ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ટ્રેનોમાં ફરીથી પેક્ડ ફૂડ શરૂ કરવા જઈ રહ્યું છે. કોરોના દરમિયાન લગભગ 15 મહિના બાદ પહેલી વખત ટ્રેનોમાં આ સુવિધા શરૂ થશે. પેક્ડ ફૂડ તેજસ એક્સપ્રેસમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે IRCTC આગામી મહિનાથી દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઇ બંને રૂટ પર તેજસ એક્સપ્રેસ ચલાવવાની તૈયારી કરી રહી છે.
IRCTCએ ગયા વર્ષે માર્ચમાં કોરોના શરૂ થતાં ટ્રેનોમાં પેક્ડ ફૂડની સુવિધા બંધ કરી દીધી હતી. કોરોના સંક્રમણને રોકવા માટે IRCTCએ આ નિર્ણય લીધો હતો. બાદમાં દેશમાં લોકડાઉન લાગુ કર્યા બાદ ટ્રેન સેવા સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી હતી. મે 2020માં ટ્રેનોનું સંચાલન ફરીથી શરૂ થયું. ત્યારબાદ IRCTCએ પેસેન્જરોની સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેનોમાં રેડીમેડ ફૂડ આપવાનું શરૂ કર્યું, જે ફેક્ટરીઓમાંથી પૈક થઈને આવે છે.
રેડીમેડ ફૂડ ઉપલબ્ધ કરાવે છે
વર્તમાન સમયમાં લગભગ 1000 ટ્રેનોમાં IRCTC રેડીમેડ ફૂડ ઉપલબ્ધ કરાવી રહી છે. જો કે આ સંખ્યા પ્રી કોવિડ ટાઈમમાં લગભગ 2500 હતી. ધીમે ધીમે આ સંખ્યા વધારવામાં આવી રહી છે. IRCTC આવતા મહિનાથી બંને રૂટો પર તેજસ એક્સપ્રેસ શરૂ કરવા જઈ રહી છે. આ ટ્રેનોમાં પેક્ડ ફૂડ ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા પહેલાની જેમ બંને ટ્રેનોમાં ફૂડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. IRCTCના અનુસાર, તેજસ માટે બુકિંગ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. જો કે બંને ટ્રેનો પ્રાઈવેટ છે અને સંચાલન IRCTC દ્વારા કરવામાં આવી રહ્યું છે તેથી પેક્ડ ફૂડ આપવાની શરૂઆત આ ટ્રેનોથી કરવામાં આવી રહી છે. આ ટ્રેનોમાં પેક્ડ ફૂડ પર મુસાફરોનું વલણ જોયા પછી, તેને અન્ય ટ્રેનોમાં પણ શરૂ કરવામાં આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.