ભાડૂઆતે ફ્લેટ ખાલી ન કર્યો:મકાનમાલિક 10 દિવસ સુધી સીડી પર બેસી રહ્યો, મકાન ભાડે આપનારાઓ આ કાયદાકીય અધિકારો વિશે સમજી લો

17 દિવસ પહેલા

ગ્રેટર નોઈડામાં ભાડુઆતે ફ્લેટ ખાલી કરવાની ના પાડી દીધી હતી. પોતાનાં ફ્લેટની બહાર સીડી પર 10 દિવસ સુધી બેઠાં રહેલાં આ વૃદ્ધ દંપતી આખરે પોતાનાં ફ્લેટમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યું હતું. વાસ્તવમાં સુનીલ કુમાર મુંબઈમાં કામ કરતા હતા અને નિવૃત્ત થયા બાદ જ્યારે તે પત્ની રાખી ગુપ્તા સાથે નોઈડા તેનાં ફ્લેટમાં રહેવા આવ્યાં ત્યારે ભાડુઆતે ઘર ખાલી કર્યું ન હતું. ભાડા કરાર એક મહિના પહેલાં જ પૂરો થઈ ગયો હતો તેમછતાં ભાડૂઆતે તેમનો ફ્લેટ ખાલી કર્યો નહોતો. ફ્લેટનાં માલિકે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. આજે જરૂરિયાતના સમાચારમાં સુપ્રીમ કોર્ટનાં એડવોકેટ શશી કિરણ અને એડવોકેટ સચિન નાયક સાથે મકાનમાલિક અને ભાડૂઆતનાં અધિકારો વિશે વાત કરીએ.

પ્રશ્ન-1: મકાન ભાડે આપતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
જવાબ:
મકાન ભાડે આપતી વખતે મકાન માલિકે નીચે લખેલી વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

11 મહિનાનો ભાડા કરાર

 • ભાડાં કરાર 11 મહિના માટેનો હોવો જરૂરી છે.
 • તેને નોટરાઈઝ અથવા રજિસ્ટ્રાર પાસે જઈને રજિસ્ટ્રી કરાવવી જરૂરી છે.
 • જો ભાડૂઆત 11 મહિના પછી ઘર અથવા દુકાન ખાલી કરવાની ના પાડે છે તો ભાડા કરાર કોર્ટમાં રજૂ કરીને તેની સામે ફરિયાદ કરી શકો છો.
 • મકાનમાલિક 11 મહિના પછી પણ જૂનાં ભાડૂતને રાખવા માગે છે, તો તેણે ભાડા કરાર રિન્યૂ કરવો પડશે.

ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન

 • મિલકત ભાડે આપતાં પહેલાં પોલીસ વેરિફિકેશન જરૂરી છે.
 • અંગત રીતે મકાનમાલિકે આ કામ કરવું જોઈએ.
 • પોલીસ પાસે ભાડૂઆતનું વેરિફિકેશન ફોર્મ પણ હોવું જોઈએ.
 • તેને ભરવા માટે ભાડુઆતનો ફોટો, આધાર કાર્ડની કોપી બધુ જ જમા કરાવવાનું રહેશે.
 • જો ભાડુઆતનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હશે તો પોલીસ વેરિફિકેશનથી ખબર પડશે.

અગાઉના મકાનમાલિકની પૂછપરછ
જ્યારે પણ તમે ભાડૂઆતને પોતાનું ઘર કે દુકાન આપો ત્યારે શક્ય હોય તો ભાડૂઆતનાં અગાઉના માલિક પાસેથી ભાડૂઆતનો રેકોર્ડ તપાસો. તેના વર્તનથી ખબર પડશે કે તે સમયસર ભાડું ચૂકવશે કે નહીં.

પ્રશ્ન-2: ભાડૂઆતને ઘર ખાલી કરાવવા અંગે કાયદો શું કહે છે?
જવાબ:
મોડેલ ભાડૂઆત અધિનિયમ, 2021, કલમ-21 અને 22માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે મકાનમાલિક દ્વારા ભાડૂઆતને તેનાં ઘરમાંથી ક્યારે કાઢી શકાય છે? આ અંગે ઉપરનાં ગ્રાફિક્સમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ માટે મકાન માલિકે રેન્ટ કોર્ટમાં મિલકતનાં કબજા ખાલી કરાવવા અને તેની વસૂલાત માટે અરજી કરવાની રહેશે.

મોડેલ ટેનન્સી એક્ટ, 2021 ગયા વર્ષે જૂનમાં લાગુ કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ કેટલીક મહત્વની વાતો...

 • મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે રિટર્ન એટલે કે લેખિત ભાડા કરાર હોવા જોઈએ.
 • આ કરારમાં ભાડુઆત કેટલો સમય રોકાશે? કેટલું ભાડું ચૂકવાશે? કેટલી રકમની ડિપોઝીટ ચૂકવાશે? તે જાણી શકાશે. જો આ કરાર રિન્યુ કરવામાં આવે તો કેટલાં ટકા નાણાં વધશે તેનો ઉલ્લેખ કરવામાં આવશે.
 • તેની સાથે ઘર કે ફ્લેટમાં રહેવાની તમામ શરતોનો ઉલ્લેખ કરવો જોઈએ.
 • મોડેલ ટેનન્સી એક્ટની કલમ-5 મુજબ ભાડા કરાર ચોક્કસ સમય સુધીમાં જ કાયદેસર ગણાશે.
 • આ કરારની તારીખ પૂરી થયા બાદ મકાન માલિક ફરીથી એ જ ભાડૂઆતને રાખવા માગે છે તો તેણે નવો કરાર કરવો પડશે.
 • જો એગ્રીમેન્ટની તારીખ પૂરી થઈ ગઈ હોય અને એગ્રીમેન્ટ રિન્યુ ન થયું હોય તો આવી સ્થિતિમાં ભાડૂઆતે મકાન ખાલી કરવું પડશે.
 • જો ભાડૂઆત મકાન ખાલી કરવામાં અસમર્થ છે એટલે કે કોઈ કારણસર મકાન ખાલી કરી શક્યો નથી, તો તેણે મકાન માલિકને વધેલું ભાડું ચૂકવવું પડશે.

પ્રશ્ન-3: ભાડૂઆત પાસેથી મકાન, ફ્લેટ અને દુકાન કેવી રીતે ખાલી કરાવી શકાય?
જવાબ:
આ માટે કાયદામાં કેટલીક પદ્ધતિઓ નિર્ધારિત કરવામાં આવી છે, જે નીચે મુજબ છે...

 • ભાડૂઆતને પહેલાં કાનૂની નોટિસ દ્વારા મકાન ખાલી કરવા અંગે જાણ કરવી.
 • જો તે સંમત ન થાય તો પોલીસની મદદ લો.
 • રેન્ટ કંટ્રોલ ઓથોરિટીમાં અરજી દાખલ કરીને તમે તમારાં ઘરને ખાલી કરાવી શકો છો.
 • જો ભાડુઆત બળજબરીથી તમારી સંપત્તિ પર કબજો કરે છે તો તરત જ 100 નંબર ડાયલ કરો.

પ્રશ્ન-4: નોઈડા વાળાં કેસમાં ફ્લેટ માલિક સિનિયર સિટીઝન હોવાથી તે સંદર્ભમાં કાયદો શું કહે છે?
જવાબ: સિનિયર સિટીઝન એક્ટ દ્વારા વૃદ્ધ નાગરિકો પોતાની મિલકતમાંથી કબ્જેદારને બહાર કાઢી શકે છે.

પ્રશ્ન-5: શું ભાડૂઆત ઘર ખાલી કરવાની ના પાડી શકે?
જવાબ:
તે એવું બિલકુલ ન કરી શકે. હા, જો તેને એગ્રીમેન્ટ ચાલુ હોય ને તેને ઘર ખાલી કરવાનું કહેવામાં આવે તો તે ના પાડી શકે છે. તેણે પોતાની મજબૂરી મકાન માલિકને જણાવવી પડશે. તેમની પાસેથી ઘર ખાલી કરવા માટેનો સમય માગવો પડશે. બીજી તરફ જો ભાડુઆતનું વલણ યોગ્ય ન હોય, તેનું વર્તન અસામાજિક હોય તો તે મકાન ખાલી કરવાની ના પાડી શકે નહીં.

પ્રશ્ન-6: જો ભાડુઆત મકાન ખાલી ન કરે અને મકાનમાલિક સાથે ખરાબ વર્તન કરે તો મકાનમાલિકે શું કરવું જોઈએ?
જવાબ: પોલીસને ફરિયાદ કરો અથવા 100 નંબર ડાયલ કરો. મકાન માલિક ભાડુઆત સાથે ગેરવર્તણૂંક કરે તો ભાડુઆત પણ પોલીસમાં ફરિયાદ કરી શકે છે.

જાણવા જેવું
એવું નથી કે ફક્ત મકાનમાલિકને જ કાનૂની અધિકાર છે. ભાડૂઆત પાસે પણ આ અધિકારો છે...

 • મોડલ ટેનન્સી એક્ટ હેઠળ ભાડૂઆતને ભાડા કરારમાં લખેલી ડેડલાઈન પહેલાં હટાવી શકાય નહીં સિવાય કે તેણે સતત બે મહિના સુધીનું ભાડું ન ચૂકવ્યું હોય અથવા તે પ્રોપર્ટીનો દુરુપયોગ કરી રહ્યો હોય.
 • મકાનમાલિક સિકયોરીટી ડિપોઝીટ તરીકે 2 મહિનાનાં ભાડાં કરતાં વધારે રકમ ના લઈ શકે.
 • ભાડુઆતને દર મહિને ભાડાની ચુકવણી પર રસીદ લેવાનો અધિકાર છે. જો મકાન માલિક ભાડુઆતને સમય પહેલા હટાવી દે છે તો તે રસીદ કોર્ટમાં પુરાવા તરીકે બતાવી શકે.
 • ભાડુઆતને તમામ સંજોગોમાં વીજળી અને પાણી લેવાનો અધિકાર છે. કાયદા મુજબ વીજળી અને પાણી કોઈપણ વ્યક્તિની પાયાની જરૂરિયાત છે.
 • ભાડુઆતને ઘર કે મકાન ખાલી કરવાનું ચોક્કસ કારણ જાણવાનો અધિકાર છે.
 • જો મકાનમાલિક તેનાં પર ભાડા કરારમાં નક્કી કરેલી શરતો સિવાય અન્ય કોઈ શરત લાદે છે અથવા અચાનક ભાડામાં વધારો કરે છે તો તે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે.
 • જો ભાડૂઆત ઘરમાં ન હોય તો મકાન માલિક પોતાના ઘરનું તાળું તોડી શકતો નથી કે તમે તેનો સામાન બહાર ફેંકી શકતા નથી, આમ કરવાથી તેમનાં પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
 • મકાન માલિક જાણ કર્યા વગર ભાડુઆતનાં ઘરે આવી શકતો નથી કે તેનો કોઈપણ સામાન ચકાસી શકતો નથી.
 • તમે તમારાં ભાડૂઆત કે તેનાં પરિવારનાં સભ્યો પર હંમેશાં માટે નજર રાખી શકતાં નથી.