SBIના ગ્રાહકો માટે સારા સમાચાર:બેંકે મોબાઇલ ફંડ ટ્રાન્સફર પર SMS ફી માફ કરવાની જાહેરાત કરી, હવે કોઈ ફી ચૂકવ્યા વગર કરી શકશો લેવડ-દેવડ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ (SBI)એ મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર SMS ફી માફ કરવાની જાહેરાત કરી છે. SBIએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે USSD (અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા) સર્વિસનો ઉપયોગ કરીને યુઝર્સ હવે કોઈ પણ ફી ચૂકવ્યા વગર સરળતાથી લેવડ-દેવડ કરી શકશે.

બેન્ક દ્વારા આ વાતની માહિતી સો. મીડિયા પર આપી હતી. SBI દ્વારા પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે 'મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર હવે SMS ફી માફ. યુઝર્સે હવે કોઈ ફી ચૂકવ્યા વગર સરળતાથી લેવડ-દેવડ કરી શકશે. યુઝર્સ કોઈપણ વધારાની ફી ચૂકવ્યા વગર સેવાઓનો લાભ લઈ શકે છે, જેમાં પૈસા મોકલવા, રિકવેસ્ટ મની, એકાઉન્ટ બેલેન્સ જાણવું, મિની સ્ટેટમેન્ટ અને ચેન્જ UPI પિન જેવી સુવિધાઓ મેળવી શકો છો.'

USSD શું છે? આવો... જાણીએ
USSD, એટલે કે અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટાનો ઉપયોગ સામાન્ય રીતે ટોક ટાઈમ બેલેન્સ અથવા એકાઉન્ટ ઇન્ફોર્મેશન અને મોબાઈલ બેંકિંગની લેવડ-દેવડ માટે કરવામાં આવે છે. આ સેવા ફીચર ફોન પર કામ કરે છે. SBIના આ નિર્ણયથી ફીચર ફોન ધરાવતા યુઝર્સને ફાયદો થશે, જેઓ દેશના 1 બિલિયનથી વધુ મોબાઈલ ફોન યુઝર્સમાંથી 65% કરતા પણ વધુ છે. ફીચર ફોનમાંથી યુઝર્સે *99# ડાયલ કરીને આ સર્વિસનો લાભ લઈ શકે છે.

તો અન્ય સમાચાર મુજબ, SBIએ બેન્ચમાર્ક પ્રાઈમ લેડિંગ રેટમાં 70% બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારો કર્યા બાદ SBIએ વેબસાઈટ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે હવે નવા રેટ 13.45% છે. આ નવો રેટ 15 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવી ચૂક્યો છે.

બેઝ રેટ પર લોન લેનારા બેન્કધારકોની EMI રકમ વધશે. બેંક ત્રિમાસિક ધોરણે BPLR અને બેઝ રેટ બંનેમાં સુધારો કરે છે. આગામી દિવસોમાં અન્ય બેંકો પણ SBIની જેમ ધિરાણદરમાં સુધારો કરી શકે છે.