંતુ રોકાણકારોને 5 વર્ષ પછી બહાર નીકળવાની તક મળે છે. એટલે કે જો તમે આ બોન્ડમાંથી બહાર નીકળવા માગતા હોવ તો 5 વર્ષ પછી નીકળી શકો છો. NSEના જણાવ્યા અનુસાર, લોન લેતી વખતે કોલેટરલ તરીકે પણ સોવરીન ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય આ બોન્ડથી NSEમાં ટ્રેડ પણ કરી શકાય છે.

શુદ્ધતા અને સલામતીની કોઈ ચિંતા નહીં
સોવરીન ગોલ્ડ બોન્ડમાં શુદ્ધતાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના જણાવ્યાનુસાર, ગોલ્ડ બોન્ડની કિંમત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિઅશન દ્વારા પ્રકાશિત 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત સાથે લિંક હોય છે. આ સાથે જ તેને ડિમેટ રૂપમાં રાખવામાં આવી શકે છે, જે એકદમ સુરક્ષિત છે અને તેની પર કોઈ ખર્ચ પણ નથી થતો.

તેને સરળતાથી ખરીદી શકાય છે
ગોલ્ડ ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડિમેટ અકાઉન્ટ ખોલાવું પડશે. તેમાં NSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો અને તેના જેટલી રકમ તમારા ડિમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા બેંક અકાઉન્ટમાંથી કટ કરવામાં આવશે.

મંત્રાલયના અનુસાર, આ બોન્ડ તમામ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL),પસંદગીના ડાકઘરો અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE) દ્વારા વેચવામાં આવશે.