કોરોના ક્રાઇસિસને કારણે લોકોને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાંથી બહાર આવવા અને આર્થિક તંગી દૂર કરવા લોકો તેમનું PF ફંડ ઉપાડી રહ્યા છે. પરંતુ વિચાર કર્યા વગર આ ઉપાડથી તમારા રિટાયર્મેન્ટ ફંડને મોટું નુકસાન થઈ શકે છે. PFના પૈસા ઉપાડવાને બદલે તમે અન્ય રીતે પૈસા ભેગા કરીને પૈસાની વ્યવસ્થા કરી શકો છો. PF ફંડમાંથી પૈસા ઉપાડવાથી તમારા રિટાયર્મેન્ડ ફંડને કેટલું નુકસાન થશે એ જાણો. આ સિવાય, અહીં એવા 5 ઉપાય જણાવવામાં આવ્યા છે કે જેના દ્વારા તમે તમારા માટે પૈસા ભેગા કરી શકશો.
તમારા ફંડ પર કેટલી અસર થશે?
PF પર 8.5% વ્યાજ મળી રહ્યું છે. એક અનુમાનિત ગણતરી મુજબ, જો તમારી નિવૃત્તિમાં 30 વર્ષ બાકી છે અને હવે તમે PF ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડો છો તો તેનાથી તમારા રિટાયર્મેન્ટ ફંડને 11.55 લાખ રૂપિયાની અસર થશે. અહીં જાણો કે કેટલા પૈસા ઉપાડવા પર રિટયર્મેન્ટ ફંડને કેટલી અસર થશે.
કેટલા પૈસા ઉપાડવા પર | 20 વર્ષ પછી કેટલા ઓછા મળશે (રૂ.) | 30 વર્ષ પછી કેટલા ઓછા મળશે (રૂ.) |
50 હજાર | 2 લાખ 5 હજાર | 5 લાખ 27 હજાર |
1 લાખ | 5 લાખ 11 હજાર | 11 લાખ 55 હજાર |
2 લાખ | 10 લાખ 22 હજાર | 23 લાખ 11 હજાર |
3 લાખ | 15 લાખ 33 હજાર | 34 લાખ 67 હજાર |
નોંધ: આ ટેબલ આશરે અંદાજ મુજબ આપવામાં આવ્યું છે કારણ કે, PF પર મળતા વ્યાજની દર 3 મહિને સમીક્ષા કરવામાં આવે છે. આ સિવાય, અહીં આપેલા ટેબલમાં વાર્ષિક ધોરણે વ્યાજની ગણતરી કરવામાં આવી છે.
આ 5 રીતોથી તમે પૈસાની વ્યવસ્થા કરી શકો છો
ગોલ્ડ લોન
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહિત દેશની મોટાભાગની બેંકોએ પર્સનલ ગોલ્ડ લોનની સુવિધા રજૂ કરી છે. આ અંતર્ગત ગ્રાહક ગોલ્ડ ગિરવે મૂકીને લોન લઈ શકે છે. SBI 7.50%ના વાર્ષિક વ્યાજ દરે 20 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. SBI સિવાય બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા સહિતની બેંકો પણ ગોલ્ડ લોન આપી રહી છે.
FD પર લોન લઈ શકાય
જો તમારી પાસે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હોય તો તમે તેના પર લોન લઈ શકો છો. આના પર સરળતાથી અને ઓછા વ્યાજ દરે લોન મેળવવા માટે એવી ઘણી બેંકો છે જે FD પર 6% કરતા ઓછા વ્યાજે લોન આપી રહી છે. જો તમે FD પર લોન લો તો તમારે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ કરતાં 1-2% વધુ ચૂકવવા પડશે. ઉદાહરણ તરીકે, જો તમને તમારી FD પર 4% વ્યાજ મળી રહ્યું છે, તો પછી તમે 6% વ્યાજ દરે લોન મેળવી શકો છો. તમે FDના મૂલ્યના 90% સુધી લોન લઈ શકો છો. ધારો કે, તમારી FD 1.5 લાખ રૂપિયાની છે, તો તમે 1 લાખ 35 હજાર રૂપિયાની લોન મેળવી શકો છો.
ટોપ-અપ હોમ લોન
તમારી પૈસાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તમે બેંકમાંથી ટોપ-અપ હોમ લોન પણ લઈ શકો છો. આ લોન તમને ઓછા વ્યાજ દરે નાણાં પૂરા પાડે છે. જો તમે હોમ લોન લીધી હોય તો તમે સરળતાથી બેંક સાથે વાત કરી શકો છો અને તે લોન પર ટોપ-અપ મેળવી શકો છો. ટોપ અપ લોનના વ્યાજ દર હોમ લોન કરતા થોડા વધારે હોય છે. પરંતુ પર્સનલ લોન કરતાં ઓછા હોય છે.
ક્રેડિટ કાર્ડ લોન
ક્રેડિટ કાર્ડ આપનારી નાણાકીય સંસ્થાઓ કાર્ડધારકોને તેમના કાર્ડના પ્રકાર, ખર્ચ અને રિપેમેન્ટના આધારે લોન આપે છે. એકવાર કાર્ડધારક આ લોન મેળવી લે તો તેની ક્રેડિટ લિમિટ તે રકમ કરતાં ઓછી થઈ જશે. જો કે, કેટલાક શાહુકાર ક્રેડિટ કાર્ડ સામે માન્ય ક્રેડિટ લિમિટ અને ક્રેડિટ કાર્ડને બદલે લોન આપે છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હો તો તમે તેના પર લોન લઈ શકો છો.
જન ધન ખાતાંવાળા લોકો ઓવરડ્રાફ્ટની સુવિધા લઈ શકે છે
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને બેંક સાથે જોડવા માટે જન ધન યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ગરીબોને ઘણા લાભ પૂરા પાડવામાં આવે છે. જેમાં 5,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફટ સુવિધા સામેલ છે. એટલે કે, જ્યારે પણ જરૂરી હોય ત્યારે તમે તમારા જન ધન ખાતાંમાંથી 5,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો. આ સુવિધાનો લાભ લેવા માટે તમારું આધાર કાર્ડ કોઈ બેંક ખાતા સાથે લિંક કરાવવું જરૂરી છે. જ્યારે તમારા ખાતાંમાં પૈસા ન હોય ત્યારે પણ ઓવરડ્રાફટ સુવિધા મેળવી શકાય છે. જો કે, તેના પર વ્યાજ લેવામાં આવે છે. આ સુવિધા મેળવવા માટે તમારે બેંકમાં જવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.