15 જૂન એટલે કે આજથી ગોલ્ડ જ્વેલરીનું હોલમાર્કિંગ ફરજિયાત થઈ ગયું છે. સરકારે નવેમ્બર 2019માં ગોલ્ડ જ્વેલરી અને ડિઝાઈન માટે હોલમાર્કિંગ ફરજિયાત કર્યું હતું. તેના માટે દેશના તમામ જ્વેલર્સને હોલમાર્કિંગ પર શિફ્ટ થવા અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)માં રજિસ્ટ્રેશન કરાવવા માટે 1 વર્ષથી વધુનો સમય આપ્યો હતો. બાદમાં જ્વેલર્સે આ ડેડલાઈનને વધારવાની માગ કરી હતી. તેને ધ્યાનમાં રાખતા ડેડલાઈનને 15 જાન્યુઆરી, 1 જૂન અને બાદમાં 15 જૂન કરવામાં આવી. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ ઉભા થયા છે કે તેમની પાસે રાખેલા જૂના સોનાનું શું થશે. અમે તમને આજે હોલમાર્કિંગ અને તેનાથી સંબંધિક કેટલીક બાબતો વિશે જણાવી રહ્યા છીએ.
સૌથી પહેલા સમજો હોલમાર્કિંગ શું છે?
હોલમાર્ક સરકારી ગેરંટી હોય છે. હોલમાર્ક ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)દ્વારા નક્કી કરવામાં આવે છે. હોલમાર્કિંગમાં કોઈપણ પ્રોડક્ટને નક્કી માપદંડો પર પ્રમાણિત કરવામાં આવે છે. BISએ તે સંસ્થા છે, જે ગ્રાહકોને આપવામાં આવતા સોનાની તપાસ કરે છે. સોનાના સિક્કા અથવા દાગીના પર હોલમાર્કની સાથે BISનો લોગો હોવો જરૂરી છે. તેનાથી એ જાણી શકાય છે કે BISની લાઈસન્સવાળી લેબમાં તેની શુદ્ધતાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
જો તમારી પાસે હોલમાર્કિંગ વગરનું સોનું છે તો તેનું શું થશે?
15 જૂન 2021 બાદ પણ હોલમાર્કિંગવાળુ સોનું એક્સચેન્જ કરી શકાશે. તે સિવાય જો તમે ઈચ્છો તો તમે તમારા જ્વેલર દ્વારા તમારા સોનાનું હોલમાર્કિંગ કરાવી શકો છો. મામલાના જાણકાર સંજય મંડોતના અનુસાર, BIS 5 વર્ષ માટે લાઈસન્સ ફી 11,250 રૂપિયા લઈને જ્વેલર્સને આ લાઈસન્સ આપે છે. ત્યારબાદ જ્વેલર્સ હોલમાર્ક સેન્ટર પર જઈને જ્વેલરીની તપાસ કરાવીને કેરેટના હિસાબથી હોલમાર્ક જારી કરાવે છે.
સામાન્ય માણસ જૂની જ્વેલરી પર સીધા સેન્ટર જઈને હોલમાર્ક કરાવી શકશે નહીં. તેમને સંબંધિત જ્વેલર દ્વારા જ આવવું પડશે. જો કે, તેઓ સેન્ટર પર સોનાની શુદ્ધતાની તપાસ ન્યૂનતમ રકમ આપીને કરાવી શકે છે.
BIS દ્વારા આ રીતે ગોલ્ડ હોલમાર્કિંગ થશે
2 ગ્રામથી વધુની જ્વેલરીને BIS દ્વારા માન્યતા પ્રાપ્ત સેન્ટરમાંથી તપાસ કરાવીને તેના પર સંબંધિત કેરેટનું BIS માર્ક લગાવવું પડશે. જ્વેલરી પર BISનું ત્રિકોણાકાર નિશાન, હોલમાર્કિંગ કેન્દ્રનો લોગો, સોનાની શુદ્ધતા લખેલી હશે. તે ઉપરાંત જ્વેલરી ક્યારે બનાવવામાં આવી, તેનું વર્ષ અને જ્વેલરીનો લોગો પણ હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.