વર્લ્ડ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ડે:જેટલું ઝડપથી રોકાણ શરૂ કરશો ભવિષ્ય એટલું વધુ સુરક્ષિત રહેશે, ખરાબ સમય આવ્યો તો પૈસાની ચિંતા પણ નહીં રહે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકોને ફાઇનાન્શિયલ પ્લાનિંગ અંગે જાગૃત કરવા માટે દર વર્ષે ઓક્ટોબરના પ્રથમ બુધવારે વર્લ્ડ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ડેની ઉજવણી કરવામાં આવે છે. કોરોના સમયગાળાએ લોકોને યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું મહત્ત્વ સમજાવ્યું છે. આ પ્રકારની સમસ્યાનો સરળતાથી સામનો કરવા માટે અગાઉથી પ્લાનિંગ કરવું આવશ્યક છે. આજે વર્લ્ડ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ડે નિમિત્તે અહીં તમને ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવામાં આવી છે.

રોકાણ કરવું જરૂરી
તમારે તમારી પહેલી નોકરી શરૂ કરવાની સાથે જ રોકાણ વિશે વિચારવું જોઈએ. ખર્ચ કર્યા પછી તમારા હાથમાં જે પૈસા બચ્યા છે તેની ગણતરી કરીને યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જોઈએ. આ સમયે શરૂ થયેલું રોકાણ તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે. તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્યમાં રિકરિંગ ડિપોઝિટ (RD)માં રોકાણ કરીને સરળતાથી એક મોટું ફંડ ભેગું કરી શકાય છે.
જો કે, એક્સપર્ટ્સનું માનવું છે કે, જો તમે નાની ઉંમરે રોકાણ કરતા હો તો તમારે ઇક્વિટી લિંક્ડ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. જેથી, તમે તમારા રોકાણ પર વધુ સારું રિટર્ન મેળવી શકો. તમે આ માટે ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ પણ લઈ શકો છો.

ઇમર્જન્સી ફંડ બનાવવું જરૂરી
રિટાયર્મેન્ટ માટે પૈસા ભેગા કરવા ઉપરાંત નોકરી જવા જેવી ઇમર્જન્સી પરિસ્થિતિ આવે તો તેના માટે પણ તૈયાર રહેવું જોઇએ. આ ઇમર્જન્સી ફંડ ઓછામાં ઓછા તમારી 5થી 6 મહિનાના પગાર જેટલું હોવું જોઇએ. તેનાથી તમને કોરોનાકાળ જેવા ખરાબ સમય સામે લડવામાં મદદ મળી રહેશે.

હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો જોઇએ
કોરોનાએ લોકોને હેલ્થ ઇન્શ્યોરન્સનું મહત્ત્વ સમજાવ્યું છે. તે તમારા ખરાબ સમયમાં કામમાં આવે છે અને બીમારી આવે તો સારવારમાં થતા ખર્ચમાં કામ આવે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ તમને યોગ્ય સારવાર કરાવવામાં મદદ કરશે. જો તમે નાની ઉંમરે હેલ્થ ઇન્શ્યોરન્સ લેશો તો તમારે તેના માટે ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે.

ખર્ચ ઓછો અને બચત વધુ
શક્ય એટલાં નાણાં બચાવવાનો પ્રયાસ કરો કારણ કે, ખરાબ સમયમાં આ પૈસા જ હાથમાં આવશે. તમારે માત્ર જરૂરી કામમાં જ પૈસા ખર્ચવા જોઈએ. કોઈપણ પ્રકારની નાણાકીય સમસ્યાનો સામનો કરવા માટે નાણાકીય શિસ્ત હોવી ખૂબ જરૂરી છે.

નાણાકીય શિસ્ત માટે તમારે તમારા માસિક ખર્ચનું બજેટ તૈયાર કરવું જોઈએ અને મહિનાના અંતે થયેલા ખર્ચ સાથે બજેટની સરખામણી કરવી જોઈએ. આ સરખામણીથી તમને ખ્યાલ આવશે કે તમે આ મહિનામાં કેટલો ખર્ચ કર્યો છે.

શક્ય એટલી ઝડપથી લોન પે ઓફ કરી દો
જો તમે તમારા અભ્યાસ અથવા અન્ય કોઇ કામ માટે કોઇ લોન કે લોન લીધી હોય તો ઝડપથી ચૂકવી દો કારણ કે, તમારે તેના પર વ્યાજ આપવું પડશે. આવક શરૂ થતાં જ તમારે લોન પૂરી કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

જરૂર પડે તો ઓછું રિટર્ન આપનારા રોકાણમાંથી પૈસા ઉપાડો
જો તમને પૈસાની જરૂર પડે તો તમારે એવાં રોકાણમાંથી નાણાં ઉપાડવા જોઈએ જ્યાંથી તમને ઓછું રિટર્ન મળી રહ્યું છે. જે રોકાણમાં રિટર્ન વધુ મળી રહ્યું હોય તેમાંથી પૈસા ન ઉપાડવા જોઇએ.

રિટાયર્મેન્ટ માટે રોકાણ શરૂ કરી દો
જ્યારે તમને તમારો પહેલો પગાર મળે ત્યારથી જ તમારે રિટાયર્મેન્ટનું પ્લાનિંગ શરૂ કરી દેવું જોઇએ. લાંબા ગાળાની બચતમાં કમ્પાઉન્ડિંગની શક્તિ હોય છે. નિશ્ચિત રકમ ભેગી કરવા માટે જેટલી મોડી બચત શરૂ કરશો એટલી વધારે રકમનું રોકાણ કરવું પડશે.

ધારો કે, કોઈ 25 વર્ષની વ્યક્તિ 60 વર્ષની ઉંમર સુધીમાં 1 કરોડ રૂપિયા બનાવવાનું વિચારી રહી છે. દાખલા તરીકે, રોકાણ પર 12% વાર્ષિક રિટર્ન મળી રહ્યું હોય તો તેણે દર મહિને લગભગ 2 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે 45 વર્ષની ઉંમરથી રોકાણ શરૂ કરનાર વ્યક્તિએ દર મહિને 12 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.