• Gujarati News
  • Utility
  • Take The Best Short Term Courses In The Coronation Age, All The Information From Options To Choice

ઓછા ટાઇમમાં વધુ નૉલેજ:કોરોનાકાળમાં કરિયરની ધાર કાઢતા બેસ્ટ શોર્ટ ટર્મ કોર્સિસ કરો, વિકલ્પોથી લઇને પસંદગીની રીત સુધીની તમામ માહિતી

2 વર્ષ પહેલાલેખક: ઈશિતા શાહ
  • કૉપી લિંક
  • કોવિડ-19 મહામારીને લીધે ડિજિટલાઈઝેશન સાથે બાયો ટેક્નોલોજીની ડિમાન્ડ વધી
  • ટેક્નિકલ શોર્ટ ટર્મ કોર્સિસમાં વેબ ડેવલપમેન્ટ, એપ ડેવલપમેન્ટ, સોફ્ટવેર જેવા પ્રોગ્રામિંગ કોર્સિસ અને R એન્ડ પાયથન પ્રોગ્રામિંગ જેવા ડેટા એનાલિટિક્સ કોર્સિસ કરી શકાય છે
  • ઈવેન્ટ મેનેજમેન્ટ, ઈમેજ અને ટેલિકમ્યૂનિકેશન મેનેજમેન્ટ કોર્સ જેવા યુનિક કોર્સની પસંદગી કરી શકાય છે
  • ઑનલાઇન પ્લેટફોર્મ પર ફ્રી કોર્સ પહેલાં એક્સપ્લોર કરો, પછી પેઇડ કોર્સમાં જાઓ

કોરોનાકાળમાં સ્કૂલમાં અભ્યાસથી લઈને વર્ક કલ્ચર સુધીનું બધું જ બદલાઈ ગયું છે. હવે તમામ ક્ષેત્રે નવી જરૂરિયાતો અને તકો ઊભી થઈ છે. કોરોનાકાળે ભલે તેના લેવલની તારાજી સર્જી હોય, પરંતુ આ આફતને અનેક લોકોએ અવસરમાં બદલીને સક્સેસ મેળવી રહ્યા છે. હાલ નાનાં ભૂલકાંઓથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. દરેક ક્ષેત્રે ડિજિટલાઈઝેશન વધ્યું છે, તો સામે માર્કેટમાં પણ નવી માગો ઊભી થઈ છે. બદલાતી પરિસ્થિતિને અનુરૂપ કોરોનકાળને ધ્યાનમાં રાખી લોકો વિવિધ પ્રકારના ઓનલાઈન શોર્ટ ટર્મ કોર્સિસ તરફ પ્રયાણ કરી રહ્યા છે. હવે તો નાનાં બાળકો પણ કોડિંગ શીખી રહ્યા છે. બદલાતા આ ટ્રેન્ડમાં ડિજિટલાઈઝેશનને ધ્યાનમાં રાખી કેવા પ્રકારના કોર્સિસ અવેલેબલ છે અને કેવા કોર્સિસ કરવાથી લોન્ગ ટર્મ ફાયદો થાય છે તે જાણવા માટે divyabhaskarએ કરિયર કાઉન્સેલર્સ સાથે વાતચીત કરી. આવો એક્સપર્ટ્સ પાસેથી જ જાણીએ કે કેવા પ્રકારના શોર્ટ ટર્મ કોર્સિસ કરવાથી તમે ફાયદામાં રહેશો.

અમદાવાદ સ્થિત CareerNakshaના ફાઉન્ડર અને ડાયરેક્ટર નિમિષ ગોપાલ કોરોનાકાળને ધ્યાનમાં રાખી કેવા કોર્સિસ કરી શકાય તેની સલાહ આપતાં જણાવે છે કે, સામાન્ય રીતે 3 પ્રકારના કોર્સિસ અવેલેબલ હોય છેઃ ટેક્નિકલ, નોન ટેક્નિકલ અને બેઝિક.

જે વિદ્યાર્થીઓ હાલ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે અથવા તે જેમણે તાજેતરમાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ માટે ટેક્નિકલ પ્રકારના શોર્ટ ટર્મ કોર્સિસ હિતાવહ રહેશે. નિમિષભાઈ કહે છે કે, હાલ ડિજિટલાઈઝેશન વધ્યું છે તેથી સોફ્ટ સ્કિલ્સ સાથે ટેક્નિકલ કોર્સિસની ડિમાન્ડ વધુ છે. ટેક્નિકલ શોર્ટ ટર્મ કોર્સિસમાં વેબ ડેવલપમેન્ટ, એપ ડેવલપમેન્ટ, સોફ્ટવેર જેવા પ્રોગ્રામિંગ કોર્સિસ અને R એન્ડ પાયથન પ્રોગ્રામિંગ જેવા ડેટા એનાલિટિક્સ કોર્સિસ કરી શકાય છે. IOT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) જેવાં મશીન લર્નિંગના કોર્સિસ કરી શકાય છે. ઉદાહરણ આપતાં કાઉન્સિલર કહે છે કે, ધારો કે, તમે ટીવીમાં એમેઝોન પ્રાઈમ જુઓ છો તો તમે હવે જ્યારે ટીવી ઓન કરશો પહેલાં પ્રાઈમ ઓન થશે, તેના માટે ટીવી AI નો ઉપયોગ કરે છે. IOTથી હવે સ્માર્ટફોન દ્વારા હોમ અપ્લાયન્સ પણ કન્ટ્રોલ કરી શકાય છે.

હવે જો વાત નોન ટેક્નિકલ સ્કિલ્સની કરવામાં આવે, તો આ સમયમાં બેઝિક કમ્યુનિકેશન સ્કિલ્સ સાથે, કન્ટેન્ટ રાઈટિંગ, ક્રિટિકલ થિન્કિંગ એન્ડ લોજિકલ રિઝનિંગ જેવા કોર્સિસ શીખવાની જરૂરિયાત છે. ક્રિટિકલ થિન્કિંગ એન્ડ લોજિકલ રિઝનિંગ એટલે કે કોઈ સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધવો. આ સાથે MS OFFICE, MS EXEL, PPT સહિતના અધર પ્રોફેશનલ કોર્સિસ પણ કરી શકાય છે.

બેઝિક સ્કિલ્સ પણ જરૂરી
ગ્રેજ્યુએશન પછી જે વિદ્યાર્થીઓ નોકરી કરવા માગે છે તે લોકોમાં ટેક્નિકલ સ્કિલ્સ સાથે કોલાબરેશન, ટીમ, લીડરશિપ વગેરે જેવી સ્કિલ્સ હોવી જોઈએ. આન્ત્રપ્રેન્યોરશિપનો કોર્સ પણ હવે વધુ પોપ્યુલર થયો છે. સ્ટાર્ટ અપ અને માઈક્રો બ્રાન્ડ્સ બિલ્ડ અપ કરવા માટે તે ઘણા કામનો છે. હવે ટ્રેડિશનલ બિઝનેસનું ચલણ ઘટવા લાગ્યું છે તેથી નવા બિઝનેસ આઈડિયા વિચારવા માટે આ કોર્સ કામ લાગે તેવા છે.

કરિયર માટે પ્રો અને મલ્ટિટાસ્કિંગ બેસ્ટ
અમદાવાદના કરિયર કાઉન્સેલર રાજેન્દ્ર ઉપાધ્યાય જણાવે છે કે, કરિયર ક્ષેત્રે મેનેજમેન્ટ અને અકાઉન્ટ એવરગ્રીન છે. હવે તેમાં મર્જર શીખવાની જરૂર છે. ઈવેન્ટ મેનેજમેન્ટ, ઈમેજ અને ટેલિકમ્યુનિકેશન મેનેજમેન્ટ કોર્સ, ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સથી લઇને ફ્યુનરલ મેનેજમેન્ટ સુદ્ધાં શીખી શકાય છે. હાલ ટેક સેવી બન્યા વિના છૂટકો નથી. GSTના નવા રુલ્સ, કેસ સ્ટડી, AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ), OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ્સ, ડેટા સાયન્સ, એક્ચ્યુરિયલ સાયન્સના કોર્સ સહિત અનેક કોર્સિસ અને અભ્યાસ કરી શકાય છે. જે વિદ્યાર્થીઓ હાલ 9 અથવા 10માં ધોરણમા ભણે છે તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે CAT અને GUJCATના કોર્સની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ.

કોલેજના વિદ્યાર્થીઓ અને 12મા ધોરણ બાદ GPSC, UPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકાય છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે હાલ સમયનો સદુપયોગ કરી જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ પાક્કું કરી શકાય છે. હવે કારકિર્દીમાં હોબી બેઝ્ડ જેમકે ફોટોગ્રાફી અને તેમાં પણ માત્ર સેલ્ફી માટેના પણ કોર્સિસ અવેલેબલ હોય છે.

11 અને 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કોર્સિસ
હાલ કોરોનાવાઈરસે જાણે આખી દુનિયા બદલી નાખી છે. લોકો મોડર્ન સાયન્સ એન્ડ ટેક્નોલોજી પર આશાઓ રાખીને બેઠા છે. તેવામાં હાલના સમયને જોતાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ માટેની સલાહ આપતાં રાજેન્દ્રભાઈ કહે છે કે ધોરણ 12 સાયન્સ પછી B ગ્રૂપના વિદ્યાર્થીઓ વાયરોલોજી અને A ગ્રૂપના વિદ્યાર્થીઓ જિનેટિક એન્જિનિયરિંગની પસંદગી કરી શકે છે. હાલ અનેક શોર્ટ ટર્મ કોર્સ પણ ચાલી રહ્યા છે. તમારા ફિલ્ડ પ્રમાણે ઓનલાઈન ક્લાસ જોઈન કરી વધારે પ્રોડક્ટિવ અને મલ્ટિપલ સ્કિલ્સ મેળવી શકાય છે. હવે તો હાર્વર્ડ યુનિવર્સિટીના મસમોટી ફી ઉઘરાવતા કોર્સિસ પણ ઓનલાઈન ફ્રીમાં અવેલેબલ છે. તેનો ચોક્કસથી લાભ લેવો જોઈએ. કોમર્સ માટે અકાઉન્ટ અને મેનેજમેન્ટ તેમજ અકાઉન્ટમાં પર્ટિક્યુલર હવે ફિનટેક અને લોનના પ્રોજેક્ટની બોલબાલા છે.

કોવિડ-19 મહામારીને લીધે ડિજિટલાઈઝેશન સાથે બાયો ટેક્નોલોજીની ડિમાન્ડ વધી છે. નિમિષભાઈ સાયન્સ ફિલ્ડના વિદ્યાર્થીઓને બાયોટેક ફિલ્ડ અને ડેટા એનાલિટિક્સ, કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓએ તેમના રેગ્યુલર CA કોર્સ સિવાય ડિજિટલ માર્કેટિંગ, ટેલી, MS જેવા કોર્સ, તો આર્ટ્સના વિદ્યાર્થીઓએ નવી મલ્ટિપલ લેન્ગ્વેજ, ડિઝાઈનિંગ માટે AUTOCAD અને ADOBE જેવા સોફ્ટવેર, UI ડિઝાઈનરના કોર્સિસ કરવાની સલાહ આપે છે.

સાયકોમેટ્રિક એનાલિસિસ કરી કોર્સની પસંદગી કરો
હવે આ તો વાત થઈ માર્કેટને ધ્યાનમાં રાખીને અવેલેબલ કોર્સિસની, પણ તમારે કેવા પ્રકારનો કોર્સ કરવો જોઈએ એ નિર્ણય તમે કેવી રીતે લેશો? તેના માટે નિમિષભાઈ વિદ્યાર્થીઓને પોતાની જાતને એક્સપ્લોર કરવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે, તમારી ક્ષમતા અને રુચિ ધરાવતા ક્ષેત્ર અનુસાર તમે કોર્સિસની પસંદગી કરી શકો છો. તેના માટે તમે સાયકોમેટ્રિક એનાલિસિસની મદદ લઈ શકો છો. તેમાં પર્સનાલિટી, એપ્ટિટ્યુડ, ઈન્ટરેસ્ટ, સ્કિલ્સ અને નોલેજ આ 5 ડાયમેન્શન છે. આ તમામ ડાયમેન્શનનો ઉપયોગ કરી તમે નોકરી કે સ્ટાર્ટ અપ વિશે વિચારી શકો છો. અત્યારની રેટ રેસમાં વિદ્યાર્થીઓ એ નિર્ણય નથી લઈ શકતા કે કયું ફિલ્ડ તેમના માટે સારું રહેશે. કયા ફિલ્ડમાં ફ્યુચર બેસ્ટ છે. આ માટે આ એનાલિસિસ કરી પોતાની પર્સનાલિટી એક્સપ્લોર કરી પર્ફેક્ટ ફિટ કોર્સની પસંદગી કરી શકો છો. જો કોઈ વિદ્યાર્થી નંબર્સમાં હોશિયાર હોય તો તે ડેટા એનાલિટિક્સ કોર્સ કરી શકે છે જો કોઈની કમ્યુનિકેશન સ્કિલ્સ ફર્સ્ટ ક્લાસ હોય તો તે લીડરશિપ કોર્સ કરી શકે છે. જો સોફ્ટવેરમાં રસ હોય તો પ્રોગ્રામિંગ, AI, મશીન લર્નિંગ જેવા કોર્સ કરી શકાય છે.

આ સાઇકોમેટ્રિક ટેસ્ટ વિદ્યાર્થીઓ પોતાની મેળે જ ઑનલાઇન કરી શકે છે. આ માટે www.careernaksha.com, www.123test.com, www.16personalities.com, www.myersbriggs.org વગેરે વેબસાઇટ્સની મુલાકાત લઈ શકો છો.

પહેલાં ફ્રી કોર્સ એક્સ્પ્લોર કરો
અત્યારનાં પોપ્યુલર ઑનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ્સ જેવાં કે coursera, greatlearning, edx વગેરે પર 80થી 90% કોર્સ ફ્રીમાં ઉપલબ્ધ હોય છે. પહેલાં આ ફ્રી કોર્સિસ પૂરા કરીને જો જરૂર હોય તો સ્કિલ્સ પ્રમાણે પેમેન્ટ કરી અન્ય કોર્સ કરવાની સલાહ નિમિષભાઈ આપે છે. આ તમામ પ્લેટફોર્મ પર 500થી લઈને 5 લાખ રૂપિયાના વિવિધ કોર્સિસ અવેલેબલ હોય છે. જે લોકોનો હેતુ અર્લી અર્ન અર્થાત વહેલી તકે કમાણી કરવાનો હોય તેઓ ડિજિટલ માર્કેટિંગ, કન્ટેન્ટ રાઈટિંગ એન્ડ ડેવલપમેન્ટ અને સેલિંગ ટેક્નિકના કોર્સિસ કરી શકે છે.