વિચાર્યા વગર ક્યાંય પણ રોકાણ કરવાથી પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે. તમારા પૈસા રોકાણ કરતા પહેલા તમારે ફાઈનાન્શિયલ ગોલ (નાણાકીય લક્ષ્યાંકો)ને ધ્યાનમાં રાખવો જરૂરી છે. તે ઉપરાંત એવા ઘણા પરિબળો છે કે જેના પર આપણે પૈસા રોકાણ કરતા પહેલા ધ્યાન આપવું જોઈએ. આજે અમે તમને આ ફેક્ટર્સ વિશે જણાવી રહ્યા છીએ.
કેમ રોકાણ કરી રહ્યા છો તે સમજવું જરૂરી
જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે તમે રોકાણ શા માટે કરી રહ્યા છો. એક નિશ્ચિત લક્ષ્ય રાખીને તમે વધુ સારી યોજના બનાવીને તમારી જરૂરિયાતને પૂરી કરી શકશો. ધારો કે, તમને 3 વર્ષ બાદ 2 લાખ રૂપિયાની જરૂર છે તો તમે અત્યારે કોઈપણ એવી સ્કીમ જેમ કે, રિકરિંગ અકાઉન્ટ (RD) અને મ્યુચ્યુઅલ ફંડ (SIP) સહિત અન્ય કોઈ એવી જગ્યાએ 5 હજાર રૂપિયાનું મહિને રોકાણ કરી શકો છો જ્યાંથી તમને વાર્ષિક 7% વ્યાજ મળે. તેનાથી તમને 3 વર્ષ બાદ લગભગ 2 લાખ 6 હજાર રૂપિયા મળશે. આ રીતે તમારે તમારા નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ.
કેટલા સમય માટે રોકાણ કરવા માગો છો
તમે કેટલા સમય સુધી તમારા પૈસા રોકાણ કરવા માગો છો અથવા કરી શકો છો તે વાતનું ખાસ ધ્યાન રાખો. કેમ કે ઘણી સેવિંગ સ્કીમ અને યોજનાઓ લોક ઈન પિરિઅડની સાથે આવે છે. એટલે કે આ પિરિઅડમાં તમે તમારા રોકાણ કરેલા પૈસા ઉપાડી નથી શકતા. તેથી એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જ્યાં રોકાણ કરી રહ્યા છો તેમાં લોક ઈન પિરિઅડ તો નથીને અને જો છે તો કેટલો છે.
રિસ્ક કેપેસિટીને સમજવી જરૂરી
રિસ્ક ઉઠાવવાની ક્ષમતા દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. આવી સ્થિતિમાં રોકાણ કરતા પહેલા તમારી રિસ્ક ઉઠાવવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો. કેમ કે, તમારી ક્ષમતાથી વધારે રિસ્ક લેવાથી જો કંઈક ખોટું થાય છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
જ્યાં પણ રોકાણ કરો છો તેની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી
કોઈ પણ સ્કીમ અથવા યોજનામાં રોકાણ કરતા પહેલા તેના વિશે યોગ્ય અને સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. અધૂરી જાણકારીની સાથે કોઈપણ જગ્યાએ રોકાણ કરવાથી તમારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
રોકાણના વિકલ્પોની યોગ્ય રીતે સરખામણી કરવી જરૂરી
તમારી એક ભૂલથી તમારી વર્ષોની આવક ગુમાવવાનો વારો આવી શકે છે. આવી સ્થિતિમાં કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા રોકાણ વિકલ્પોની યોગ્ય રીતે તુલના કરવી જોઈએ. તમારે જોવું જોઈએ કે, કઈ સ્કીમ અથવા યોજનાએ વર્ષોથી કેટલું રિટર્ન આપ્યું છે અને અહીં રોકાણ કરવું સુરક્ષિત છે કે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.