જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા હો અને તેની પર મળતા ટેક્સ બેનિફિટ વિશે નથી જાણતા તો તમારે જાણવું જોઈએ કે પર્સનલ લોનના ઉપયોગને આધારે તમે તેની પર પણ ટેક્સ બેનિફિટ મેળવી શકો છો. જો તમે કોઈ ખાસ હેતુ માટે પર્સનલ લોનનો ઉપયોગ કરો તો તમને ટેક્સનો બેનિફિટ મળી શકે છે. જો તમે પર્સનલ લોનનો ઉપયોગ ઘરના રિનોવેશન અથવા ખરીદી અને બિઝનેસના વિસ્તરણ માટે કરો તો તમે આ લોન પર ચૂકવેલ વ્યાજ પર ઇન્કમ ટેક્સ ડિડક્શનનો લાભ લઈ શકો છો.
ઘરના રિનોવેશન અથવા ખરીદી પર ટેક્સ છૂટ
ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 24b હેઠળ, જો તમે મકાન ખરીદવા અથવા બનાવવા માટે પર્સનલ લોન લો તો તમે લોન પર ચૂકવેલા વ્યાજની રકમ પર 2 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો દાવો કરી શકો છો. સેક્શન 24bથી હોમ લોન અથવા પર્સનલ લોનમાં કોઈ ફરક પડતો નથી અને વ્યાજ પર વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળી શકે છે.
બિઝનેસ માટે લોન લેવા પર પણ ટેક્સ છૂટનો લાભ મળે છે
જો તમે કોઈ બિઝનેસ અથવા પ્રોપર્ટી સિવાય કોઈ મિલકત ખરીદવા માટે પર્સનલ લોન લીધી હોય તો પછી તેના પર ચૂકવવામાં આવતા વ્યાજથી તમારા ટેક્સનો ભાર ઘટાડવા માટેના ખર્ચ તરીકે ક્લેમ કરી શકાય છે. તેનાથી તમારું કેપિટલ ગેન ઘટશે અને તમારી ટેક્સ લાયાબિલિટી ઓછી થશે.
પર્સનલ લોનમાં ટેક્સ છૂટ માટે ડોક્યૂમેન્ટ્સ આપવાના રહેશે
પર્સનલ લોન પર ટેક્સ છૂટનો લાભ લેવા માટે તમારે અનેક ડોક્યૂમેન્ટ્સ આપવા પડશે. તેમાં ખર્ચનું વાઉચર, બેંકનું સર્ટિફિકેટ, સેક્શન લેટર અને ઓડિટરનો લેટ વગેરે ડોક્યૂમેન્ટ્સ સામેલ છે.
પર્સનલ લોન ઇન્કમ માનવામાં નથી આવતી
પર્સનલ લોન પર ટેક્સ નથી લાગતો કારણ કે, લોનની રકમ આવક માનવામાં આવતી નથી. પરંતુ એ વાત ધ્યાનમાં રાખો કે તમે કોઈ બેંક અથવા NBFC જેવા લીગલ સોર્સ તરફથી લોન લીધી હોવી જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.