પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ અટલ પેન્શન યોજના (APY) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ને લઈને ડેટા જાહેર કર્યો છે. તેના અંતર્ગત છેલ્લા 1 વર્ષમાં (30 જૂન 2021 સુધી) આ યોજનાઓમાં સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં 24%નો વધારો થયો છે. તેની સાથે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંતર્ગત વિવિધ યોજનાઓમાં સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધીને 4.35 કરોડ સુધી પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં બંને યોજનાઓ સાથે જોડાયેલા સબસ્ક્રાઈબર્સની સંખ્યા 3.59 કરોડ હતી.
એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ પણ 33% વધ્યું
PFRDAના અનુસાર, 30 જૂન, 2021 સુધી કુલ પેન્શન એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 6.17 લાખ કરોડ રૂપિયા છે જે વાર્ષિક ધોરણે 32.67%ની વૃદ્ધિ દર્શાવે છે. અટલ પેન્શન યોજના અંતર્ગત અંશધારકોની સંખ્યા 30 જૂન સુધી 33.95% વધીને 2.88 કરોડ પહોંચી ગઈ છે.
અટલ પેન્શન યોજનામાં 5 હજાર રૂપિયા પેન્શનના મળે છે
અટલ પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષ થવા પર દર મહિને 1000થી લઈને 5000 રૂપિયાનું પેન્શન મળે છે. તેમાં 18 વર્ષથી 40 વર્ષ સુધી વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે. કોઈ વ્યક્તિ આ સ્કિમ લે છે તો તેને ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવું પડશે.
સ્કિમમાં સામેલ થવા માટે સેવિંગ બેંક અકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. 1થી 5 હજાર રૂપિયા દર મહિને પેન્શન લેવા માટે સબસ્ક્રાઈબરને 42થી લઈને 210 રૂપિયા દર મહિને ચૂકવવા પડશે.
NPS સારો વિકલ્પ છે
નેશનલ પેન્શન સ્કિમ (NPS)માં 18થી 60 વર્ષની કોઈપણ વ્યક્તિ સામેલ થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ તેના કામકાજી જીવન દરમિયાન પેન્શન ખાતામાં નિયમિત રીતે યોગદાન આપી શકે છે. ભેગા થયેલા પૈસાનો એક હિસ્સો તે એક વખતમાં ઉપાડી પણ શકે છે અને બાકીની રકમનો ઉપયોગ રિટાયર્મેન્ટ બાદ નિયમિત આવક પ્રાપ્ત કરવા માટે કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.