તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણકારી:ઘર ભાડે આપતાં મકાનમાલિકો માટે રાહતના સમાચાર, જો ભાડૂતે ભાડું ન ચૂકવ્યું તો હવે મકાનમાલિકે તેની પર ઇન્કમ ટેક્સ ભરવો પડશે નહીં

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્કમ ટેક્સ અપિલેટ ટ્રિબ્યુનલ (ITAT)ની મુંબઇ બેંચે તેના તાજેતરના આદેશમાં આ અંગે સ્પષ્ટતા કરી છે
  • અગાઉ જો ભાડૂતે ભાડું ન ચૂકવ્યું હોય તો તેને પણ વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવતું હતું અને તે ટેક્સેબલ પણ હતું

ઇન્કમ ટેક્સ અપીલ ટ્રિબ્યુનલ (ITAT)ની મુંબઇ બેંચે ભાડાંથી થતી આવક પરના ટેક્સ અંગે તાજેતરના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે, જો ભાડૂત કોઈ સંપત્તિના માલિકને ભાડું નથી ચૂકવી રબ્યો તો સંપત્તિના મિલકે તેની પર કોઈ ઇન્કમ ટેક્સ નહીં ભરવો પડે. આ નિર્ણય એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જેમના ભાડુતો કોરોનાને લીધે ભાડું ચૂકવવામાં સક્ષમ નથી. પરંતુ તેમછતાં તેમણે તેના પર ટેક્સ ભરવો પડતો હતો. કોઈ પ્રોપર્ટીમાંથી ભાડાંની આવક પર 'હાઉસ પ્રોપર્ટીમાંથી આવક' હેઠળ ટેક્સ લગાવવામાં આવે છે.

આદેશ શું છે?
ઈન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT)ના મુંબઈ બેંચના હુકમ મુજબ, જો કોઈના મકાનમાં ભાડુત રહેતો હોય અને તે 10,000 રૂપિયા ભાડું ચૂકવે છે. ધારો કે, તેમણે નાણાકીય વર્ષ 2020-21ના ​​12 મહિનામાં માત્ર 8 મહિનાનું ભાડું આપ્યું છે અને બાકીના 4 મહિનાનું ભાડું પછીથી ચૂકવવાનું કહ્યું છે.

તેનો અર્થ એ કે તે વર્ષમાં તમારા ભાડાંમાંથી કુલ આવક 1 લાખ 20 હજાર રૂપિયા હોવી જોઈએ. પરંતુ જો તે ફક્ત 80 હજાર રૂપિયા જ રહી હોય તો 80 હજાર રૂપિયાને જ તે નાણાકીય વર્ષનાં ભાડાંમાંથી થયેલી આવક માનવામાં આવશે. જો ભાડૂત આ 4 મહિનાનું ભાડું એટલે કે 40 હજાર રૂપિયા નાણાકીય વર્ષ 2020-21માં ન ચૂકવી શકે તો મકાનમાલિકે તેના પર ઇન્કમ ટેક્સ ભરવો પડશે નહીં.

ટ્રિબ્યુનલે શું કહ્યું?
ટ્રિબ્યુનલે એક કેસની સુનાવણી કર્યા પછી પોતાના નિર્ણયમાં કહ્યું કે, ભાડાં પર ટેક્સ ત્યારે જ લગાવવો જોઇએ જ્યારે કરદાતાએ આવું ભાડું મેળવી લીધું હોય અથવા મેળવવાનો હોય અથવા મળી જવાની સંપૂર્ણ નિશ્ચિતતા હોય. આ સ્થિતિ હોય તો જ ભાડાં પર ટેક્સ વસૂલવો જોઈએ. આ કેસમાં કરદાતાને ભાડૂઆત પાસેથી ભાડું મેળવવાની કોઈ આશ નથી. તેથી, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા ભાડાં પર લાદવામાં આવતો ટેક્સ સંપૂર્ણપણે ખોટો અને ગેરકાયદેસર છે અને આવી એડિશન કાઢી નાખવી જોઈએ.

અગાઉ શું થતું હતું?
અગાઉ આવી પરિસ્થિતિની એવું માની લેવામાં આવતું હતું કે મકાનમાલિકને તો ભાડું મળવાનું જ છે. તેથી, તેમની પાસેથી તે જ નાણાકીય વર્ષમાં ભાડાંની આવક પર ટેક્સ લેવામાં આવતો હતો. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે, જો ભાડૂત ભાડું ચૂકવી શકશે કે નહીં તે ખબર ન હોય તો મકાનમાલિક પર ટેક્સ લાદવો ખોટું છે. તેથી, જે ભાડું મળ્યું નથી તે તમારી વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવશે નહીં.

સમારકામ માટે ભાડૂત પાસેથી વસૂલવામાં આવેલા પૈસા પણ આવક ગણાશે
તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, ભાડૂતનું મકાન ખાલી કર્યા પછી સમારકામ માટે લેવામાં આવતા પૈસા પણ આવકવેરાને આધીન રહેશે. આ પણ મિલકતમાંથી થતી આવક તરીકે ગણવામાં આવશે.