રોકાણ પર ટેક્સ:ગોલ્ડ અને પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી થતા પ્રોફિટ પર પણ 21% સુધીનો ટેક્સ ભરવો પડે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફિઝિકલ ગોલ્ડથી થયેલા લોન્ગ ટર્મ કેપિટલ ગેન પર 20.8% ટેક્સ આપવાનો હોય છે
  • શોર્ટ ટર્મ કેપિટલ ગેન પર ટેક્સ તમારા ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે લાગે છે

આપણા દેશમાં રિયલ એસ્ટેટ, ગોલ્ડ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં લોકો વધુ રોકાણ કરે છે. જો કે, લાંબા સમય માટે રોકાણ પર ગોલ્ડમાંથી આકર્ષક રિટર્ન નથી મળતું. તેમજ, છેલ્લાં કેટલાક વર્ષોમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ નેગેટિવ રિટર્ન જ મળ્યું છે. આવી સ્થિતિમાં એક્સપર્ટ્સનું માનવું છે કે રોકાણની દૃષ્ટિએ ગોલ્ડ અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરવું યોગ્ય નથી. પરંતુ જો તમે તેમાં રોકાણ કરવા માગતા હો તો તમારે આ બંને જગ્યાએ રોકાણ કરતાં પહેલાં તેના પર ભરવા પડતા ટેક્સ વિશે માહિતી હોવી જરૂરી છે.

ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ
ફિઝિકલ ગોલ્ડમાં જ્વેલરી અને સિક્કા સાથે અન્ય સોનાની વસ્તુઓ પણ સામેલ હોય છે. જો તમે 3 વર્ષની અંદર સોનું વેચ્યું હશે તો તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેન ગણવામાં આવે છે. આ વેચાણમાંથી થતા નફા પર તમારા ઇન્કમટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ ભરવો પડે છે. તેમજ, જો સોનું 3 વર્ષ પછી વેચાય તો તે લોન્ગ ટર્મ કેપિટલ ગેન ગણાય છે. તેની પર 20.8% ટેક્સ ભરવો પડશે.

સોવરેન ગોલ્ડ બોન્ડ
બોન્ડનો મેચ્યોરિટી પિરિઅડ 8 વર્ષનો છે. આ સમયગાળા દરમિયાન જો તમે પૈસા ઉપાડો તો તેનાથી થયેલા પ્રોફિટ પર કોઈ ટેક્સ ભરવો નહીં પડે. પરંતુ રોકાણકારોને 5 વર્ષ પછી બહાર નિકળવાની તક મળે છે. એટલે કે જો તમે તમારા પૈસા ઉપાડવા માગતા હો તો તમે 5 વર્ષ પછી ઉપાડી શકો છો. જો કે, જો તમે રિડમ્પ્શન (ખૂલ્યાના 5 વર્ષ પછી) પર બહાર નીકાળશો તો ફિઝિકલ ગોલ્ડ પર લાગતા કેપિટલ ગેનની જેમ જ આની પર ટેક્સ લાગશે. એટલે કે તેને લોન્ગ ટર્મ કેપિટલ ગેન ગણવામાં આવશે અને તેની પર તમારે 20.8% ટેક્સ ચૂકવવો પડશે.

ગોલ્ડ બોન્ડ્સ 2.50%ના દરે વ્યાજ આપે છે અને આ વ્યાજ તમારા ટેક્સ સ્લેબ મુજબ સંપૂર્ણપણે ટેક્સેબલ છે. તેમાં થનારા શોર્ટ ટર્મ કેપિટલ ગેન (3 વર્ષ કરતાં ઓછા સમયમાં વેચાણ) પરનો ટેક્સ પણ ફિઝિકલ ગોલ્ડ જેટલો જ હોય છે.

પ્રોપર્ટી પર ટેક્સ
પ્રોપર્ટી (સ્થાવર મિલકત)ના કિસ્સામાં જો તમે ખરીદીના 2 વર્ષ પછી કોઈ પ્રોપર્ટી વેચશો તો તે લોન્ગ ટર્મ કેપિટલ ગેન ગણાય છે અને જો તમે તેને 2 વર્ષ પહેલાં વેચો તો તે શોર્ટ ટર્મ કેપિટલ ગેન ગણાય છે. રિયલ એસ્ટેટમાંથી શોર્ટ ટર્મ કેપિટલ ગેન પર ટેક્સ તમારા ઇન્કમ સ્લેબ અનુસાર ભરવાનો રહે છે, જ્યારે લોન્ગ ટર્મ કેપિટલ ગેન પર ઇન્ડેક્સેશન (ફુગાવાના દર પ્રમાણે પ્રોપર્ટીના ભાવનો અંદાજ) પછી 20.8% ટેક્સ લાગે છે.