ગવર્મેન્ટ સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) 2020-21 સ્કીમની નવમી સિરીઝ આજે એટલે કે 28 ડિસેમ્બરથી ખરીદી માટે ખૂલી ગઈ છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની આ સિરીઝ 1 જાન્યુઆરી 2021ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે બંધ થઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) આ બોન્ડ દ્વારા સરકાર માટે નાણાં ભેગા કરે છે.
બોન્ડની કિંમત કેટલી નક્કી કરવામાં આવી છે?
સોવરેન ગોલ્ડ બોન્ડની નવી સિરીઝની ઇશ્યુ પ્રાઇસ ગ્રામ દીઠ 5,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ માહિતી ગત સપ્તાહે રિઝર્વ બેંકે આપી હતી. ઓનલાઇન સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદનારા રોકાણકારોને સરકાર તેની નોમિનલ વેલ્યૂ પર ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે. આ રીતે રોકાણકારોને આ ગોલ્ડ બોન્ડ ગ્રામ દીઠ 4,950 રૂપિયામાં પડશે.
કિંમત કયા આધારે નક્કી કરવામાં આવી?
રિઝર્વ બેંકે તેનાં નોટિફિકેશનમાં કહ્યું હતું કે, બોન્ડની નોમિનલ વેલ્યૂ સબ્સ્ક્રિપ્શનના સપ્તાહના છેલ્લાં ત્રણ ટ્રેડિંગ દિવસોમાં એટલે કે 22થી 24 ડિસેમ્બર દરમિયાન 999 શુદ્ધતાના સોનાના સરેરાશ બંધ ભાવ અનુસાર નક્કી કરવામાં આવે છે. સોનાની સિમ્પલ એવરેજ ક્લોઝિંગ પ્રાઇસ ઇન્ડિયા બુલિયન એન્જ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ (IBJA)ની છે.
50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કોને મળશે?
RBIએ નોટિફિકેશનમાં એમ પણ કહ્યું કે, સરકારે તેની સાથે વાતચીત કરીને બોન્ડની નોમિનલ વેલ્યૂ પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આ ડિસ્કાઉન્ટ તે રોકાણકારોને મળશે જે સબ્સ્ક્રિપ્શન માટે ઓનલાઇન અરજી કરશે અને ડિજિટલ મોડમાં પેમેન્ટ કરશે.
ગોલ્ડ બોન્ડ ક્યાંથી ખરીદી શકાશે?
SGB સ્કીમવાળા બોન્ડ્સ કોમર્શિયલ બેંકો, પોસ્ટ ઓફિસ, સ્ટોક એક્સચેન્જ - BSE અને NSE અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન પાસેથી ખરીદી શકાય છે. તેને ભારતીય નાગરિક, અવિભાજિત હિન્દુ પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટી અને ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન ખરીદી શકે છે. આ સ્કીમમાં ઓછામાં ઓછા એક ગ્રામ સોનાના ભાવની સમાન બોન્ડ ખરીદી શકાય છે.
કેટલા બોન્ડ્સ ખરીદી શકાય?
વ્યક્તિ અને HUF નાણાકીય વર્ષમાં ચાર કિલો સુધીનું સોનું ખરીદી શકે છે, જ્યારે ટ્રસ્ટ અને બીજી એન્ટિટી માટે મહત્તમ મર્યાદા 20 કિલો નક્કી કરવામાં આવી છે. આ બોન્ડ 8 વર્ષમાં મેચ્યોર થશે. પરંતુ પાંચ વર્ષ પછી તેને અલગ કરી શકાશે. પાંચ વર્ષના લોક-ઇન પહેલાં તેને કોઈપણ સમયે સ્ટોક એક્સચેન્જ પર વેચી શકાય છે.
સોવરેન ગોલ્ડ બોન્ડનો ફાયદો શું છે?
આ બોન્ડને લોન લેવા માટે સુરક્ષા તરીકે વાપરી શકાય છે. આમાં તમને સમય જતાં સોનાના ભાવમાં થતા વધારાનો લાભ મળશે. તેના પર વાર્ષિક 2.5% વ્યાજ પણ મળશે, જે દર છ મહિને બેંક ખાતામાં જમા કરવામાં આવશે. બોન્ડમાંથી મેળવેલા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ તેના વેચાણથી થતા મૂડી લાભ પર ટેક્સ નહીં લાગે.
સરકારે આ સ્કીમ શા માટે શરૂ કરી?
સરકારે દેશમાં ફિઝઇકલ ફોર્મમાં સોનું ખરીદવાની માગ ઘટાડવાના હેતુથી નવેમ્બર 2015માં આ SGB સ્કીમ શરૂ કરી હતી. આ યોજના શરૂ કરવાનો સરકારનો ઉદ્દેશ છે કે સોનાની ખરીદીમાં ખર્ચ કરવાને બદલે તેનું ફાઇનાન્શિયલ સિક્યોરિટીમાં રોકાણ કરો અને આર્થિક ઉત્પાદક પ્રવૃત્તિઓમાં ફાળો આપો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.