લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPG અથવા કૂકિંગ ગેસની ડિલિવરી માટે જોવામાં આવી રહેલી લાંબા સમયથી રાહનો અંત આવવા જઈ રહ્યો છે. ઇન્ડેન નામથી ગેસ વેચનારી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) તત્કાલ LPG સેવા લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સેવા અંતર્ગત બુકિંગના દિવસે ગ્રાહકને ગેસ સિલિન્ડર પહોંચાડવામાં આવશે.
દરેક રાજ્યના એક જિલ્લાથી સેવા શરૂ થશે
IOCLના ઉચ્ચ અધિકારીના જણાવ્યાનુસાર, તત્કાલ LPG સેવા 1 ફેબ્રુઆરીએ શરૂ થશે. આ સેવા ઓછામાં ઓછી એક જિલ્લા અથવા દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય શહેરથી શરૂ થશે. તેમના જણાવ્યા પ્રમાણે, ગેસ સિલિન્ડરની ડિલિવરી ગ્રાહકને આ સેવા હેઠળ બુકિંગ કર્યા બાદ 45 મિનિટની અંદર સુનિશ્ચિત કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ઇઝ ઓફ લિવિંગ સિદ્ધાંત અને સેવાઓ સુધારવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.
ઇન્ડેન પાસે લગભગ 14 કરોડ ગ્રાહકો છે
દેશમાં લગભગ 28 કરોડ LPG ગ્રાહકો છે. તેમાંથી આશરે 140 કરોડ ગ્રાહકો ઇન્ડેન પાસે છે. આ બાબતથી પરિચિત અધિકારીના જણાવ્યા મુજબ, તત્કાલ યોજના માટે ડીલર્સના કરન્ટ ડિલિવરી નેટવર્કનો જ ઉપયોગ કરવામાં આવશે. આ સેવા મેળવવા માટે ગ્રાહકોએ ડિલિવરી દીઠ 25 રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડશે. એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સંક્રાંતિ ઉત્સવને ધ્યાનમાં રાખીને આ યોજના 16 જાન્યુઆરીથી ગ્રેટર હૈદરાબાદમાં લોન્ચ કરી દેવામાં આવી છે.
સવારે 8થી બપોરે 2 વાગ્યા વચ્ચે બુકિંગ કરાવવાનું રહેશે
IOCL અધિકારીના જણાવ્યા અનુસાર, તત્કાલ LPG સેવા મેળવવા ગ્રાહકોએ સવારે 8થી બપોરે 2 વાગ્યાની વચ્ચે બુકિંગ કરાવવાનું રહેશે. IOCL તત્કાલ LPG સેવા સાથે નવી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. આ સેવા અંતર્ગત ગ્રાહકોને ઓનલાઇન બુકિંગના આધારે ડિલિવરી કરવામાં આવશે.
વર્ષ 20210માં આવી સુવિધા શરૂ થઈ હતી
આ પહેલીવાર નથી જ્યારે તત્કાલ ગેસ ડિલિવરી સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે. જુલાઈ 2010માં તત્કાલીન તેલમંત્રી મુરલી દેવડાએ પ્રિફર્ડ ટાઇમ LPG ડિલિવરી સ્કીમ લોન્ચ કરી હતી. આ યોજના અંતર્ગત સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ગેસ સિલિન્ડર ગ્રાહકોને પહોંચાડવામાં આવ્યા હતા. આ માટે ડિલીવરી દીઠ 20 થી 50 રૂપિયાની વધારાની ફી લેવામાં આવતી હતી. LPGના એક વેપારીના જણાવ્યા મુજબ, ઓછી માહિતીને કારણે ગ્રાહકો આનો લાભ લઈ શક્યા ન હતા. તેથી, આ યોજના બંધ કરી દેવી પડી હતી.
ગેસ સિલિન્ડરની ડિલિવરીમાં 30 દિવસથી વધુ રાહ જોવી પડે છે
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMAU) હેઠળ ગેસ સિલિન્ડરની ડિલિવરીમાં વિલંબ અંગે કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG)એ ડિસેમ્બર 2019માં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ 3.662 મિલિયન સિલિન્ડરમાંથી 5.94 લાખની ડિલિવરી 30 દિવસ કરતાં વધુ મોડી થઈ હતી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 1209 LPG ડિસ્ટ્રિબ્યુટર્સે 100થી વધુ ગેસ સિલિન્ડરની ડિલિવરી 30 દિવસથી વધુ મોડી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.