આજે એટલે કે 1 જાન્યુઆરી 2022થી ઘણા ફેરફાર થયા છે. આ ફેરફારની અસર તમારા જીવન પર પણ પડશે. આજથી ATMમાંથી પૈસા ઉપાડવાનું અને ફૂટવેર ખરીદવાનું મોંઘું થયું. તે ઉપરાંત આજથી 15થી 18 વર્ષના બાળકો માટે વેક્સિન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. 1 જાન્યુઆરીથી થતા 8 ફેરફાર વિશે જાણો.
1. ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થઈ જશે
RBIએ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર ચાર્જ વધારવાની મંજૂરી આપી દીધી છે. બેંક તમામ ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ વસૂલે છે. એમાં ટેક્સ સામેલ નથી. RBIના જણાવ્યા પ્રમાણે, ફ્રી ટ્રાન્ઝેક્શન પછી બેંક તેના ગ્રાહકો પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન 20ને બદલે 21 રૂપિયા લઈ શકશે. એમાં ટેક્સ સામેલ નથી. આ નિયમ 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે.
2. ફૂટવેર ખરીદવાનું મોંઘું થશે
1 જાન્યુઆરીથી ફૂટવેર પર 12% GST લાગશે. ભારત સરકારે ફૂટવેર પર લાગતા GST માં 7%નો વધારો કર્યો છે. એ ઉપરાંત ઓનલાઈન મોડ દ્વારા ઓટોરિક્ષા બુકિંગ પર 5% GST વસૂલવામાં આવશે, એટલે કે ઓલા, ઉબર જેવા એપ બેસ્ડ કેબ સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મ પરથી ઓટોરિક્ષાનું બુકિંગ કરવું હવે મોંઘું થઈ જશે. જો કે ઓફલાઈન રીતે ઓટોરિક્ષાના ભાડામાં કોઈ ફેરફાર નહીં થાય. એને ટેક્સથી બહાર રાખવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી રેડીમેડ કપડાં પર પણ 12% GST લાદવાની જાહેરાત વેપારીઓના પ્રચંડ વિરોધ પછી સરકારે પાછી ખેંચી લીધી છે.
3. 15થી 18 વર્ષનાં બાળકો વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે
દેશમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષ સુધીનાં બાળકો કોરોના વેક્સિન લઈ શકશે. એના માટે 1 જાન્યુઆરીથી કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન માટે 10મા ધોરણના ID કાર્ડને પણ ઓળખ પુરાવા તરીકે ગણવામાં આવશે.
4. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે ચાર્જ વધાર્યો
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ના ખાતાધારકોએ 1 જાન્યુઆરીથી એક નક્કી મર્યાદાથી વધુ રોકડ ઉપાડવા અને ડિપોઝિટ કરવા પર ચાર્જ ચૂકવવો પડશે. બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાંથી દર મહિને 4 વખત રોકડ ઉપાડવાનું ફ્રી છે, પરંતુ એના પછી દરેક ઉપાડ પર 0.50% ચાર્જ આપવો પડશે, જે ઓછામાં ઓછો 25 રૂપિયા હશે. જોકે બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં લાગે.
બેઝિક સેવિંગ અકાઉન્ટ સિવાય બીજા સેવિંગ અકાઉન્ટ અને કરન્ટ અકાઉન્ટમાંથી 10 હજાર રૂપિયા સુધી જમા કરાવવા માટે કોઈ ફી નહીં લાગે. 10 હજાર પછી 0.50% ફી વસૂલવામાં આવશે. જે ઓછામાં ઓછા 25 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન હશે. બચત અને ચાલુ ખાતામાં દર મહિને 25 હજાર રૂપિયા સુધીની રોકડ ઉપાડ મફત હશે અને તેના પછી દર ટ્રાન્ઝેક્શન પર 0.50% ચાર્જ આપવો પડશે.
5. અમેઝોન પ્રાઈમ પર લાઈવ ક્રિકેટ મેચ જોઈ શકાશે
અમેઝોનના OTT પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો પર હવે લાઈવ ક્રિકેટ મેચ પણ જોઈ શકાશે. અમેઝોન પ્રાઈમ વીડિયો આવતા વર્ષે 1 જાન્યુઆરી 2022થી ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની સાથે લાઈવ ક્રિકેટ સ્ટ્રીમિંગ પ્લેમાં એન્ટ્રી કરી રહ્યું છે.
6. ગાડી ખરીદવાનું મોંઘું થશે
નવા વર્ષમાં મારુતિ સુઝુકી, રેનો, હોન્ડા, ટોયોટા, અને સ્કોડા સહિત લગભગ તમામ કાર કંપનીઓની કાર ખરીદવા માટે તમારે વધારે કિંમત ચૂકવવી પડશે. ટાટા મોટર્સ 1 જાન્યુઆરી 2022થી કોમર્શિયલ વ્હીકલની કિંમતોમાં 2.5%નો વધારો કરશે.
7. બેંક લોકરમાં રાખેલી વસ્તુઓને નુકસાન થવા પર બેંકે વળતર આપવું પડશે
આજથી બેંકમાં સેફ ડિપોઝિટ લોકરના નિયમોમાં પણ ફેરફાર થયો છે. નવા નિયમો અનુસાર લોકરમાં રાખેલી સામગ્રીને બેંકની ભૂલને કારણે નુકસાન થાય છે તો કસ્ટમરને તેના ભાડાનું 100 ગણું વળતર આપવામાં આવશે. લોકર જે બિલ્ડિંગમાં હશે, જો તે ધરાશાયી થાય કે આગ લાગે, ચોરી થાય અથવા બેંક કર્મચારી દ્વારા ફ્રોડ કરવામાં આવે તો પણ ગ્રાહકને વળતર મળશે.
8. કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો
આજે ગેસ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. IOCLના અનુસાર, 1 જાન્યુઆરી 2022ના રોજ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 102 ઘટીને 1998.5 રૂપિયા થઈ ગઈ છે. તેમજ ચેન્નઈમાં હવે 19 કિલોગ્રામ LPG સિલિન્ડ માટે 2131 રૂપિયા તેમજ મુંબઈમાં 1948.50 રૂપિયા આપવા પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.