40 રૂપિયાના ઈન્જેક્શનથી કેન્સરની સારવાર થશે:સ્ટેજ-2ના દર્દીઓને પણ ફાયદો થશે, દર વર્ષે એક લાખ મહિલાઓનો જીવ બચી જશે

14 દિવસ પહેલા

મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલ દ્વારા બ્રેસ્ટ કેન્સર પર કરવામાં આવેલું એક રિસર્ચ સફળ રહ્યું છે. જે મુજબ હવે માત્ર 40 થી 60 રૂપિયાના ઇન્જેક્શનથી તેના દર્દીઓનો જીવ બચાવી શકાય છે. 12 સપ્ટેમ્બરે પેરિસમાં યોજાયેલી કેન્સર કોન્ફરન્સમાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. આ ઇન્જેક્શન કેવી રીતે કામ કરશે? ક્યારે અને ક્યાંથી લાવવું? આ તમામ પ્રશ્નોના જવાબ ટાટા મેમોરિયલ હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજીના પ્રોફેસર અને બ્રેસ્ટ કેન્સર રિસર્ચમાં સહયોગી ડૉ.સુદીપ ગુપ્તા આપશે.

પ્રશ્ન: બ્રેસ્ટ કેન્સર શું છે અને તે કેવી રીતે થાય છે?
જવાબ: બ્રેસ્ટ(સ્તન) એ સ્ત્રીના શરીરનો મુખ્ય ભાગ છે. બ્રેસ્ટનું કામ તેના ટિશ્યુ(પેશીઓ)માંથી દૂધ બનાવવાનું છે. આ ટિશ્યુ માઇક્રોસ્કોપિક વાહિનીઓની મદદથી નિપલ્સ સાથે જોડાયેલી હોય છે. જ્યારે બ્રેસ્ટની નસોમાં નાના અને કઠણ કણો એકઠા થવા લાગે છે અથવા બ્રેસ્ટના ટિશ્યુમાં નાનકડી ગાંઠ બનવા લાગે છે તો તેને 'બ્રેસ્ટ કેન્સર' કહેવામાં આવે છે.

પ્રશ્ન: ટાટા મેમોરિયલ હોસ્પિટલ જે ઇન્જેક્શનની વાત કરી રહી છે તેની કિંમત શું છે?
જવાબ:
આ ઈન્જેક્શનની કિંમત 40થી 60 રૂપિયા છે.

ધ્યાન રાખો: કેન્સરની સારવારમાં ફક્ત આ ઈન્જેક્શનનો જ ઉપયોગ થશે એવું નથી. તેની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી બીજી મોંઘી દવાઓ અથવા ઇન્જેક્શન સાથે આ ઈન્જેક્શન પણ લગાવવામાં આવશે. આ સિવાય એ વાત પણ જાણવા જેવી છે કે, બ્રેસ્ટ કેન્સરના માત્ર 5-10 ટકા દર્દીઓને જ આ મોંઘા ઇન્જેક્શન લગાવવામાં આવે છે. 90-95 ટકા દર્દીઓને લાખો રૂપિયાના ઇન્જેક્શન કે દવાઓની જરૂર પડતી નથી.

પ્રશ્ન: આમાં કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
જવાબ:
અમે આ માટે Lidocaine લોકલ એનેસ્થેસિયાનો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે, એનેસ્થેસિયા કેન્સર વિરોધી અસરો પણ ધરાવે છે તેવું રિસર્ચમાં જાણવા મળ્યું છે. એનેસ્થેસિયાનો ઉપયોગ સામાન્ય રીતે શરીરના તે ભાગને ખોટો કરવા માટે કરવામાં આવે છે, જ્યાં ઓપરેશન અથવા સર્જરી કરવાનું હોય છે. તે સરળતાથી કોઈપણ જગ્યાએ મળી જાય છે.

પ્રશ્ન: શું આ ઇન્જેક્શનની મદદથી દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે છે?
જવાબ:
રિસર્ચ દરમિયાન 800 દર્દીઓને આ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું અને 800 દર્દીઓને નહોતું આપવામાં આવ્યું. આ પછી તે લોકોનું સતત નિરિક્ષણ કરવામાં આવ્યું અને જોવા મળ્યું કે, જે 800 લોકોને આ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, તેમાં રિકવરી રેટમાં 5 ટકાનો વધારો થયો છે. રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું કે, આ ઈન્જેક્શનની મદદથી અમુક મહિલાઓનું બ્રેસ્ટ કેન્સર એકદમ ઠીક થઈ ગયું.

પ્રશ્ન: બ્રેસ્ટ કેન્સરના ક્યા સ્ટેજમાં આ ઈન્જેક્શન દર્દી માટે ફાયદાકારક સાબિત થશે?
જવાબ:
સામાન્ય રીતે દર્દીને કેન્સરના સ્ટેજ-1 અને સ્ટેજ-2માં ફાયદો પહોંચાડી શકે છે. કેન્સરના લાસ્ટ સ્ટેજમાં આ ઈન્જેક્શનથી કોઈ જ ફાયદો થશે નહી.

પ્રશ્ન: બ્રેસ્ટ કેન્સરની સ્ટેજ-1 અને સ્ટેજ-2ની સ્થિતિ વિશે થોડી વધુ માહિતી મેળવીએ?
જવાબ:
સ્ટેજ-1 અને સ્ટેજ-2ની સ્થિતિમાં

 • ટ્યૂમર 5 સેમી કે તેનાથી પણ નાનું હોય છે
 • ટ્યૂમર બ્રેસ્ટ સુધી જ સીમીત હોય છે
 • આર્મપીટ એટલે કે પડખાના ભાગમાં નાનકડી એવી ગાંઠ હોય છે. અમુક કિસ્સામાં નથી પણ હોતી.

પ્રશ્ન: બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે આ ઇન્જેક્શન કેવી રીતે કામ કરશે?
જવાબ: ઈન્જેક્શનના એક ડોઝથી બ્રેસ્ટ કેન્સરના કોષો સ્થિર થઈ જશે અને તે શરીરના બાકીના ભાગમાં ફેલાશે પણ નહીં. જો સામાન્ય ભાષામાં કહીએ તો કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાશે નહીં અને દર્દીને જલદીથી ઠીક કરી શકાશે, પરંતુ ઇન્જેક્શન લીધા બાદ પણ દર્દીએ ડોક્ટરના સંપર્કમાં રહેવું પડશે.

દર વર્ષે એક લાખ લોકોનો જીવ બચાવી શકાય છે
Lidocaine ઇન્જેક્શનની મદદથી દર વર્ષે વિશ્વભરમાં કમ સે કમ એક લાખ દર્દીઓને બચાવી શકાય છે. મોટાભાગે સર્જરી પછી 81 ટકા બ્રેસ્ટ કેન્સરનો ઈલાજ થઈ જાય છે, પરંતુ આ ઇન્જેક્શનનો ઉપયોગ કર્યા બાદ આ આંકડો વધીને 86 ટકા થઇ ગયો છે.

11 વર્ષ સુધી ટાટા મેમોરિયલ હોસ્પિટલે બ્રેસ્ટ કેન્સરનો અભ્યાસ કર્યો, કેટલીક વધુ મહત્વની વાત...

 • આ અભ્યાસનું નામ છે- 'ટુમોરલ ઈન્ફ્લિટ્રેશન ઓફ લોકલ એનેસ્થેટિક પ્રાયર ટૂ સર્જરી ઓન સર્વાઈવલ ઈન અર્લી બ્રેસ્ટ કેન્સર'
 • આ આખા અભ્યાસમાં દેશના 11 કેન્સર સેન્ટર સામેલ હતા, જેમાં 11 વર્ષનો સમય લાગ્યો હતો.
 • આ અભ્યાસ માટે 30થી 70 વર્ષની 1600 મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી.
 • 800 મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો ઈલાજ માત્ર ઓપરેશન કરીને કરવામાં આવ્યો હતો.
 • બાકીની 800 મહિલાઓની ઇન્જેક્શન સાથે સર્જરી કરીને સારવાર આપવામાં આવી હતી.
 • બંને ગૃપની મહિલાઓનું નિયમિત ફોલો-અપ થતું હતું.
 • તેમનો પ્રોટોકોલ કેમો, રેડિયેશન વગેરે કરવામાં આવ્યા હતા.
 • ફોલો-અપના છઠ્ઠા વર્ષમાં ઇન્જેક્શનનો ઉપયોગ કરતા દર્દીઓના જીવ બચાવવામાં 30 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.