• Gujarati News
 • Utility
 • Is There A Special Ward For The Transgender Community In A Hospital In India? What Other Rights Are Available In India?

જો ટ્રાન્સજેન્ડર ગર્ભવતી થાય તો:શું હોસ્પિટલમાં ટ્રાન્સજેન્ડર માટે કોઈ સ્પેશિયલ વોર્ડ છે? દેશમાં આ સમુદાયને બીજા કયા-કયા અધિકારો મળે છે?

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

‘ટ્રાન્સજેન્ડર’ શબ્દ સંપૂર્ણપણે તો નહિ, પણ આંશિક રીતે તો વિશ્વમાં સ્વીકાર્ય બની રહ્યો છે એવું લાગી રહ્યું છે. હાલ કેરળના કોઝિકોડમાં રહેતું ટ્રાન્સ કપલ- જિયા અને જહાદે એક ફોટો શેર કરીને કહ્યું હતું કે ‘તેઓ ટૂંક સમયમાં જ માતા-પિતા બનવાનાં છે.’ ભારતમાં આ પહેલી ઘટના હશે, જ્યારે કોઈ ટ્રાન્સજેન્ડર પુરુષ બાળકને જન્મ આપશે, પણ આ સમયે એક પ્રશ્ન જરૂર થશે કે સામાન્ય રીતે સ્ત્રીઓ ગર્ભવતી થાય છે તો તેમની ડિલિવરી માટે હોસ્પિટલમાં સંપૂર્ણ સુવિધા હોય છે અને તેમની ડિલિવરી માટેનો સ્પેશિયલ વોર્ડ હોય છે, પણ જ્યારે એક ટ્રાન્સજેન્ડર બાળકને જન્મ આપશે ત્યારે..?

શુક્રવારે દેશના પહેલા ‘ટ્રાન્સજેન્ડર વોર્ડ’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું
વર્ષોથી ડોકટરોએ અનુભવ્યું છે કે પુરુષ વોર્ડમાં દાખલ થવામાં આ ટ્રાન્સજેન્ડર સમુદાય અસ્વસ્થ અનુભવે છે અને અમે મહિલા દર્દીઓનો પ્રતિકાર પણ જોયો, તેથી ટ્રાન્સજેન્ડર લોકો માટે એક અલગ વોર્ડની જરૂરિયાત હંમેશાં અનુભવાતી હતી. તેમને કયા વોર્ડમાં પ્રવેશ આપવો? એ હંમેશાં એક ગંભીર મુદ્દો બનીને સામે આવીને ઊભો રહેતો હોય છે. ત્યારે હવે ટ્રાન્સજેન્ડર લોકોની સામાન્ય આરોગ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ હોય એવું લાગે છે. મુંબઈની GT હોસ્પિટલમાં પહેલા ‘ટ્રાન્સજેન્ડર વોર્ડ’નું ઉદઘાટન કરવામાં આવ્યું.

GT હોસ્પિટલે આ વોર્ડની સાથે જ એક કાનૂની સલાહકારની નિમણૂક પણ કરી છે. હોસ્પિટલમાં તેમના રોકાણ દરમિયાન તેમની સારવારની સાથે હોસ્પિટલ તેમને સેરો-સર્વેલન્સ અને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ માટે પણ તપાસ કરશે. ડો.સપલેએ જણાવ્યું હતું કે ‘વ્યસન આ સમુદાયમાં એક સામાન્ય સમસ્યા છે, જેના પર પણ આ સમય દરમિયાન ધ્યાન આપવામાં આવશે.’

પશ્ચિમ ઝોનમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેના રાષ્ટ્રીય બોર્ડમાં સામેલ ઝૈનબ પટેલે જણાવ્યું હતું કે ‘દેશના અન્ય ભાગોમાં પણ હોસ્પિટલોમાં આવા જ વોર્ડ હોવા જોઈએ. ભારતમાં 4 લાખથી વધુ ટ્રાન્સજેન્ડરની વસતિ છે અને મુંબઈમાં લગભગ 70,000 છે. અમને આવા વધુ વોર્ડની જરૂર છે, કારણ કે અમારો પણ એક વૃદ્ધ સમુદાય છે, બિન-ચેપી રોગો સંબંધિત સમસ્યાઓથી પીડાઈ છે.’

વસતિ ગણતરી મુજબ ટ્રાન્સજેન્ડરની કુલ વસતિ 4.88 લાખ છે
ભારતમાં વસતિ ગણતરીના ડેટા એકત્રિત કરતી વખતે ક્યારેય થર્ડ જેન્ડર એટલે કે ‘ટ્રાન્સજેન્ડર’ને માન્યતા આપી નથી, પરંતુ વર્ષ 2011માં ટ્રાન્સજેન્ડરનો ડેટા તેમના રોજગાર, સાક્ષરતા અને જાતિ સંબંધિત વિગતો સાથે એકત્રિત કરવામાં આવ્યો હતો. 2011ની વસતિ ગણતરી મુજબ, ટ્રાન્સજેન્ડરની કુલ વસતિ 4.88 લાખ છે, જે સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં છે. ત્યાર બાદ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારનો ક્રમ આવે છે.

ટ્રાન્સજેન્ડરને ભારતમાં બીજા કયા-કયા અધિકારો મળે છે?
નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરિટીમાં વિ. યુનિયન ઓફ ઇન્ડિયા કેસ (2014), ભારતની સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડર લોકોને 'થર્ડ જેન્ડર' જાહેર કર્યા હતા. એમાં એ બાબતની પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે ભારતના બંધારણ હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારો ટ્રાન્સજેન્ડર લોકોને પણ એટલા જ લાગુ પડશે અને તેમને પુરુષ, સ્ત્રી અથવા ત્રીજા લિંગ તરીકેની તેમની જાતિની સ્વ-ઓળખનો અધિકાર આપ્યો છે.

ટ્રાન્સજેન્ડર રાઈટ્સ બિલ-2019
વર્ષ 2019માં ‘ટ્રાન્સજેન્ડર રાઈટ્સ બિલ’ પસાર થવાની સાથે જ ભારતમાં તેમને મર્યાદિત સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ બિલમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિને એવી વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેનું લિંગ જન્મ સમયે સોંપાયેલા લિંગ સાથે મેળ ખાતું નથી. એમાં ટ્રાન્સમેન અને ટ્રાન્સ-વુમન, ઇન્ટરસેક્સ વેરિએશન ધરાવતી વ્યક્તિઓ, લિંગ-ક્વીર અને કિન્નર જેવી સામાજિક-સાંસ્કૃતિક ઓળખ ધરાવતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

 • ટ્રાન્સજેન્ડર વ્યક્તિ ઓળખના પ્રમાણપત્ર માટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને અરજી કરી શકે છે.
 • તેમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય પરિષદ (NCT - National Council for Transgender persons)ની સ્થાપના કરવાની વાત કહેવામાં આવી છે.
 • આ બિલમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સાથે ભેદભાવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં શિક્ષણ, રોજગાર, હેલ્થકેર, મૂવમેન્ટ, રેસિડેન્શિયલ, રેન્ટ, પબ્લિક કે પ્રાઇવેટ ઓફિસના સંબંધમાં સેવાનો ઇનકાર અથવા અયોગ્ય વ્યવહાર અને સરકારી કે ખાનગી સંસ્થાનો સુધી પહોંચવાનો સમાવેશ થાય છે.
 • આ કાયદામાં એક જોગવાઈ છે, જે ટ્રાન્સજેન્ડરને માતા-પિતા અને નજીકના પરિવારના સભ્યો સાથે રહેવાનો અધિકાર આપે છે.
 • આ બિલમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આરોગ્ય સુવિધાઓના અધિકારો પૂરા પાડવાની પણ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં અલગથી HIV સર્વેલન્સ સેન્ટર્સ અને સેક્સ રિએસાઇનમેન્ટ સર્જરીનો સમાવેશ થાય છે. સરકાર તબીબી અભ્યાસક્રમની સમીક્ષા કરશે અને વીમો પણ આપશે.

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે ‘ગરિમા ગ્રેહ યોજના’

 • સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે એક યોજના બનાવી છે, જેમાં નિરાધાર અને જરૂરિયાતમંદ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે આશ્રયગૃહોની સ્થાપના કરવામાં આવી છે.
 • સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે આ આશ્રયગૃહો ‘ગરિમા ગ્રેહ’ની સ્થાપના કરવા માટે 12 પાયલોટ આશ્રયગૃહો શરૂ કર્યા છે અને સમુદાય-આધારિત સંસ્થાઓ (CBOs)ને નાણાકીય સહાય પૂરી પાડી છે.
 • આ પાયલોટ શેલ્ટર હોમ્સ મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, તામિલનાડુ અને ઓડિશા રાજ્યોમાં છે.
 • આ આશ્રયસ્થાનોનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સલામત અને સુરક્ષિત આશ્રય પૂરો પાડવાનો છે.
 • આ શેલ્ટર હોમ્સ ખોરાક, તબીબી સંભાળ અને મનોરંજક સુવિધાઓ જેવી મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરશે તથા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે ક્ષમતા નિર્માણ/કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પણ હાથ ધરશે.
 • આ મંત્રાલય કોઈપણ પેન્શન યોજનાનો અમલ કરી રહ્યું નથી.
 • જોકે ગ્રામીણ વિકાસ મંત્રાલય નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ (NSAP)નો અમલ કરે છે, જેમાં 3,384 ટ્રાન્સજેન્ડરને માસિક પેન્શન આપવામાં આવે છે.

ટ્રાન્સજેન્ડર માટે ‘સ્માઈલ યોજના’

 • સરકારે ‘સહાયક વ્યક્તિ માટે આજીવિકા અને ઉદ્યોગસાહસિકતા (સ્માઈલ)’ નામની વિસ્તૃત યોજનાને મંજૂરી આપી છે, જેમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે વિસ્તૃત પુનર્વસન માટેની પેટાયોજના સામેલ છે.
 • આજીવિકા અને ઉદ્યોગસાહસિકતા માટે હાંસિયામાં ધકેલાઈ ગયેલી વ્યક્તિઓ માટે સહાય (સ્માઈલ) યોજના પુનર્વસન, તબીબી સુવિધાઓની જોગવાઈ અને હસ્તક્ષેપ, પરામર્શ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સાથેના આર્થિક જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ગચીબોવલી પોલીસ સ્ટેશનમાં ‘ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી ડેસ્ક’

 • સાયબેરાબાદ પોલીસે ગચીબોવલી પોલીસ સ્ટેશનમાં ‘ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી ડેસ્ક’નું ઉદઘાટન કર્યું હતું, આ પ્રકારની દેશમાં સૌથી પહેલી જેન્ડર-ઇન્ક્લૂઝિવ કોમ્યુનિટી પોલિસિંગ પહેલ છે.
 • આ ડેસ્કનું સંચાલન પોલીસ સંપર્ક અધિકારી અને એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ દ્વારા કરવામાં આવશે, જેને ‘કોમ્યુનિટી કો-ઓર્ડિનેટર’ તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
 • એ સાયબેરાબાદ કમિશનરેટમાં ટ્રાન્સજેન્ડર સમુદાયમાં તમામ ફરિયાદ નિવારણ માટેનું કેન્દ્રબિંદુ હશે.
 • આ ડેસ્ક કોઈપણ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સામે હિંસા અથવા ભેદભાવથી સંબંધિત ગુનાઓમાં કેસ દાખલ કરવા માટે ટેકો પૂરો પાડશે.
 • અન્ય સેવાઓ ઉપરાંત ડેસ્ક મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે ભાગીદારીમાં પરામર્શ, કાનૂની સહાય, જીવન કૌશલ્યો, સોફ્ટ સ્કિલ્સ તાલીમ, જોબ પ્લેસમેન્ટ અને કલ્યાણકારી યોજનાઓને રેફરલ લિંકેજ પણ પ્રદાન કરશે.
 • સોસાયટી ફોર સાયબરાબાદ સિક્યોરિટી કાઉન્સિલ (SCSC) માસિક તાલીમ, રોજગાર, જીવન-કૌશલ્ય તાલીમનું પણ આયોજન કરશે અને નોકરીની તકોની સુલભતાની સુવિધા આપશે, જ્યારે બિન-સરકારી સંસ્થા પ્રજ્વલા કોઈપણ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ માટે સલામત જગ્યાની સુવિધા માટે ડેસ્કને મદદ કરશે, જેને ‘ઇમર્જન્સી ટ્રાન્ઝિટ’ રોકાણની જરૂર હોય.
 • આ કાર્યક્રમમાં 200થી વધારે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ ભાગ લીધો હતો, જે દરમિયાન ‘મિસ્ટર સજ્જનરે’ તમામ બાબતો માટે સમાન તકો સુનિશ્ચિત કરવા સર્વસમાવેશક સમાજનું નિર્માણ કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી.

ટ્રાન્સજેન્ડર્સનું વેક્સિનેશન

 • મંત્રાલય દ્વારા તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને એક પત્ર પણ લખવામાં આવ્યો છે, જેથી હાલના કોવિડ / વેક્સિનેશન સેન્ટરમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સાથે કોઈ ભેદભાવ ન થાય એ સુનિશ્ચિત કરી શકાય. રાજ્યોને એ પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ હરિયાણા અને આસામ જેવાં રાજ્યોમાં હાથ ધરવામાં આવેલી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના રસીકરણ માટે અલગ મોબાઇલ વેક્સિનેશન કેન્દ્ર અથવા બૂથનું આયોજન કરે.

કાઉન્સેલિંગ સર્વિસીઝ હેલ્પલાઇન - 8882133897

 • માનસિક આરોગ્યની સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકો તેની આસપાસના કલંકને કારણે મદદ મેળવવામાં આરામદાયક અનુભવતા નથી, તેથી સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય દ્વારા માનસિક સહાય અને માનસિક આરોગ્ય સંભાળ માટે વર્તમાન રોગચાળાને કારણે વ્યથિત ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે એક નિ:શુલ્ક હેલ્પલાઇનની પણ જાહેરાત કરવામાં આવી છે. કોઈપણ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ હેલ્પલાઇન નંબર 8882133897 પર નિષ્ણાતો સાથે જોડાઈ શકે છે.
 • આ હેલ્પલાઈન સોમવારથી શનિવાર સુધી સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજના 5 વાગ્યા દરમિયાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇન પર પ્રોફેશનલ સાઇકોલોજિસ્ટ્સ દ્વારા તેમના માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગ સેવાઓ પૂરી પાડવામાં આવશે.