તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • If You Make 10 Mistakes While Filing IT Return, The Form Will Be Rejected And There Will Be A Penalty

ટિપ્સ:IT રિટર્ન ભરતી વખતે થતી 10 ભૂલ, કરશો તો ફોર્મ રિજેક્ટ થશે અને દંડ પણ થશે

દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાણાકીય વર્ષ 2018-19નું ITR 30 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે
  • તમારે તમારી આવક વિશે સચોટ માહિતી આપવી આવશ્યક છે

કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે કરદાતાઓને રાહત આપતા નાણાકીય વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન લંબાવીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે. જો તમે હજી સુધી રિટર્ન ફાઇલ ન કર્યું હોય તો શક્ય તેટલું ઝડપથી ભરી દો. પરંતુ ધ્યાન રહે કે રિટર્ન ફાઇલ કરતી વખતે અજાણતાં કેટલીક ભૂલો થઈ જતી હોય છે. આ ભૂલોની કિંમત ભારે પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે ITR ભરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. સીએ અભય શર્મા (ભૂતપૂર્વ અધ્યક્ષ ઇન્દોર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)એ અહીં કેટલીક એવી ટિપ્સ આપી છે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

સાચું ITR ફોર્મ પસંદ કરો
આવકવેરા વિભાગે અનેક ITR ફોર્મ બહાર પાડ્યા છે. તમારે તમારી આવકના સાધનોના આધારે તમારું ITR ફોર્મ કાળજીપૂર્વક પસંદ કરવાનું રહેશે. નહીં તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેને રિજેક્ટ કરી શકે છે અને તમને ઇન્કમ ટેક્સ સેક્શન 139(5) હેઠળ સુધારેલું રિટર્ન ફાઇલ કરવાનું કહેવામાં આવશે.

સેવિંગ અકાઉન્ટ પર મળનારા વ્યાજની સાચી જાણકારી આપો
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે સેવિંગ અકાઉન્ટ પર મળતું વ્યાજ બતાવો. જો તમે આ આવક નહીં દર્શાવો તો તે ટેક્સ ચોરી સ્વરૂપે જોવામાં આવશે અને તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. જો તમે તમારું વ્યાજ ITRમાં બતાવશો તો ઇન્કમ ટેક્સ સેક્શન 80TTA દ્વારા તમે આ વ્યાજ પર 10,000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકશો. તેથી, આ આવક છુપાવવાનું ટાળવું જોઇએ.

26AS ફોર્મ ડાઉનલોડ કરો અને તમારી આવક તેની સાથે મેચ કરવાનું ભૂલો નહીં
ફોર્મ 26AS અથવા ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ તમારી આવક પર કાપવામાં આવેલા TDSની ચૂકવણી વિશેની બધી માહિતી આપે છે. ટેક્સ રિફંડનો દાવો કરતા પહેલા તેને એકવાર ચેક કરો. આ તમને ટેક્સ કેલ્ક્યુલેશનમાં કોઈપણ પ્રકારની ભૂલથી બચાવશે. જેથી, તમે યોગ્ય ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો.

પર્સનલ ઇન્ફોર્મેશન સાચી આપો
તમારી બધી સાચી માહિતી ITR ફોર્મમાં ભરો. ધ્યાનમાં રાખો કે તમારા નામની જોડણી, સંપૂર્ણ સરનામું, ઇ-મેલ, કોન્ટેક્ટ નંબર જેવી માહિતી તમારા પાન, ITR અને આધારમાં એકસરખી જ હોવી જોઈએ. એ જ મોબાઇલ નંબર દાખલ કરો કે જેના પર SMS આવી શકે. જો તમે ખોટી માહિતી આપશો તો રિફંડ મળવામાં સમસ્યા ઊભી થશે.

ઇન્કમ ટેક્સ રિફંડ ભરવામાં વિલંબ ન કરો
ટેક્સ પેયર્સ ઘણીવાર ITR સમયસર ફાઇલ કરવાનું ભૂલી જતા હોય છે. ITR ફાઇલ કરવા માટે વધુ સમય લાગે છે. તેથી, છેલ્લી ઘડીએ તેને ભરવાનો પ્રયાસ કરશો નહીં. સમયસર રિટર્ન ફાઇલ કરો. જેથી, પાછળથી દંડ ભરવો ન પડે.

ટેક્સ રિટર્ન વેરિફાય કરો
ઘણા લોકોને એવું લાગે છે કે, ટેક્સ રિટર્ન ભર્યા પછી તેમનું કાર્ય પૂરું થઈ ગયું છે. પરંતુ તમારે ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી તેને એકવાર ચેક કરવું પડશે. તમે તમારા આવકવેરાના ઇ-ફાઇલિંગ પોર્ટલથી તમારું ટેક્સ રિટર્નને ઇ-વેરિફાય કરી શકો છો અથવા CPC-બેંગલુરુ મોકલીને પણ તેને વેરિફાય કરાવી શકો છો.

જૂની કંપનીમાંથી થયેલી આવકની જાણકારી આપવી જરૂરી
ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે ધ્યાનમાં રાખો કે જો તમે નાણાકીય વર્ષમાં એક નોકરી છોડીને બીજી નોકરી જોઇન કરી હોય તો રિટર્ન ફાઇલ કરતી વખતે ITRમાં બંને કંપનીઓની આવકની વિગતો આપો. આવી સ્થિતિમાં તમારે તમારી જૂની અને વર્તમાન બંને કંપનીઓના એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 લેવું આવશ્યક છે. ફોર્મ 16ના કારણે રિટર્ન ફાઇલ કરવામાં ઓછામાં ઓછો સમય લાગશે અને તેમાં ઓછામાં ઓછી ભૂલો થતી હોય છે.

ટેક્સ ફ્રી આવક વિશે માહિતી આપો
ITR ફોર્મમાં ઘણી કોલમ છે, જ્યાં કૃષિ આવક, ડિવિડન્ડ, લોન્ગ ટર્મ કેપિટલ ગેન પર મળતી છૂટ એક ખાસ એક અલગ કોલમમાં આપવી પડશે. તેથી, રિટર્નમાં છૂટની આવક અને કરમુક્ત આવક વિશે માહિતી આપો.

મૂડી નુકસાન વિશે પણ જાણ કરો
રિટર્ન ફાઇલ કરવાનો અર્થ એ છે કે તમારે ફક્ત તમારી આવક જ નહીં પરંતુ તમારા નુકસાનની પણ વિગતો આપવી પડશે. કેટલીકવાર આપણી મૂડીમાં ખોટ પણ જાય છે, જે આપણે ITRમાં બતાવતા નથી. આવું કરવું ખોટું છે કારણ કે, એક વર્ષમાં નુકસાન થવાના કિસ્સામાં તમે તેને તમારા વળતરમાં ઉમેરીને મૂડી લાભ સાથે સમાયોજિત કરી શકો છો અથવા તમે આ નુકસાન આગામી વર્ષોમાં કેરી ફોરવર્ડ પણ કરી શકો છો, જે તમે આગામી 8 વર્ષમાં ગમે ત્યારે કેપિટલ ગેન સાથે સમાયોજિત કરી શકો છો.

ટેક્સ છૂટ લેવા માટે ખોટી જાણકારી ન ભરો
ટેક્સ ભરવો ન પડે એ માટે લોકો ફેક રિટર્ન ભરતી હોય છે. આ ઉપરાંત બાળકોના શિક્ષણના નામે નકલી ફીની રસીદો, બનાવટી ભાડાની રસીદો, બીલ, લોનનાં કાગળો, બનાવટી રોકાણની રસીદો વગેરેનો ઉપયોગ પણ થાય છે. જો તમે તમારા ITRમાં કોઈ ફેક છૂટ બતાવી હોય તો તમે ગમે તે સમયે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નજરમાં આવી શકો છો અને તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...