રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે એક મોટો નિર્ણય કર્યો છે. હવે તમારે ડ્રાઈવિંગ લાઈસન્સની તમામ સુવિધાઓ માટે RTO ઓફિસના ધક્કા નહીં ખાવા પડે. તમારા આધારથી જ તેનું વેરિફિકેશન થઈ જશે. તેનાથી તમારો સમય અને પૈસા બંને બચશે. તેના અંતર્ગત 18 સુવિધાઓને ડિજિટલ કરવામાં આવી છે.
ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહનનું રજિસ્ટ્રેશન કરાવવા માટે કોઈ અન્ય દસ્તાવેજ આપવાની જરૂર નહીં પડે. તમારે parivahan.gov.in પર જઈને તમારા આધાર કાર્ડને વેરિફાય કરાવવું પડશે. ત્યારબાદ આ 18 સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકાશે.
કોન્ટેક્ટલેસ સેવાની શરૂઆત
મંત્રાલયે ગુરુવારે આધાર વેરિફિકેશન દ્વારા કોન્ટેક્ટલેસ સર્વિસ શરૂ કરી છે. હવે તમારે ડ્રાઈવિંગ લાઈસન્સ, ડુપ્લિકેટ લાઈસન્સ, રજિસ્ટ્રેશન એપ્લિકેશન વગેરેના રિન્યુઅલ માટે RTO ઓફિસના ધક્કા નહીં ખાવા પડે. આઈડેન્ટીટી ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરીને સરકારી ડિલિવરી પ્રોસેસને સરળ કરવામાં આવી છે.
વાહન પોર્ટલ દ્વારા સુવિધા મળશે
મંત્રાલયે તેના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, પોર્ટલ દ્વારા કોન્ટેક્ટલેસ સર્વિસનો લાભ ઉઠાવવા માટે કોઈપણ વ્યક્તિને આધાર વેરિફિકેશન કરાવવું પડશે. જો કોઈની પાસે આધાર કાર્ડ નથી તો તે આધાર એનરોલમેન્ટ ID સ્લિપ બતાવીને આ સુવિધાઓનો લાભ લઈ શકે છે. એટલે સુધી કે તમારે જો લાઈસન્સ સરેન્ડર પણ કરવાનું છે તો પણ તમે તેને આધાર દ્વારા કરી શકો છો.
આ સુવિધાઓનો ફાયદો લઈ શકો છો
આધાર દ્વારા હવે જે સેવાઓનો તમે ફાયદો લઈ શકો છો તેમાં લર્નિંગ લાઈસન્સ, ડ્રાઈવિંગ લાઈસન્સ હશે. રિન્યુઅલ લાઈસન્સમાં હવે તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી. ડુપ્લિકેટ લાઈસન્સ પણ તેનાથી લઈ શકાશે. તેવી જ રીતે લાઈસન્સમાં સરનામું બદલવા, ઈન્ટરનેશનલ પરમિટ જારી કરવાની સુવિધા પણ તેનાથી લઈ શકાય છે. તે ઉપરાંત ઓનરશિપના ટ્રાન્સફરની નોટિસની પણ સુવિધા મેળવી શકાય છે.
વાહન પ્લેટફોર્મથી સુવિધા મળશે
આ સેવાઓને વાહનના ઓનલાઈન પ્લેટફોર્મ પરથી લઈ શકાય છે. તમારે આધાર દ્વારા અહીં પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તેનું વેરિફિકેશન થશે. ત્યારબાદ તમે ઈચ્છો તો તે સુવિધાને સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તેના માટે તમે અરજી કરી શકો છો. અત્યાર સુધી દેશમાં તમારે લાઈસન્સના કોઈપણ કામ માટે RTO ઓફિસ જ જવું પડતું હતું. તેના માટે તમારે દલાલને પૈસા આપવા પડતા હતા અને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે આ નવા નિયમથી તમારી લાઈસન્સ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમે ઓન લાઈન તેનો ફાયદો ઉઠાવી શકો છો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.