• Gujarati News
 • Utility
 • Does A Social Media Post Violate The Code Of Conduct? Know After What Punishment Can Not Contest Election Again?

ઈલેક્શન ગાઈડલાઈન-2022:શું સોશિયલ મીડિયાની પોસ્ટથી આચારસંહિતાનો ભંગ થાય? જાણો કઈ સજા બાદ ફરીથી ચૂંટણી લડી ના શકાય?

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુરુવારના રોજ ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે અને ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આચારસંહિતા પણ લાગુ થઈ ચૂકી છે. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકિય પક્ષો પણ પ્રચારનાં કામમાં લાગી ગયા છે કે, તે શું એવું કરી શકે કે, જેનાથી મતદારો તેમને મત આપીને સતામાં લાવે. જો કે, આ પક્ષો જે પણ કરે તે તેમણે આચારસંહિતાનાં દાયરામાં રહીને કરવાનું છે. આ આચારસંહિતા શું છે? ચૂંટણી સમયે તે શા માટે લાગુ કરવામાં આવે છે? તે લાગુ થયા બાદ શું કરી શકાય અને શું ન કરી શકાય? તેનો ભંગ થાય તો કઈ-કઈ સજા થઈ શકે? આ તમામ બાબતો અંગે આપણે ચર્ચા કરીશું.

આચારસંહિતા એટલે શું?
ભારતનાં બંધારણનાં અનુચ્છેદ 243(6) અને 243(વ)(ક)ની જોગવાઈ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રવર્તમાન કાયદા/ નિયમોની જોગવાઈ અનુસાર આચારસંહિતા એટલે ચૂંટણીપંચ દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા જેનું પાલન કરવું જરુરી છે. આ એક એવી નિયમાવલી છે કે, જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ શરુ થઈ જાય છે. આ નિયમાવલી કોઈ કાયદાના દાયરામાં નથી પણ તે રાજકીય પક્ષોની સહમતિથી બનાવવામાં આવી છે. જો લોકસભાની ચૂંટણી હોય તો આખા દેશમાં આચારસંહિતા લાગુ થાય છે અને જો રાજ્યમાં ચૂંટણી હોય તો તે ફક્ત રાજ્ય પૂરતી જ સીમિત હોય.

આચારસંહિતા લાગુ કરવાનો ઉદ્દેશ શું છે?
આદર્શ આચાર સંહિતા એ નક્કી કરે છે કે, રાજકીય પક્ષો, ઉમેદવારો અને શાસક પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવું વર્તન કરવું જોઈએ, એટલે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન, સભાઓ, સરઘસો, મતદાન દિવસની પ્રવૃત્તિઓ અને શાસક પક્ષની કામગીરી વગેરે.

આચારસંહિતા દરમિયાન શું ન કરવું?

 • સરકારની સિદ્ધિઓ સંદર્ભંમાં કોઈપણ પ્રકારની જાહેરાતો સરકારી તિજોરીનાં અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનાં ખર્ચે કરવી પ્રતિબંધિત છે
 • ચૂંટણીની કામગીરી સાથે સરકારી કામકાજ જોડી દેવું નહી
 • મતદારને નાણાંકીય કે અન્ય કોઈ પ્રલોભનો આપવા નહી
 • ચૂંટણી સમયે ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા વગેરે અથવા કોઈપણ પ્રાર્થના સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવો નહી.
 • માલિકની પરવાનગી વગર ચૂંટણી પ્રચાર માટે ખાનગી અને જાહેર કોઈપણ મિલકતો પર ધ્વજ-સ્તંભ ઉભા કરવા, બેનર મૂકવા, નોટિસો ચોંટાડવી અને સૂત્રો લખવા વગેરે જેવી પ્રવૃતિઓ કરી શકાશે નહી.
 • રાજકીય પક્ષો અથવા ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે કે સરઘસ કાઢવા માટે સક્ષમ અધિકારીની જરુરી પૂર્વમંજૂરી મેળવવાની રહેશે.
 • સવારનાં 8 વાગ્યા પહેલા અથવા રાત્રે 10 વાગ્યા પછી સંબંધિત અધિકારીની લેખિત પૂર્વમંજૂરી સિવાય ફરતા વાહનો ઉપરના સ્ટેટિક કે માઉન્ટેડ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહી.
 • ચૂંટણીની જાહેરાત થતાં મુખ્યમંત્રી, મંત્રી અને અન્ય રાજકીય પક્ષોનાં ઉમેદવારો ચૂંટણી વિષયક બાબતે વહીવટી તંત્ર સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મીટિંગ કે કોન્ફરન્સ યોજી શકશે નહી
 • કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકે નહી
 • કેન્દ્ર કે રાજ્યનાં સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચનાં કર્મચારીઓ તરીકે જ કામ કરે છે એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી.
 • સરકારી ગાડીઓ કે બંગલાનો ઉપયોગ ચૂંટણીપ્રચાર માટે થશે નહી
 • ચૂંટણીની જાહેરાત પછી લોકાર્પણ, ભૂમિપૂજન કે શિલાન્યાસ જેવા કાર્યક્રમો થઈ શકે નહી
 • ખેડૂતો માટે ચૂંટણીપંચની પૂર્વસંમતિ બાદ ટેકાના ભાવ નક્કી કરી શકાય છે

આચારસંહિતા દરમિયાન શું કરી શકો?

 • ચૂંટણીની જાહેરાત પહેલાં કોઈપણ ક્ષેત્રમાં ખરેખર શરુ કરવામાં આવેલા ચાલુ કાર્યક્રમો ચાલુ રાખી શકાશે જેમ કે, પૂર અનાવૃષ્ટિ, મહામારી અને અન્ય કુદરતી આફતોથી અસર પામેલા વિસ્તારોમાં લોકો માટે રાહત અને પુર્ન:વસવાટનાં પગલાં શરુ કરી શકશો અને ચાલુ રાખી શકશો.
 • તમામ પક્ષો કે ચૂંટણી લડતાં ઉમેદવારો માટે ચૂંટણી સભાઓ યોજવા માટે મેદાન જેવા જાહેર સ્થળો નિષ્પક્ષ રીતે ઉપલબ્ધ હોવા જોઈએ.
 • રાજકીય પક્ષો અને ઉમેદવારો અંગેનાં ટીકા-ટીપ્પણી કામગીરી સંબંધિત હોવા જોઈએ.
 • સભાઓમાં ખલેલ પહોંચાડતી કે અન્ય રીતે અવ્યવસ્થા ઉભી કરતી વ્યક્તિઓ સામે પગલાં લેવા માટે પોલીસની સહાય મેળવવી
 • શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ ચૂંટણી અધિકારીઓને હંમેશા સહકાર આપવો
 • મતદારો, ઉમેદવારો અને તેમના ચૂંટણી/ મતદાન એજન્ટ સિવાય, રાજ્ય ચૂંટણી આયોગનો અથવા જિલ્લા ચૂંટણી અધિકારીનો ખાસ માન્ય અધિકૃત્તિ પત્ર ધરાવતી વ્યક્તિઓ જ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે.

શું સોશિયલ મીડિયા પર થતાં પ્રચાર પર પણ આચાર સંહિતા લાગે?
સોશિયલ મીડિયા દ્વારા થતાં પ્રચાર પર પણ આચારસંહિતા લાગુ હોય છે. સોશિયલ મીડિયા પર થતાં પ્રચારનો ખર્ચ પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં ખર્ચનાં હિસાબમાં જોડવામાં આવે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પ્રચારની જાહેરાત આપતાં પહેલાં ચૂંટણીપંચને તે અંગે માહિતી આપવાની રહેશે. ચૂંટણીપંચ મંજૂરી આપે ત્યારબાદ જ આ જાહેરાતોને સોશિયલ મીડિયા પર મૂકી શકાય છે. ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોએ ચૂંટણીપંચને તેના પ્રચારનો ખર્ચનો હિસાબ આપવાનો રહે છે. જો હિસાબમાં ગોટાળો જોવા મળે તો ઉમેદવારને ત્રણ વર્ષ માટે ગેરલાયક પણ ઠેરવી શકાય છે. જો કે, એ ચૂંટણીપંચ પર નિર્ભર છે કે, તે આચારસંહિતાનો અમલ કેટલી કડકાઈથી કરાવી શકે છે.

સોશિયલ મીડિયા પર પ્રચારની જાહેરાત આપતાં પહેલાં ચૂંટણીપંચને તે અંગે માહિતી આપવાની રહેશે
સોશિયલ મીડિયા પર પ્રચારની જાહેરાત આપતાં પહેલાં ચૂંટણીપંચને તે અંગે માહિતી આપવાની રહેશે

જો આચારસંહિતાનો ભંગ થાય તો જેલ થાય?
કોઈપણ ઉમેદવારે કે પક્ષે કે પછી સમર્થકોએ કોઈ રેલી કે સભાનું આયોજન કરતાં પહેલાં પોલીસની પરવાનગી લેવી જરૂરી છે. સૌથી જરૂરી વાત કે કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાતિ, ઘર્મ કે વર્ગના ધારે મત નહીં માગી શકે. જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચારસંહિતાનો ભંગ કરે તો ચૂંટણીપંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે. તેની સામે ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે છે. તેમને ચૂંટણી લડતાં પણ અટકાવી શકાય છે. આચારસંહિતાના ભંગ બદલ જેલની સજા પણ થઈ શકે છે.

જો કે, બંને બાજુના પક્ષોના દ્વારા આચારસંહિતાનો ભંગ થતો હોય છે એટલે સામસામે માંડવાળ કરી લેવામાં આવે છે. આચારસંહિતાને મજબૂત કાયદાકીય આધાર ન હોવાના કારણે ફક્ત અરજી થાય પછી નોટિસ કાઢવામાં આવે અને નોટિસના બદલામાં જવાબ આપીને ઠપકો ખાઈને છટકી જવામાં આવે. આચારસંહિતા ભંગ બદલ કોઈ મોટા નેતાને સજા થઈ હોય તેવું ભાગ્યે જ બન્યું હશે. કહે છે ને કે, જંગલમાં જો પ્રાણીનાં પંજામાં નહોર હોય તો તે ગમે તેવા તગડાં પ્રાણીનો શિકાર કરી શકે છે પણ નહોર ના હોય તો ગમે તેટલી તાકત હોય કોઈ કામ આવતી નથી. આચારસંહિતા નામના પ્રાણીનાં પંજામાં નહોર નથી એટલે તેના ભંગ બદલ ફરિયાદ ફાઈલ થાય બીજું કશું ન થાય?

આચારસંહિતાનાં ભંગ બદલ ક્યારેય કોઈ કાર્યવાહી થઈ છે?

 • જાણતાં-અજાણતાં આચારસંહિતાનાં ભંગના દાખલા ઘણીવાર બન્યા હશે પણ કોઈ સામે કાર્યવાહી થઈ હોય તેવો દાખલો ભાગ્યે જ જોવા મળ્યો છે. ફક્ત એક ટી.એન.શેષન જ હતા કે, જેમણે આચારસંહિતાનાં ભંગ બદલ કોઈને પણ છોડ્યા નહોતા. મળતી માહિતી મુજબ 1992ની ઉતર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે તમામ જિલ્લા મજિસ્ટ્રેટ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને લગભગ 280 ચૂંટણી અધિકારીઓને એ સ્પષ્ટતા કરી દીધી કે, ચૂંટણીનાં સમયકાળ દરમિયાન થયેલી તમામ ભૂલો માટે તેઓ જવાબદાર રહેશે.
 • માત્ર ઉતરપ્રદેશમાં શેષને અંદાજે 50 હજાર ગુનેગારોને આગોતરા જામીન લઈ લેવાની કે પોતાની જાતને પોલીસની હવાલે કરી દેવાનો વિકલ્પ આપ્યો હતો.
 • હિમાચલ પ્રદેશની ચૂંટણીનાં દિવસે પણ પંજાબનાં મંત્રીઓનાં 18 બંદૂકધારીઓની રાજ્ય સીમા પાર કરતાં ઘરપકડ કરી લીધી હતી.
 • શેષનનાં સૌથી મોટા રાજકીય શિકાર હિમાચલ પ્રદેશનાં તત્કાલિન રાજ્યપાલ ગુલશેર અહેમદ બન્યા હતા. સતના ખાતેની ચૂંટણી સ્થગિત કરી દેવાયા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું હતું. તેમના પર આરોપ હતો કે, તેમણે પોતાના પુત્ર માટે સતના ચૂંટણી ક્ષેત્રમાં પ્રચાર કર્યો હતો.
 • આ જ રીતે ઉતરપ્રદેશમાં પૂર્વ ખાદ્યમંત્રી કલ્પનાથ રાયને પણ ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયા બાદ પોતાના ભત્રીજા માટે પ્રચાર કરતાં પકડવામાં આવ્યા હતા. આ સમયે જિલ્લા મજિસ્ટ્રેટે તેમને અટકાવતાં ચેતવણી આપી હતી કે, જો ભાષણ ચાલું રાખ્યું તો ચૂંટણીપંચ ચૂંટણી રદ્દ કરવામાં પાછું નહી પડે.

આચારસંહિતાની અમલવારી તમામ રાજકીય પક્ષોને સમાન તક મળે, ધામધમકી કે લોભ-લાલચથી મતોનું પરિવર્તન ના થાય, શ્રીમંત ઉમેદવાર સામે ગરીબ ઉમેદવાર નબળો ના પડે, સરકારી તંત્રનો દુરુપયોગ ન થાય, પ્રચારનાં કારણે નાગરિકોનાં રોજ-બરોજના જીવનમાં ખલેલ ન પહોંચે, શાંતિ અને ભાઈચારો બની રહે, ધર્મ અને કોમનાં નામ પર મતો માગીને વાતાવરણ ડહોળવામાં ન આવે એટલે કે ચૂંટણીની પ્રક્રિયા પારદર્શી બની રહે તે માટે જરુરી છે.