ધુમ્મસને કારણે ટ્રેન મોડી પડી તો...:રેલવે ફ્રીમાં જમવાનું આપશે, ટિકિટ કેન્સલ કરવા પર 100 ટકા રિફંડ મળશે

એક મહિનો પહેલા

શિયાળો શરૂ થતાં સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ રહેવું સામાન્ય છે અને એને કારણે અનેક ટ્રેનો કેન્સલ થઈ ચૂકી છે, અમુક ટ્રેનોએ તો પોતાનો રૂટ ડાઇવર્ટ કરી નાખ્યો છે. આ ઠંડીની ઋતુમાં ટ્રાવેલ કરવામાં ઘણા મુસાફરોએ આ પ્રકારની સ્થિતિઓનો ભોગ બનવું પડતું હશે.

આજે કામના સમાચારમાં અમે એ વાત કરીશું કે જો ધુમ્મસને કારણે ટ્રેન લેટ થઈ જાય તો મુસાફરો પાસે કયા-કયા વિકલ્પો રહેશે? શું તે પોતાની ટિકિટ કેન્સલ કરાવી શકશે? શું તેને તેની ટિકિટના પૈસા પાછા મળી શકશે કે નહીં?

પ્રશ્ન- ધુમ્મસને કારણે જો ટ્રેન લેટ થઈ જાય તો શું રેલવે તરફથી કોઈ સ્પેશિયલ સુવિધા મળે છે?
જવાબ-
હા, જરૂર. રેલવે મુસાફરોની સુવિધાઓનું પૂરેપુરુ ધ્યાન રાખે છે. કઈ-કઈ સુવિધાઓ મળશે એ માટે તમે નીચેના ગ્રાફિકમાં વાંચો.

પ્રશ્ન- શું ધુમ્મસને કારણે રેલવે જાણકારી આપ્યા વગર ટ્રેનનો રૂટ ડાઇવર્ટ કરી શકે?
જવાબ-
હા, ધુમ્મસને કારણે ચાલતી ટ્રેનનો રૂટ ડાઇવર્ટ કરી શકાય છે. આ સ્થિતિમાં ઘણીવાર ટ્રેન કેન્સલ પણ થઈ જાય છે.

પ્રશ્ન- મારે ખૂબ જ મહત્ત્વના કામ હેતુસર ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું છે, જો મારી ટ્રેનનો રૂટ ડાઇવર્ટ થઈ જાય તો મારી પાસે મુસાફરીનો કયો વિકલ્પ રહે છે?
જવાબ-
જો તમારી ટ્રેનનો રૂટ ડાઇવર્ટ થઈ જાય તો તમારે ગભરાવાની જરા પણ જરુર નથી. એવામાં તમે enquiry.indianrail.gov.in પર login કરીને તમે તમારી ટ્રેનને જોઈ શકો છો. અહીં તમે તમારી ટ્રેનના નવા રૂટ વિશે પણ જાણી શકો છો.

પ્રશ્ન- ધુમ્મસને કારણે જો ટ્રેન મોડી પડે તો શું રિફંડ મળી શકશે?
જવાબ-
હા, જરૂર. જો ધુમ્મસને કારણે 3 કે તેથી વધુ કલાક માટે ટ્રેન લેટ થાય તો મુસાફરો ટિકિટ કેન્સલ કરીને રિફંડ મેળવી શકે છે. આ સુવિધા કન્ફર્મ ટિકિટ સાથે તે લોકોને પણ મળશે, જેમની ટિકિટ RACમાં હોય કે વેઈટિંગ લિસ્ટમાં હોય. પહેલા આ અધિકાર ફક્ત કાઉન્ટર ટિકિટ ખરીદનારી વ્યક્તિને જ મળતો હતો, પણ હવે ઓનલાઈન ટિકિટ બુક કરનારા લોકોને પણ એનો લાભ મળે છે.

પ્રશ્ન- ટ્રેન મોડી પડવા પર શું વૃદ્ધ લોકો માટે કોઈ વિશેષ સુવિધા આપવામાં આવે છે?
જવાબ-
ના. અલગથી કોઈ જ સુવિધા આપવામાં આવતી નથી. વૃદ્ધ લોકોને પણ એ જ સુવિધા મળશે, જેઓ અન્ય લોકોને મળે છે.

પ્રશ્ન- જો મારે ભોપાલથી દિલ્હી જવાનું છે અને પછી દિલ્હીથી જમ્મુ માટે ટ્રેન પકડવાની છે પણ ભોપાલથી દિલ્હી જવાની ટ્રેન ધુમ્મસને કારણે લેટ થઈ તો એવામાં મુસાફરો પાસે મુસાફરીનો કયો વિકલ્પ રહેશે?
જવાબ-
આ સ્થિતિમાં રેલવે તો યાત્રીઓને કોઈ અલગ ઓપ્શન નથી આપતી. જો મુસાફરે આ સ્થિતિને કારણે કોઈ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હોય તો એ કન્ઝયુમર ડિપ્યુટ્સ રિડ્રેસલ કમિશનમાં ફરિયાદ નોંધાવી શકે છે.

સુપ્રીમ કોર્ટે મુસાફરને 30 હજાર રૂપિયા અપાવ્યા
વર્ષ 2016માં આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે મુસાફરનો પક્ષ લઈને રેલવેને મુસાફરની નુકસાનીની ભરપાઈ કરવા માટેનો હુકમ આપ્યો હતો. અલવરથી સંજય શુક્લાએ જમ્મુ તાવી જવા માટે એક ટ્રેન પકડી. એ ટ્રેન પૂરી 4 કલાક મોડી પડી. સંજય શુક્લા અને તેના ત્રણ સાથી જમ્મુ તાવીથી શ્રીનગર ફ્લાઈટથી જવાના હતા, પણ ટ્રેન લેટ થવાને કારણે તેઓ ફ્લાઈટમાં જઈ ન શક્યા. આ કારણસર કોર્ટે રેલવેને મુસાફરોને 30 હજાર ચૂકવવાનો હુકમ આપ્યો હતો.

જાણવા જેવું
પ્રશ્ન- જો તમારી ટ્રેન છૂટી જાય તો તમે શું કરશો?
જવાબ-
ટ્રેન કોઈ કારણસર છૂટી ગઈ તો તમે આગળનાં બે સ્ટેશન સુધી ટ્રેનમાં બેસી શકો છો. બે સ્ટેશન ગયાં પછી ટીટી પાસે અધિકાર હોય છે કે તે તમારી સીટ કોઈ ત્રીજી વ્યક્તિને આપી દે. આ સિવાય જો ટ્રેન છૂટી જાય તો તમે તમારા પૈસા રિફંડ પણ કરાવી શકો છો. સ્ટેશનથી ટ્રેન નીકળવાના એક કલાકની અંદર તમે TDR ફાઈલ કરી શકો છો. એ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. રિફંડ મળવામાં 60 દિવસ સુધીનો સમય લાગી શકે છે.

પ્રશ્ન- જ્યાંથી રિઝર્વેશન કરાવ્યું છે, શું ત્યાંથી એક-બે સ્ટેશન છોડીને ટ્રેન પકડી શકાય છે?
જવાબ-
હા, તમે તમારા બોર્ડિંગ સ્ટેશનથી આગળનાં બે સ્ટેશન સુધી ટ્રેન પકડી શકો છો. ત્રીજા સ્ટેશનથી ટીટી પાસે અધિકાર આવી જાય છે કે તે તમારી સીટ કોઈ બીજા મુસાફરને આપી શકે છે.

પ્રશ્ન- મેં મારું રિઝર્વેશન કરાવ્યું છે, પણ છેલ્લી ઘડીએ મારું જવાનું કેન્સલ થયું, શું મારી જગ્યાએ મારી મમ્મી ટ્રાવેલ કરી શકે? એવામાં રેલવેના નિયમો શું રહેશે?
જવાબ-
આ માટે રેલવેના નિયમો બનાવ્યા છે, જે મુજબ...

  • ટિકિટ કન્ફર્મ હોવી જરૂરી છે
  • તમે તમારી ટિકિટ માતા-પિતા, ભાઈ, બહેન, દીકરો, દીકરી અને પતિ-પત્નીના નામે ટ્રાન્સફર કરી શકો છો
  • મુસાફરે ટ્રેન છૂટ્યાના 24 કલાક પહેલાં ટિકિટ ટ્રાન્સફર માટેની રિક્વેસ્ટ મોકલવી પડશે
  • પછી ટિકિટ પરથી જે-તે મુસાફરનું નામ કાઢીને પરિવારનો જે સભ્ય મુસાફરી કરવાનો છે તે ઉમેરવું.