તમે જો એવી જગ્યાએ રોકાણ કરવા માગો છો જ્યાં તમને ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધારે રિટર્ન મળે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહે તો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરી શકો છો. આ સ્કિમ અંતર્ગત અત્યારે વાર્ષિક 7.1% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત તેમાં રોકાણ કરવા પર તમને ટેક્સ બેનિફિટ પણ મળે છે. આજે અમે તમને PPF સ્કિમ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે પણ તેમાં રોકાણ કરીને વધારે નફો મેળવી શકો.
5 વર્ષનો લોક ઈન પિરિઅડ રહે છે
જો કે, PPF અકાઉન્ટ ખોલાવ્યાના વર્ષથી 5 વર્ષ સુધી આ ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે નહીં. આ સમયગાળો પૂરો થયા બાદ ફોર્મ 2 ભરીને પૈસા ઉપાડી શકાશે. જો કે, 15 વર્ષ પહેલા પૈસા ઉપાડવા પર તમારા ફંડમાંથી 1% કપાત કરવામાં આવશે.
મેચ્યોરિટી બાદ 5-5 વર્ષ માટે એક્સ્ટેન્શન મળશે
PPF અકાઉન્ટ 15 વર્ષમાં મેચ્યોર થઈ જાય છે, જો કે, આ સમયગાળો પૂરો થવાના એક વર્ષની અંદર 5-5 વર્ષ માટે એક્સ્ટેન્શન કરી શકાય છે. તેના માટે મેચ્યોરિટી પૂરી થયાના એક વર્ષ પહેલા જ એક્સ્ટેન્શન કરવું પડશે. એટલે કે તમે આ સ્કિમમાં કુલ 25 વર્ષ માટે રોકાણ કરી શકો છો. તમે 15,20 અથવા 25 વર્ષ બાદ તમારા પૈસા ઉપાડી શકો છો. તમે તમે ગમે તેટલા વર્ષો માટે રોકાણ કરી શકો છો.
તેના પર ટેક્સ છૂટનો લાભ મળે છે
PPF EEEની શ્રેણીમાં આવે છે. એટલે કે યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર તમને ટેક્સ છૂટનો લાભ મળે છે. તે ઉપરાંત આ યોજનામાં રોકાણથી મળેલા વ્યાજ અને રોકાણની સંપૂર્ણ રકમ પર કોઈપણ પ્રકારનો ટેક્સ નથી આપવો પડતો. તેમાં ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે
PPF અકાઉન્ટ પર લોન લઈ શકાય છે
તમે PPF ખાતાંમાં ડિપોઝિટ સામે લોન પણ લઈ શકો છો. તમે PPF અકાઉન્ટ ખોલાવ્યું હોય તે નાણાંકીય વર્ષના અંત પછી એક નાણાકીય વર્ષ પછીથી લઇને પાંચમું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમે PPFમાંથી લોન લેવા માટે હકદાર છો. જો તમે જાન્યુઆરી 2017માં PPF ખાતું ખોલાવ્યું હોય તો તમે 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2022 સુધી લોન લઈ શકો છો. તમે ડિપોઝિટની રકમ પર મહત્તમ 25% સુધીની લોન લઈ શકો છો.
500 રૂપિયામાં અકાઉન્ટ ખોલાવી શકો છો
PPF અકાઉન્ટ ખોલાવવા માટે ન્યૂનતમ રકમ 500 રૂપિયા છે. કોઈ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવાની જરૂર છે, જ્યારે મહત્તમ રોકાણ મર્યાદા વાર્ષિક 1.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
PPF ખાતું કોણ ખોલાવી શકે છે
કોઈપણ વ્યક્તિ કોઈ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જઈને પોતાના નામે આ અકાઉન્ટ ખોલાવી શકે છે. તે ઉપરાંત સગીર વતી આ ખાતું અન્ય કોઇ પણ વ્યક્તિ દ્વારા ખોલાવી શકાય છે. સગીર બાળક 18 વર્ષનો થાય તે પછી અકાઉન્ટના સ્ટેટસને માઈનરથી મેઝર કરવા માટે એપ્લિકેશન આપવી પડશે. ત્યારબાદ જે બાળક પુખ્ત થઈ ગયું હોય તે પોતાનું અકાઉન્ટ જાતે જ હેન્ડલ કરી શકે છે.
પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં અકાઉન્ટ ખોલાવી શકાય છે
એક PPF ખાતું કોઈ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં પોતાના નામે અથવા સગીર વતી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ખોલાવી શકાય છે. જો કે, નિયમોના અનુસાર, એક હિન્દુ અવિભાજિત પરિવાર (HUF)ના નામે PPF અકાઉન્ટ ખોલાવી શકાતું નથી.
જો તમારું PPF ઈનએક્ટિવ થઈ ગયું છે તો તેને ફરીથી શરૂ કેવી રીતે કરવું?
જો તમારું PPF અકાઉન્ટ ઈનએક્ટિવ થઈ જાય તો તેને ફરીથી શરૂ કરવા માટે તમારે તે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં લેખિત અરજી આપવી પડશે, જ્યાં તે ખોલાવ્યું છે. ત્યારબાદ તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસને પોતાનું અકાઉન્ટ શરૂ કરવા માટે એક એપ્લિકેશન આપવી પડશે. તેના માટે તમારે ઓછામાં ઓછા 500 રૂપિયાના વાર્ષિક યોગદાનની સાથે 50 રૂપિયાની પેનલ્ટી પણ આપવી પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.