દેશમાં હવાઈ મુસાફરી કરનાર લોકો માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી ઘરેલુ એરલાઈન કંપની ઈન્ડિગો હવાઈ મુસાફરી કરનાર લોકોને શાનદાર ઓફર આપી રહી છે. એરલાઈન કંપની ઈન્ડિગોએ 17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી નવા બુકિંગ પર ચેન્જ ફી માફ કરવાની જાહેરાત કરી છે.
રેગ્યુલર ફેરમાં અનલિમિટેડ ચેન્જ કરી શકાશે
વધતા કોવિડ-19 કેસના કારણે વિવિધ રાજ્યોમાં લાગુ લોકડાઉનના કારણે કંપનીએ આ નિર્ણય કર્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ઓફર અંતર્ગત મુસાફરો 30 એપ્રિલ સુધી નવા બુકિંગ પર રેગ્યુલર ફેરમાં અનલિમિટેડ ચેન્જ કરી શકે છે. જો કે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે કેન્સલેશન ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેના પર ચાર્જ લાગશે.
ઈન્ડિગોના ચીફ સ્ટ્રેટજી એન્ડ રેવેન્યુ ઓફિસર સંજય કુમારના જણાવ્યા પ્રમાણે, મુસાફરોની સુવિધા વધારવા અને તેમને આનંદદાયક મુસાફરીનો અનુભવ આપવાનો અમારો પ્રયાસ સતત ચાલુ છે. આ ઓફર આ જ વ્યૂહરચનાનો એક ભાગ છે. અમે કોરોનાકાળમાં અમારા મુસાફરોને મુશ્કેલી વગર અને સુવિધાજનક અનુભવ આપવા માગીએ છીએ.
કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી ટિકિટ બુકિંગ કરી શકાય છે
જે મુસાફરો ઈન્ડિગોથી મુસાફરી કરવા માગે છે તેઓ કંપનીની સત્તાવાર વેબસાઈટ www.goIndiGo.in દ્વારા ટિકિટ બુક કરાવી શકે છે. બુકિંગ દરમિયાન આ ઓફર વિશે વિગતવાર નિયમો અને શરતો જોઇ શકાય છે. તે ઉપરાંત તાજેતરમાં ઈન્ડિગોએ ઉડાન યોજના હેઠળ 14 નવી ફ્લાઇટ્સ શરૂ કરી છે.
લોકડાઉનમાં કેન્સલ થયેલી ટિકિટોનું રિફંડ આપ્યું
તાજેતરમાં ઈન્ડિગોના જણાવ્યા પ્રમાણે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુસાફરોને લગભગ 1030 કરોડ રૂપિયાનું રિફંડ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટના એક આદેશનુસાર, ગત વર્ષે કોરોના મહામારીને કારણે લાગુ લોકડાઉનના કારણે મુસાફરી ન કરી શક્યા હોય તેવા પેસેન્જરને તેમની ટિકિટના બધા પૈસા પરત આપવાના હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.