છેલ્લા એક વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડની મલ્ટી-કેપ સ્કિમે રોકાણકારોને 62% સુધી રિટર્ન આપ્યું છે. મલ્ટી-કેપ સ્કિમ તે લોકો માટે યોગ્ય છે જે ઓછા રિસ્કની સાથે પોતાના રોકાણ પર સારું રિટર્ન મેળવવા માગે છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં મલ્ટી-કેપ કેટેગરી સારું પ્રદર્શન કરનારી કેટેગરી રહી છે. આ સ્કિમથી ટૂંકા અને લાંબા ગાળાના બંનેમાં રોકાણકારોને સારું વળતર મળ્યું છે. તમે પણ તેમાં રોકાણ કરીને ફાયદો કમાઈ શકો છો.
મલ્ટી-કેપ ફંડ શું છે?
મલ્ટી કેપ ફંડ અંતર્ગત લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણ કરવામાં આવે છે. આ ત્રણેય કેટેગરીમાં તક અને જોખમ હોય છે, જેને મલ્ટી-કેપ પોતાના હિસાબથી સામેલ કરે છે. સેબીના નિયમોના અનુસાર, માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ મુખ્ય 100 કંપનીઓ લાર્જ કેપ હોય છે અને ત્યારબાદ મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ હોય છે.
મલ્ટી-કેપ ફંડ્સમાં 75% પૈસા ઈક્વિટીમાં રોકાણ થાય છે
સેબીના નવા નિયમોના અનુસાર, મલ્ટી-કેપ ફંડમાં લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ત્રણેયમાં 25-25% હિસ્સો રાખવો પડશે. ફંડ મેનેજરને ઓછામાં ઓછા 75% ઈક્વિટી અને ઈક્વિટી ઓરિએન્ટેડ ફંડમાં રોકાણ રાખવું પડશે.
ધારો કે ફંડ મેનેજર પાસે રોકાણકારોના કુલ 100 રૂપિયા છે. અહીં ફંડ મેનેજરને ઓછામાં ઓછા 75 રૂપિયા ઈક્વિટી અને ઈક્વિટી ઓરિએન્ટેડ ફંડમાં રોકાણ કરવા પડશે. જેમાં 25-25 રૂપિયા લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ત્રણેયમાં રોકાણ કરવું પડશે. બાકીના બચેલા 25 રૂપિયા ફંડ મેનેજર પોતાના હિસાબથી રોકાણ કરી શકે છે.
તેમાં ઓછું જોખમ રહે છે
જો તમે ઈક્વિટી ફંડ્સમાં રોકાણ કરવા માગો છો પરંતુ વધારે જોખમ લેવા નથી માગતા તો તમે ટોપ-રેટેડ મલ્ટી કેપ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ આ ફંડ્સ સારી રીતે ડાઈવર્સિફાઈડ પણ હોય છે. આ ફંડ્સ, માર્કેટના સ્થિર થવા પર, સ્મોલ મિડ કેપ ફંડ્સની તુલનામાં ઓછું રિટર્ન આપી શકે છે પરંતુ અસ્થિર બજારની સ્થિતિમાં આ ફંડ ઓછા રિસ્કી હોય છે. તેથી જો તમને એક એવું ફંડ જોઈતું હોય જેમાં રિસ્ક ઓછું હોય તો મલ્ટી-કેપ ફંડ્સ તમારા માટે યોગ્ય રોકાણની પસંદગી બની શકે છે.
કેટલો ટેક્સ ભરવો પડશે?
12 મહિનાથી ઓછા સમયમાં રોકાણ ચૂકવણી પર ઈક્વિટી ફંડ્સમાંથી કમાણી પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ (STCG)ટેક્સ લાગે છે. તે વર્તમાન નિયમોના અનુસાર કમાણી પર 15% સુધી વસૂલવામાં આવે છે. જો તમારું રોકાણ 12 મહિનાથી વધારે માટે છે તો તેને લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) માનવામાં આવશે અને તેના પર 10% વ્યાજ આપવું પડશે.
મલ્ટી કેપ ફંડ્સમાં કોણે રોકાણ કરવું જોઈએ?
રોકાણકારો જે ઈક્વિટીમાં રોકાણ કરવા માગે છે, પરંતુ વધારે જોખમ લેવા નથી માગતા તો આ ફંડમાં રોકાણ કરી શકાય છે. આ ફંડ માર્કેટ કેપ પર રોકાણ કરે છે તેથી તે પોર્ટફોલિયોમાં સારું ડાયવર્સિફાઈ આપે છે. રોકાણકારો કે જેઓ એક જ પોર્ટફોલિયોમાં જોખમ અને અસ્થિરતા વચ્ચે સંતુલન રાખવા માંગે છે, તેઓ પણ મલ્ટી-કેપ ફંડ્સનો વિકલ્પ પસંદ કરી શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આ ફંડ્સે સારું રિટર્ન આપ્યું
ફંડનું નામ | છેલ્લા 1 વર્ષમાં રિટર્ન (%) | છેલ્લાં 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં) | છેલ્લાં 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં) |
પ્રિન્સિપલ મલ્ટી કેપ ગ્રોથ ફંડ | 62.1 | 14.3 | 15.7 |
આદિત્ય બિરલા સન લાઈફ ઈક્વિટી ફંડ | 62.0 | 15.1 | 15.6 |
SBI મેગ્નમ મલ્ટી કેપ ફંડ | 57.8 | 14.8 | 14.2 |
BNP પરિબાસ મલ્ટી કેપ ફંડ | 55.3 | 15.2 | 13.9 |
મિરાએ એસેટ ઈન્ડિયા ઈક્વિટી ફંડ | 51.5 | 15.7 | 16.0 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.