ફેસ્ટિવલ સિઝન શરૂ થવાની છે અને તેને ધ્યાનમાં રાખતા ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને એમેઝોન સેલ લાવી રહી છે. ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડે સેલ 16 ઓક્ટોબર અને એમેઝોનનો ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. તેમાં લોકોને બમ્પર ડિસ્કાઉન્ટ અને નો કોસ્ટ EMI જેવા ઘણી ઓફર આપવામાં આવી રહી છે. જો તમે પણ આ દિવાળી ઓનલાઈન શોપિંગ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તે પહેલા ડિસ્કાઉન્ટ અને નો કોસ્ટ EMI સહિત આટલી બાબતો પર સાવચેતીપૂર્વક ધ્યાન આપવું જરૂરી છે જેથી યોગ્ય કિંમત પર યોગ્ય વસ્તુ લઈ શકો.
નો કોસ્ટ EMI
ફ્લિપકાર્ટ અને એમેઝોન સેલમાંથી વસ્તુ લેવા પર તમને નો-કોસ્ટ EMI (No Cost EMI)ની સુવિધા આપવામાં આવશે. પરંતુ વિચાર્યા વગર નો-કોસ્ટ EMIથી શોપિંગ કરવા પર તમારે વસ્તુની કિંમત કરતાં વધારે કિંમત ચૂકવવી પડી શકે છે. નો-કોસ્ટ EMI અંતર્ગત શોપિંગ કરતા સમયે સાવચેતી રાખવી જરૂરી છે. નામ ન આપવાની શરતે એક NBFCના એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, નો કોસ્ટ EMI પર તમારે પ્રોડક્ટ સંપૂર્ણ કિંમત પર ખરીદવાની હોય છે. તેના પર પણ 15 ટકા સુધી વ્યાજ પણ લેવામાં આવે છે.
વધારે વસ્તુ વેચવા માટેનો ઉપાય છે-નો કોસ્ટ EMI
નો કોસ્ટ EMI વધારે વસ્તુઓ વેચવા માટે અપનાવવામાં આવતો નુસખો છે. નો કોસ્ટ EMI જોઈને કોઈપણ વસ્તુને ખરીદવાની ઉતાવળ ન કરવી, તેના વિશે પહેલાં શાંતિથી વિચારો અને વાંચો. બેંક દ્વારા આપવામાં આવતું ડિસ્કાઉન્ટ વ્યાજ તરીકે પાછું લેવામાં આવે છે. નો- કોસ્ટ EMI સ્કીમ સામાન્ય રીતે 3 રીતે કામ કરે છે. પહેલી રીત એ છે કે, નો કોસ્ટ EMI પર તમારે પ્રોડક્ટને સંપૂર્ણ કિંમત પર ખરીદવાની હોય છે. તેમાં કંપનીઓ ગ્રાહકોને આપવામાં આવતા ડિસ્કાઉન્ટને બેંકના વ્યાજ તરીકે આપે છે. બીજી રીત એ છે કે, કંપની વ્યાજની રકમ પહેલાથી જ પ્રોડક્ટની કિંમતમાં સામેલ કરે છે. ત્રીજી રીત એ છે કે, કંપનીની કોઈ વસ્તુનું જ્યારે વેચાણ નથી થતું ત્યારે તેના વેચાણ માટે પણ નો-કોસ્ટ EMIની મદદ લેવામાં આવે છે.
‘નો-કોસ્ટ EMI’ પર સામાન ખરીદતી સમયે સાવચેતી રાખો
નો-કોસ્ટ EMI પર કોઈ પણ સામાન ખરીદો તો તે પહેલાં તે વસ્તુની અન્ય કોઈ ઈ-કોમર્સ સાઈટ કે ઓફલાઈન સ્ટોર્સમાં તેની કિંમત જાણો. આ ઉપરાંત નો-કોસ્ટ EMI ઈમેલ પર સેવા અને શરતોને ધ્યાનથી વાંચો. કારણકે ઘણીવાર EMI ચૂકવવા કે પ્રોસેસ ફીઝના નામે રૂપિયા વસૂલવામાં આવે છે.
ડિસ્કાઉન્ટ
ફેસ્ટિવલ સેલમાં ઓનલાઈન શોપિંગમાં વેબસાઈટ્સ કંપનીઓ 80% ડિસ્કાઉન્ટ આપવાના દાવા કરે છે, પરંતુ આ ડિસ્કાઉન્ટ અમુક જ પ્રોડક્ટ્સ પર આપવામાં આવે છે. બાકીની વસ્તુઓ પર એટલી બધી છૂટ હોતી નથી. તેવામાં વધારે ડિસ્કાઉન્ટવાળી વસ્તુ ખરીદતાં પહેલાં તેની યોગ્ય તપાસ કરવી જોઈએ.
તપાસ જરૂરી
વધારે છૂટની લાલચમાં ફસાયા પહેલાં ચેક કરી લો કે વસ્તુ યોગ્ય છે કે નહિ. જો તમે કઈક ખરીદવાનો પ્લાન બનાવો છો તો તેની કિંમત પર ધ્યાન રાખો. આ ઉપરાંત પ્રોડક્ટ ખરીદતાં પહેલાં અન્ય વેબસાઈટ્સ પર કિંમતની સરખામણી કરો.
કેશબેક
આ ખરીદદારોને આકર્ષવા માટે ઓનલાઇન શોપિંગ વેબસાઇટ્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સૌથી લોકપ્રિય પદ્ધતિઓમાંથી એક છે. નામ જ સૂચવે છે કે કેશબેક હેઠળ ખરીદનારને પ્રોડક્ટની કિંમતનો થોડો ભાગ અથવા એક નક્કી રકમ પરત મળી જાય છે. ઉદાહરણ તરીકે, જો તમે 5 હજાર રૂપિયામાં કોઈ પ્રોડક્ટ ખરીદો તો તમને 10% અથવા 500 રૂપિયા સુધીની રકમ કેશબેકના રૂપમાં પરત કરવામાં આવશે.
કેટલું કેશબેક મળશે?
કોઇપણ વસ્તુ ખરીદતાં પહેલાં કેશબેકના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચવી જોઈએ. ઓનલાઇન પોર્ટલો દ્વારા આપવામાં આવતા કેશબેક સામાન્ય રીતે નિયમો અને શરતો સાથે આવે છે. કેશબેક કેટલું છે તેની તપાસ થવી જોઈએ કારણ કે તે સામાન્ય રીતે મેક્સિમમ લિમિટ સાથે આવે છે. આ સિવાય, ઓછામાં ઓછી ખરીદી રકમની ખરીદીની પણ એક શરત હોય છે. ઉદાહરણ તરીકે, આ ઓફર 20% સુધીનું કેશબેક બતાવી શકે છે. પરંતુ 1000 રૂપિયા સુધીની કેશબેક મળવાની જ મર્યાદા હોઈ શકે છે. એટલે કે, તમને 1,000 રૂપિયાથી વધુનું કેશબેક નહીં મળે.
કેશબેક ક્યારે મળશે?
કેશબેક ક્યારે મળશે એ વિશે પણ તમારે જાણવું જોઈએ. ઘણીવાર તે આપવામાં 3-4 મહિનાનો સમય પણ લાગી જતો હોય છે. આ ઉપરાંત, કેશબેક ક્યાં જમા થશે તે તરફ પણ ધ્યાન આપો, શું તમે તેને તમારા બેંક અકાઉન્ટ અથવા વોલેટમાં લઈ શકશો? કારણ કે મોટાભાગની કંપનીઓ તેમના ઓનલાઇન વોલેટમાં કેશબેક આપે છે. તેથી, તમે તે કેશબેકનો ઉપયોગ એ જ સાઇટમાંથી શોપિંગ દરમિયાન કરી શકશો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.