રસોઈ ગેસ ગ્રાહકો માટે હવે ઘરે બેઠા LPG સિલિન્ડર બુક કરાવવાનું સરળ થઈ ગયું છે. હવે તમે વ્હોટ્સએપ દ્વારા એક મેસેજ કરીને LPG સિલિન્ડર બુક કરાવી શકો છો. જો કે, આ સુવિધા અત્યારે માત્ર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઈન્ડેન ગેસના ગ્રાહકોને મળશે. એટલું જ નહીં ઈન્ડેન ગેસના ગ્રાહકો હવે માત્ર એક મિસ્ડ કોલ કરીને પણ LPG સિલિન્ડર બુક કરાવી શકે છે.
વ્હોટ્સએપ નંબર પર મેસેજ કરીને ગેસ સિલિન્ડર બુક કરાવી શકાશે
ગેસ સિલિન્ડર બુક કરાવવાનું કામ હવે માત્ર એક મેસેજ સેન્ડ કરીને પણ કરી શકાશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને એક વ્હોટ્સએપ નંબર જાહેર કર્યો છે. તેના માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી REFILL ટાઈપ કરીને 7588888824 પર વ્હોટ્સએપ મેસેજ કરવો પડશે અને તમારો LPG સિલિન્ડર તમારા ઘરે પહોંચી જશે.
બુકિંગ કરાવ્યા બાદ આ રીતે પોતાનું સ્ટેટસ ચેક કરી શકો છો
ઈન્ડિયન ઓઈલે બુકિંગ બાદ તેનું સ્ટેટસ જાણવા માટેની સુવિધા પણ વ્હોટ્સએપ પર ઉપલબ્ધ કરાવી છે. તેના માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી STATUS# ટાઈપ કરવાનું છે. ત્યારબાદ બુકિંગ કર્યા બાદ મળેલ ઓર્ડર નંબર દાખલ કરવો પડશે. ધારો કે, તમારો બુકિંગ નંબર 12345 છે તો તમારે STATUS#12345 ટાઈપ કરવું પડશે અને 7588888824 નંબર પર વ્હોટ્સએપ મેસેજ કરવો પડશે. એ વાતનું ધ્યાન રાખવું કે STATUS# અને ઓર્ડર નંબરની વચ્ચે કોઈ સ્પેસ ન હોવી જોઈએ.
ઈન્ડેન ગ્રાહકો આ નંબર પર મિસ કોલ કરીને બુક કરાવી શકે છે સિલિન્ડર
ગ્રાહકો હવે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી પૈસા ખર્ચ કર્યા વગર મિસ કોલ કરીને પણ સિલિન્ડર બુક કરાવી શકશે. LPG ગ્રાહક સિલિન્ડર ભરાવવા માટે દેશમાં ગમે તે જગ્યાએથી 8454955555 પર મિસ કોલ કરીને બુકિંગ કરાવી શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સુવિધાથી ગ્રાહકોને બુકિંગ માટે કોલ કરવામાં જે સમય લાગે છે જે બચશે. તે સાથે ગ્રાહકોને કોલ માટે કોઈ ચાર્જ પણ નહીં આપવો પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.