પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સિનિયર સિટીઝન સેવિંગ સ્કિમ (SCSS),નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC), કિસાન વિકાસ પત્ર (KVP) અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કિમના વ્યાજ દરોમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો. એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન તમને એ જ વ્યાજ દર મળશે જે અત્યારે મળી રહ્યું છે. નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ફેરફાર ન કરવાથી બચતકર્તાઓને મોટી રાહત મળી છે.
છેલ્લા ક્વાર્ટરમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં નિર્ણય પાછો ખેંચી લેવાયો હતો
કેન્દ્ર સરકારે એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ 24 કલાકની અંદર નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય ભૂલથી જાહેર થઈ ગયો હતો. ભૂલથી જાહેર નિર્ણયમાં નવ નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં 1.10% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
1 એપ્રિલ 2020ના રોજ વ્યાજ દરમાં ઘટાડો થયો હતો
સરકારે ગત વર્ષે 1 એપ્રિલ 2020ના રોજ નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો હતો. ત્યારે તેના વ્યાજ દરોમાં 1.40% સુધી ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 31 માર્ચ 2021ના રોજ પણ ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
પૈસા એકત્રિત કરવા માટેની સરળ રીત નાની બચત યોજનાઓ
સરકાર માટે નાની બચત યોજનાઓમાંથી પૈસા એકત્રિત કરવાની સરળ રીત છે. નાણાકીય વર્ષ 2020-21ના બજેટમાં સરકારે નાની બચત યોજનાઓ દ્વારા 2.4 લાખ કરોડ રૂપિયા એકત્રિત કર્યા હોવાનો અંદાજ હતો, પરંતુ રિવાઈઝ એસ્ટીમેટમાં સરકારે તેને વધારીને 4.8 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. નાણાકીય વર્ષ 2020-21માં નાની બચત યોજનાઓ દ્વારા 3.91 લાખ કરોડ રૂપિયાનું બોરોઈંગ રહ્યું છે. આર્થિક ખોટને પહોંચી વળવા માટે સરકાર ફક્ત નાની બચત યોજનાઓથી જ ઉધાર લે છે.
દર ત્રણ મહિનામાં વ્યાજ દરની સમીક્ષા થાય છે
સ્મોલ સેવિંગ સ્કિમના વ્યાજ દરની દર ત્રણ મહિને સમીક્ષા થાય છે. આ યોજનાઓના વ્યાજ દર નક્કી કરવાનો ફોર્મ્યુલા 2016 શ્યામલા ગોપીનાથ સમિતિએ આપ્યો હતો. સમિતિએ સૂચના આપી હતી કે આ સ્કિમના વ્યાજ દર સમાન મેચ્યોરિટીવાળા સરકારી બોન્ડના યીલ્ડ કરતાં 0.25-1.00% વધારે હોવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.