કોરોના સંકટને કારણે લોકો અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં રોકાણકારો પૈસાનું ક્યાં રોકાણ કરવું એ અંગે મૂંઝવણમાં છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા હો તો તમે પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર (KVP) સેવિંગ સ્કીમમાં પૈસા રોકી શકો છો. તેમાં અત્યારે 6.9% લેખે વ્યાજ મળી રહ્યું છે.
કિસાન વિકાસ પત્ર યોજના શું છે?
આ એક પ્રકારનું સર્ટિફિકેટ હોય છે જે કોઈપણ વ્યક્તિ ખરીદી શકે છે. તે બોન્ડની જેમ સર્ટિફિકેટ તરીકે બહાર પાડવામાં આવે છે. તેના પર એક નક્કી વ્યાજ મળે છે. સરકાર સમયાંતરે આ વ્યાજદરમાં સુધારો કરતી રહે છે. તેને દેશભરની કોઇપણ પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. તેમાં 6.9% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
કેટલી રકમ ઇન્વેસ્ટ કરી શકાય?
કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવાની મહત્તમ મર્યાદા નથી. જો કે, તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 1000 રૂપિયા હોવું જોઈએ. તમે 1,000 રૂપિયાના ગુણાકારમાં કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો.
તેમાં કોણ રોકાણ કરી શકે?
કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. તેમાં સિંગલ ઉપરાંત સંયુક્ત જોઇન્ટ ખાતાની પણ સુવિધા છે. તેમજ, સગીરને પણ આ યોજનામાં સામેલ કરી શકાય છે. પરંતુ તેનાં માતા-પિતાએ તેનું અકાઉન્ટ મેન્ટેન કરવાનું રહેશે. સ્કીમમાં હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) અને NRI રોકાણ નહીં કરી શકે.
પૈસા કેટલા સમય પછી ઉપાડી શકાય?
જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઇન પિરિઅડ રાખવામાં આવ્યો છે.
શું તેને બીજા કોઈનાં નામ પર ટ્રાન્સફર કરી શકાય?
આમાં આ પ્રમાણપત્ર એક વ્યક્તિથી બીજામાં ટ્રાન્સફર કરી શકાય છે. તેને એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટઓફિસમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે. તેને દેશની કેટલીક બેંકોમાંથી પણ ઓનલાઇન ખરીદી શકાય છે.
પૈસા કેટલા સમયમાં ડબલ થાય છે?
જો તમે કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરો તો વર્તમાન વ્યાજ દર 6.9% અનુસાર, 10 વર્ષ અને 4 મહિનામાં આ પૈસા ડબલ થઈ શકે છે.
શું ટેક્સ બેનિફિટ પણ મળે છે?
તમને કિસાન વિકાસ પત્ર પર ટેક્સ બેનિફિટ પણ મળે છે. આ સ્કીમમાં સોર્સ પર ટેક્સ નથી કપાતો. એટલે કે તમારે મેચ્યોરિટીના પૈસા TDS કાપીને આપવામાં નથી આવતા. જો કે, તમે 80C હેઠળ તેમાં છૂટ મેળવવાને પાત્ર પણ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.