• Home
  • Utility
  • The members of the redevelopment society will again have to pay 6% stamp duty

ડ્યૂટી / રિડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોએ ફરી 6 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ભરવાનો વારો આવશે

The members of the redevelopment society will again have to pay 6% stamp duty

Divyabhaskar.com

Jun 10, 2019, 12:47 PM IST

યુટિલિટી ડેસ્કઃ રિડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોને ફરીથી સ્ટેમ્પ ડયૂટી ચૂકવવાનો વારો આવે તેમ છે. જો રાજય સરકાર ગુજરાત સ્ટેમ્પ એકટ-1958 અને તેના નિયમોમાં રિ-ડેવલપમેન્ટ એકટ અંતર્ગત ફેરફાર ન કરે તો આ સ્થિતિ સર્જાશે. જેથી આ એકટમાં ફેરફાર કરવા ગાહેડે લેખિતમાં રાજય સરકારને રજૂઆત કરી છે. ગાહેડની માંગણી છે કે, રિડેવલપમેન્ટમાં ગયેલી દરેક સોસાયટીના ફલેટના દસ્તાવેજ પર નવેસરથી સ્ટેમ્પ ડયૂટી લેવામાં આવે નહીં. નવી સ્ટેમ્પ ડ્યુટીને બદલે માત્ર રૂ.100માં ફલેટની નોંધણી કરવામાં આવે. હાલમાં કોઈ પણ નવા દસ્તાવેજ ઉપર 6 ટકા લેખે સ્ટેમ્પ ડયૂટી વસૂલ કરવામાં આવે છે.


સભ્યોએ એક વખત સ્ટેમ્પ ડ્યૂટી ભરી હોવાથી માત્ર રૂપિયા 100ના સ્ટેમ્પ પર નોંધણી કરવા માગ
જે સોસાયટીના 75 ટકા સભ્યોની સંમતિ હોય તે સોસાયટી રિ-ડેવલપમેન્ટમાં જઈ શકે છે. આ કાયદાને મંજૂરી મળ્યા બાદ હવે રાજય સરકાર તેના અમલ માટેના નિયમો તૈયાર કરી રહી છે. તેમાં ઘણી બધી વિસંગતિ પણ સર્જાઈ શકે તેમ છે. આ મુદ્દે તાજેતરમાં મળેલી સરકારની બેઠકમાં ચર્ચા પણ થઈ હતી. જેમ કે, એક જ ફલેટમાં 75 ટકા સભ્યોની સંમતિ હોય પણ જો 25 ટકા સભ્યો અસહમત હોય તો તેમને ત્યાંથી ખસેડવા કેવી રીતે અનેે તેની ઓથોરિટિ કોની પાસે ? જો કે, આ મુદ્દે સ્થાનિક કોર્પોરેશન કે અૌડાને સત્તા સોંપવા અંગે વિચારણા ચાલી રહી છે.


સ્ટેમ્પ ડયૂટી પણ હયાત ફલેટધારક પાસેથી ના વસૂલવી જોઈએ અને જે ડેવલપમેન્ટ એગ્રિમેન્ટ થાય છે તેમાં પણ 3.5 ટકા સ્ટેમ્પ ડયૂટી લેવામાં આવે છે જેના બદલે એક ટકાથી વધુ ના હોવી જોઈએ તેવી પણ રજૂઆત બિલ્ડરો તરફથી સરકારને કરવામાં આવી છે.


ગાહેડના પ્રમુખ આશિષ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, રિડેવલપમેન્ટ પ્રક્રિયાનો ઝડપથી અમલ થાય તે જરૂરી છે. નિયમો ઝડપથી નક્કી થઈ જાય પછી કોઈ વિવાદ ઊભો થાય નહીં અને પારદર્શક પ્રક્રિયા બની રહે તે માટે સ્ટેમ્પ એકટ અને સોસાયટી એકટમાં સુધારા-વધારા કરવા અમે સરકારને રજૂઆત કરી ચૂક્યા છીએ.


નવો ફલેટ ખરીદનારને સભ્ય ગણવા સૂચન
ગાહેડે ગુજરાત કો-ઓપરેટીવ સોસાયટી એકટમાં પણ ફેરફારની માંગ કરી છે. કેમ કે, રિડેવલપમેન્ટમાં જતી સોસાયટીમાં હાલમાં રહેતા સભ્યો જ નોંધાયેલા હોય. જેથી સભ્યસંખ્યા અને તેનું શેરભંડોળ પણ મર્યાદિત હોય. પણ જયારે રિડેવલપ કરવામાં આવે ત્યારે જે પ્લાન પાસ થાય તે સોસાયટી રજિસ્ટ્રાર સમક્ષ પણ સબમિટ કરવામાં આવે એટલે રજિસ્ટ્રાર સભ્ય સંખ્યા અને શેરભંડોળ આપોઆપ વધારી આપે તેવી જોગવાઈ કરવી જોઈએ. સાથોસાથ ડ્રો સિસ્ટમથી ફલેટ ફાળવવાની પણ જોગવાઈ કરવી જોઈએ જેથી કોઈ વિવાદ થાય નહીં. વધારાના ફલેટ ખરીદનારાને સોસાયટીમાં સભ્ય તરીકે દાખલ કરવામાં આવે.

X
The members of the redevelopment society will again have to pay 6% stamp duty
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી