ટોઇલેટમાં બેઠેલી મહિલાનો વેક્યૂમ ક્લિનરે ફોટો પાડ્યો:સોશિયલ મીડિયા પર લીક થયો ફોટો; સાવધાન, તમારું સ્માર્ટ ટીવી અને સ્માર્ટફોન તમારા પર ચાંપતી નજર રાખે છે!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેનેઝુએલામાં ટોઇલેટ સીટ પર બેઠેલી એક મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. લો એન્ગલથી પાડવામાં આવેલો આ ફોટો કોઈ વ્યક્તિએ નહિ, પણ ટોઇલેટ સાફ કરી રહેલા એક રોબો વેક્યૂમ ક્લીનરે પાડ્યો હતો. આજકાલ આપણે ઘરમાં અનેક પ્રકારનાં સ્માર્ટ ડિવાઈસિસનો ઉપયોગ કરીએ છીએ અને આ તમામ ડિવાઈસિસમાં કેમેરા અને માઈક્રોફોન આવે છે. તમારી અંગત માહિતીને અંગત રાખવાનું કામ એકદમ જોખમકારક બની ગયું છે. આ કોઈ પહેલો કિસ્સો નથી, જેમાં આ પ્રકારની ઘટના ઘટી છે. આ પહેલા અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી ચૂકી છે અને એટલા માટે આજે કામના સમાચારમાં આપણે જાણીશું કે, આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસ રહેલા કયા-કયા ડિવાઈસીસને હેક કરી શકાય? અને એ પણ જાણીશું કે આ ડિવાઈસીસ હેક ન થાય તે માટે તમે શું કરી શકો?

આજના અમારા એક્સપર્ટ છે..
પુશ્કલ પાંડે, ડાયરેક્ટર, તથ્યા ફોરેન્સિક વિંગ ફેડરેશન, નોઈડા
વરાલિકા નિગમ, PHD સ્કોલર ઓફ લો, લખનઉ યુનિવર્સિટી
અમિત કુમાર, DCP ક્રાઈમ, ભોપાલ

જો તમારાં સ્માર્ટ ડિવાઈસ હેક થઈ જાય તો તમારે કેવી-કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે?
વર્ષ 2020માં વિક્રમ ભટ્ટે એક ફિલ્મ બનાવી હતી ‘હેક્ડ’, જેમાં ટેલિવિઝન અભિનેત્રી હિના ખાન, રોહન શાહ અને મોહિત મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. તમારા સ્માર્ટ ડિવાઈસ હેક થઈ જાય ત્યારે તમારે જીવનમાં કેવી-કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે? તે તમે આ ફિલ્મનાં માધ્યમથી સારી રીતે જાણી અને સમજી શકશો.

સ્માર્ટ ડિવાઈસ હેક થવાથી થતાં 4 સૌથી મોટાં નુકસાન...

  • ફાઇનાન્શિયલ લોસ - તમારું સ્માર્ટ ડિવાઈસ તમારા બેન્કની માહિતી હેક કરનાર વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે.
  • સેફ્ટી ઈસ્યુઝ - ડિવાઈસ હેક થયા પછી તમારી લોકેશન અને તમારી અંગત માહિતી ક્રિમિનલ્સને સરળતાથી મળી શકે છે.
  • ડેટા લીક - તમારી અંગત માહિતી અંગત રહેતી નથી તે સરળતાથી ઈન્ટરનેટ પર લીક થઈ શકે છે.
  • આઈડેન્ટિટીની ચોરી - અત્યારનાં ડિજિટલ યુગમાં આપણે મોટાભાગે કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં આપણા તમામ પ્રકારનાં ડૉક્યુમેન્ટ્સને સાચવી રાખીએ છીએ પણ તમારી આ આદત તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે હેકર્સ તમારું સ્માર્ટ ડિવાઈસ હેક કરે ત્યારે તે સૌથી પહેલાં તમારી શક્ય તેટલી અંગત માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે અને પછી તમારી આઈડેન્ટિટીનો ઉપયોગ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે ને તમને આરોપી બનાવીને પોતે તમારી આઈડેન્ટિટીનો ઉપયોગ કરીને તમારી જગ્યા લઈ લે છે ને તમારું જીવન જીવવા લાગે છે.

પ્રશ્ન- શું કોઈપણ ડિવાઈસમાં લગાવવામાં આવેલા કેમેરાનો ખોટી રીતે ઉપયોગ થઈ શકે?
જવાબ-
હા, ચોક્કસ. તમે જેટલાં પણ ડિવાઈસનો ઉપયોગ કરો છો તે ઈન્ટરનેટથી કનેક્ટ હોય છે એટલા માટે કેમેરાનો ખોટા કામ માટે ઉપયોગ કરવો એકદમ સરળ બની જાય છે.

આ રીતે ઓળખો કે તમારા ડિવાઈસનો કેમેરો હેક થયો છે કે નહિ

  • જે પણ ડિવાઈસમાં કેમેરો આપવામાં આવ્યો છે, તેમાં કેમેરાની બાજુમાં જ એક ઈન્ડિકેટર લાઈટ હોય છે. ચેક કરો કે, તમે કેમેરો એક્સેસ નથી કરતા તો પણ તે લાઈટ ક્યાંક ચાલુ તો નથી રહેતી ને?
  • જો ડિવાઈસ ઓન કરતાં જ તે લાઈટ ઓટોમેટિક ઓન થઈ જાય છે તો તમારા ડિવાઈસમાં કોઈ ગડબડ હોઈ શકે. આ સમયે જો શક્ય બને તો તમારા ડિવાઈસમાંની કોઈપણ વસ્તુનો બેકઅપ લીધા વગર જ તેને રીસેટ કરી દો અને ડિવાઈસની તમામ વસ્તુઓ ડિલીટ કરી દો.
  • ડિવાઈસની એપ્લિકેશન્સને એક-એક વાર ખોલીને ચેક કરો. જે એપ્લિકેશનને ઓન કરતાં પરમિશન વગર જ લાઈટ ઓન થઈ જાય છે તો સમજી જવું કે, આ એપ્લિકેશનનાં માધ્યમથી તમારો કેમેરો હેક થઈ રહ્યો છે.
  • જો કમ્પ્યૂટર કે લેપટોપમાં આ સમસ્યા દેખાઈ તો તુરંત જ રાઈટ ક્લિક કરીને ‘ટાસ્ક મેનેજર’ વિકલ્પ પસંદ કરો. તેમાં જઈને તમે ચેક કરો કે, તમારી પરમિશન વગર તમારો વેબકેમ ચાલી રહ્યો છે કે નહી?
  • સ્માર્ટ ડિવાઈસ પરની તમામ એપ્લિકેશનો બંધ કરીને વેબકેમ ખોલીને જુઓ. જો એવો પોપઅપ મેસેજ આવે કે તમારો કેમેરો પહેલાંથી જ ઓપન છે તો સમજી જજો કે, તમારો કેમેરા હેક થઈ ચૂક્યો છે.
  • ફોટો ગેલરીમાં જો કોઈ એવી ફોટો કે વીડિયો જોવા મળે કે, જે તમે ક્યારેય પાડ્યા જ ન હોય કે પછી તે તમારા ફોનમાં કેવી રીતે આવ્યા તેના વિશે ખ્યાલ જ ન હોય તો સમજી જજો કે, ફોનમાં કંઈક ગડબડ છે, તુરંત જ કોઈપણ બેકઅપ લીધા વગર ફોનને ફેક્ટરી રિસેટ મારી દો.
  • માલવેર સ્કેન કરીને જુઓ. ઘણીવાર માલવેર સોફ્ટવેરનાં માધ્યમથી કેમેરા હેક થઈ શકે છે.

કેમેરા હેકિંગથી બચવા માટે આ ટિપ્સ અપનાવો...

  • તમારા ડિવાઈસના કેમેરાને કોઈ ટેપથી ઢાંકી દો. તેના માટે માર્કેટમાં અનેક પ્રકારનાં સ્ટિકર્સ મળી રહે છે.
  • એ વાતની ખાસ કાળજી રાખવી કે, આ ટેપ લગાવવાનાં કારણે તમારા ડિવાઈસને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે.
  • એક સારો અને વિશ્વસનીય એન્ટિ-વાઈરસ સોફ્ટવેર ડિવાઈસમાં ઈન્સ્ટોલ કરીને રાખવો.
  • અજાણી લિંક્સ પર ક્લિક ન કરો. અજાણ્યા સોર્સમાંથી એપ્સ ડાઉનલોડ ન કરો.
  • સિક્યોર વાઈ-ફાઈનો જ ઉપયોગ કરો.

પ્રશ્ન - કેવી રીતે ખ્યાલ આવશે કે તમારો સ્માર્ટફોન કે ટીવી હેક થઈ ચૂક્યું છે?
જવાબ -
આ રીતે ઓળખો કે તમારું સ્માર્ટ ટીવી હેક થઈ ચૂક્યું છે...

  • ટીવીની સ્ક્રીન પર પોપઅપ મેસેજ દેખાવા લાગશે.
  • ટીવીનું રિમોટ યોગ્ય રીતે કામ કરતું હોવા છતાં તમે રિમોટથી ટીવીને કંટ્રોલ કરી શકશો નહીં.
  • ટીવીની સ્પીડ અચાનક સ્લો થઈ જાય.
  • ટીવીનાં સેટિંગ્સ આપમેળે જ બદલી જાય.
  • ડાઉનલોડ જ ન કરી હોય તેવી ફાઈલ્સ અને એપ્સ ટીવી પર દેખાવા લાગે.
  • તમે એમેઝોન, નેટફ્લિક્સ જેવી એપ્લિકેશનનાં એકાઉન્ટ્સમાંથી જાતે જ લોગઆઉટ થઈ જાવ અને તમે પાછા લોગ-ઈન કરવાની ટ્રાય કરો તો પણ લોગ-ઈન ન થવા દે.

આવી રીતે ઓળખો કે તમારો સ્માર્ટફોન હેક થઈ ગયો છે...

  • કોલ દરમિયાન તમને વિચિત્ર અવાજો સાંભળવા મળે.
  • ફોનની બેટરીની કેપેસિટીમાં એકાએક ઘટાડો આવે.
  • જ્યારે તમે ફોનનો ઉપયોગ નથી કરતા ત્યારે પણ ફોનની સ્ક્રીન ઓન જ રહે અને તેમાં કોઈ એક્ટિવિટી ચાલુ છે તેવો પોપઅપ મેસેજ દેખાય.
  • ફોન સ્વિચ ઓફ થવામાં વધુ પડતો સમય લે.
  • જ્યારે તમે ફોનનો ઉપયોગ કરતા નથી તો પણ તે ગરમ થવા લાગે.
  • તમારો ફોન એકાએક વધુ પડતો ડેટા યૂઝ કરવા લાગે.

પ્રશ્ન- હું આખો દિવસ સ્માર્ટવોચ પહેરી રાખુ છું, તે હેક થઈ જાય તો મને શું-શું નુકસાન થઈ શકે?
જવાબ-
હા, તમને વિશ્વાસ નહીં આવે, પણ તમારી સ્માર્ટવોચ પણ હેક થઈ શકે છે. ઘણીવાર તમે ઘરનાં તમામ સ્માર્ટ ડિવાઈસને તમારી સ્માર્ટવોચ સાથે કનેક્ટ કરી દો છો. જો સ્માર્ટવોચ હેક થઈ જાય તો હેકરને તમારી સ્માર્ટવોચ સાથે આ તમામ સ્માર્ટ ડિવાઈસ એક્સેસ કરવાની પરમિશન મળી જાય છે. એક રીતે કહી શકો કે, તમારા આખા ઘરનો કંટ્રોલ તે વ્યક્તિના હાથમાં ચાલ્યો જાય છે.

પ્રશ્ન- શું તે સાચું છે કે, તમારી ઈચ્છા વગર પણ તમારા ફોનમાં ફોટો પડી શકે છે અથવા તો તમારી અંગત પળોનું રેકોર્ડિંગ થઈ શકે છે?
જવાબ-
હા, એ વાત સાચી છે. જો તમારું ડિવાઈસ હેક થઈ ગયું હોય તો તમારા એક્સેસ વગર પણ ડિવાઈસનો કેમેરા અને માઈક્રોફોન ઓન થઈ શકે છે અને તમારી અંગત પળો અને તમારી વાતોને કોઈ રેકોર્ડ કરી શકે છે.

પ્રશ્ન- સાયબર સિક્યોરિટી અંગે દેશમાં શું કાયદો છે?
જવાબ-
સાયબર સિક્યોરિટી માટે આપણા દેશમાં ‘ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000’ છે. હાલ તો ડેટા પ્રોટેક્શન માટે કોઈ જ કડક નિયમ નથી. તેના માટે ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ રજુ કરવામાં આવ્યું છે.

પ્રશ્ન- સાયબર ક્રાઈમ થાય તો ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી?
જવાબ-
સાયબર ક્રાઈમ માટે આખા દેશમાં એક જ હેલ્પલાઈન નંબર છે 1930, જે ડાયલ કરીને તમે તેના પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તે સિવાય દરેક જિલ્લામાં એક સાયબર ક્રાઈમની ડિસ્ટ્રિક્ટ યુનિટ પણ હોય છે, જ્યાં જઈને તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

પ્રશ્ન- બાળકોને સ્માર્ટ ડિવાઈસ આપતાં પહેલાં કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ-
બાળકોને સ્માર્ટ ડિવાઈસ આપતાં પહેલાં આ 5 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • આજકાલ દરેક ડિવાઈસમાં ચાઈલ્ડ લોક ફીચર મળે છે. બાળકોનાં હાથમાં સ્માર્ટ ડિવાઈસ આપતાં પહેલાં આ ફીચર ઓન કરી દેવું.
  • આ ડિવાઈસીસનો બાળકો કેટલા સમય માટે ઉપયોગ કરી શકે છે? તે સમય ફિક્સ કરો.
  • બાળકોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખો.
  • બાળકોને ઈન્ટરનેટ પર અંગત માહિતી શેર કરતા અટકાવવા.
  • બાળકોને સમજાવો કે, તે કોઈ સાથે પોતાના પાસવર્ડ શેર ન કરે.
  • તેઓને સમજાવવું કે, ક્યારેય પણ પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ ન કરે.

પ્રશ્ન- બાળકોને ઓનલાઈન ક્લાસીસ માટે ક્યું ડિવાઈસ આપવું યોગ્ય ગણાશે - સ્માર્ટફોન, ટેબલેટ કે લેપટોપ?
જવાબ-
ઓનલાઈન ક્લાસીસ માટે તમે બાળકોને સ્માર્ટફોન, ટેબલેટ કે લેપટોપ કોઈપણ ડિવાઈસ આપી શકો છો પણ ડિવાઈસ આપતાં પહેલાં એ વાતની ખાતરી કરી લેવી કે, તેમાં ચાઈલ્ડ લોક ફીચર ઓન કરવામાં આવ્યું છે કે નહી. આ સાથે જ બાળકોને આ ડિવાઈસનાં વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન અંગે પણ જાગૃત કરવા.

જાણવા જેવું
આ છે સ્માર્ટફોનના અમુક જરૂરી કોડ્સ
*#06# : આ નંબર ડાયલ કરીને તમે તમારા ડિવાઈસનાં IMEI નંબર જાણી શકો છો.
*#61# : ઘણીવાર સ્કેમર્સ તમારા કોલ્સને બીજા નંબર પર ડાઇવર્ટ કરી દે છે, આ નંબર ડાયલ કરીને તમે જાણી શકો છો કે તમારી સાથે તો આવું નથી થયું ને?
#21# : આ કોડથી કોલ ફોરવર્ડિંગ ડિએક્ટિવેટ કરી શકાય.
*#21# : આ કોડથી તમે જાણી શકો છો કે, તમારો ફોન ટેપ થઈ રહ્યો છે કે નહિ.
*#*#7780#*#* : આ કોડનો ઉપયોગ કરીને તમે તમારા ફોનને ફેક્ટરી રિસેટ કરી શકો છો. તેનાથી તમારો ફોનનો બધો જ ડેટા ખતમ થઈ જાય છે.
*#*#34971539#*# : આ કોડથી તમે ફોનના કેમેરા સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો.