ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ મંગળવારે વર્ચ્યુઅલ રીતે પોતાની ડિજિટલ પેમેન્ટ એપ 'ડાક -પે' લોન્ચ કરી. IPPBએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી છે. નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, દેશના દરેક ખૂણા સુધી ડિજિટલ નાણાકીય સેવા આપવાના પ્રયાસ અંતર્ગત આ એપ લોન્ચ કરવામાં આવી છે.
એપ પર આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે
નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, માત્ર ડિજિટલ પેમેન્ટ એપ જ નહીં પરંતુ તે IPPB તરફથી પોસ્ટલ નેટવર્ક દ્વારા સમગ્ર દેશમાં વિવિધ સોસોયટીને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી બેંકિંગ સેવાઓને ડિજિટલ રીતે ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે. આ એપ દ્વારા પોતાના પૈસા મોકલવામાં (ઘરેલુ મની ટ્રાન્સફર) QR કોડને સ્કેન કરવાની સેવાઓ અને મર્ચન્ટને ડિજિટલ રીતે ચૂકવણી, બાયો-મેટ્રિક દ્વારા કેશલેસ ઈકોસિસ્ટમ અને યુટિલિટી બિલની ચૂકવણી કરી શકાશે.
લોકડાઉન દરમિયાન IPPBએ વિવિધ સેવાઓ પૂરી પાડી
ડાક-પે એપના લોન્ચિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન IPPBએ ડોરસ્ટેપ નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. તે ઉપરાંત IPPBએ વિવિધ રીતે પોસ્ટ સેવાઓ આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ડાક-પે લોન્ચિંગથી ઈન્ડિયા પોસ્ટનો વારસો વધુ વિકસ્યો છે.
બેંકિંગ સેવાઓ અને પોસ્ટલ ઉત્પાદનો સુધી ઓનલાઈન કનેક્શન હશે
તેમણે કહ્યું કે, આ ઈનોવેટિવ સેવાઓ દ્વારા ગ્રાહકોની બેંકિંગ સેવાઓ અને પોસ્ટલ ઉત્પાદનો સુધી ઓનલાઈન પહોંચ થઈ જશે. ઓનલાઈન ઓર્ડર કરવા અને પોસ્ટલ ફાઈનાન્શિયલ સેવાઓને ડોરસ્ટેપ સુધી પહોંચાડવાનો આ યુનિક કોન્સેપ્ટ છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ એપ દ્વારા IPPBની ઓનલાઈન પેમેન્ટ અને નાણાકીય સેવાઓની હોમ ડિલિવરીમાં બમણી વૃદ્ધિ થશે.
2018માં IPPBની શરૂઆત થઈ હતી
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની શરૂઆત 1 સપ્ટેમ્બર 2018ના રોજ થઈ હતી. IPPB સમગ્ર દેશમાં આવેલી 1.55 લાખ પોસ્ટ ઓફિસ અને 3 લાખ પોસ્ટલ એમ્પ્લોયઝ દ્વારા સેવાઓ આપી રહી છે. તેમાં 1.35 લાખ પોસ્ટ ઓફિસ ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે. IPPB વર્તમાન સમયમાં 13 ભાષાઓમાં પોતાની સેવાઓ આપી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.