• Gujarati News
  • Utility
  • Solved 3 Rubik's Cubes By Juggling In The Air, Setting Guinness World Record In Just 4 Minutes

જગલિંગ એન્ડ સ્પીડ-ક્યુબિંગ વર્લ્ડ રેકોર્ડ:હવામાં જગલિંગ કરીને 3 રૂબિક્સ ક્યુબ્સ સોલ્વ કર્યા, માત્ર 4 મિનિટમાં જ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

એક મહિનો પહેલા

રુબિક્સ ક્યુબ એ મગજને કસવાની ખૂબ જ અનોખી રમત છે. તમારા લોજીકને મજબૂત બનાવવા ઇચ્છતાં હોવ તો તમે આ રમત રમી શકો છો, પરંતુ આ રમત રમવી જેટલી દેખાય એટલી સરળ નથી. જો તમારું મનોબળ મજબૂત ના હોય તો આ રમત તમને સરળતાથી નિરાશામાં ગરકાવ કરી શકે છે. એકવાર તમે રુબિકસ ક્યુબ્સને અસ્તવ્યસ્ત કરો તે પછી ફરી તેને મૂળ અવસ્થામાં લાંબો સમય લાગી શકે છે અને સંભવતઃ તમે તેને ફરી પાછું મૂળ સ્વરૂપમાં લાવી ના પણ શકો. જોકે, એકવાર તમે તેને ઉકેલવા માટે કેટલાંક એલ્ગોરિધમ્સ જાણી લો છો તો આ રમત સરળ બની શકે છે.

વિશ્વના સૌથી મુશ્કેલ કોયડાં સ્વરૂપ ઓળખાતી આ રમત અમુક લોકો માટે એક મિનિટની રમત છે. તાજેતરમાં જ કોલંબિયાના 19 વર્ષીય એન્જલ અલ્વારાડોએ ફક્ત 4 મિનિટ અને 31 સેકન્ડમાં એક નહીં, બે નહીં પરંતુ ત્રણ રૂબિક્સ ક્યુબ્સને હવામાં ઉછાળીને સોલ્વ કર્યા હતા. તેણે પોતાના આ અનોખા ખેલથી 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' માં પોતાનું નામ સામેલ કરી લીધું છે. તે પહેલાં પણ આ રેકોર્ડ તેમના નામે હતો. એન્જલે મે, 2021માં 4 મિનિટ 52.43 સેકન્ડમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સાથેની વાતચીતમાં એન્જલે જણાવ્યું કે, હવામાં રૂબિક્સ ક્યુબને સોલ્વ કરવા માટે તેણે 5 મહિના સુધી પ્રેક્ટિસ કરી હતી. આ સાથે જ તેને હવામાં રહેલા ત્રણ રૂબિક્સ ક્યુબ્સને સોલ્વ કરવામાં અંદાજે 4 મહિના જેટલો સમય લાગ્યો હતો. એન્જલે કોરોના લોકડાઉનના સમયગાળાનો સંપૂર્ણપણે ફાયદો ઉઠાવ્યો હતો અને રૂબિક્સ ક્યુબ્સને સોલ્વ કરવા માટે આ સ્પીડ મેળવવામાં તેણે બે વર્ષ સુધી સખત મહેનત કરી હતી અને આજે કોલમ્બિયાના એક 19 વર્ષીય યુવકે રૂબિકના ત્રણ ક્યુબ્સને જગલિંગ કરીને પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સને આપેલા એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, આ સન્માન મારા માટે ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે, કારણકે તે કોલંબિયાનો સૌથી પહેલો જગલિંગ એન્ડ સ્પીડ-ક્યુબિંગ વર્લ્ડ રેકોર્ડ હશે અને તે સિદ્ધિ મેળવનાર પ્રથમ વ્યક્તિ બનવું એ લાગણી જ કંઈક અલગ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા એક યુટ્યુબ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં અલ્વારાડોને આ સિદ્ધિ હાંસલ કરતાં જોઈ શકાય છે. 13 મેના રોજ આ વીડિયો શેર થયા પછી આ વીડિયોને 1.4 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે અને હજુ પણ આંકડો વધી રહ્યો છે. આ વીડિયોમાં એન્જલ અલ્વારાડોને ઘણાં બધા લોકોએ કૉમેન્ટ્સ સેક્શનમાં શુભેચ્છા પાઠવી.