હાલના દિવસોમાં સોનાની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં આ આંકડો 56 હજારથી 47 હજાર પર આવી ગયો છે. એક્સપર્ટનું માનવું છે કે, આ સમય સોનામાં રોકાણ કરવા માટે બેસ્ટ છે. કારણકે આવનારા સમયમાં સોનાની કિંમતમાં વધારો થઈ શકે છે. જો તમે પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો ગોલ્ડ એક્સચેન્જ ટ્રેન્ડેડ ફંડ કે ગોલ્ડ ETFમાં રોકાણ કરી શકો છો. આજે અમે તમને ગોલ્ડ ETF વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે રોકાણમાં સારો એવો ફાયદો મેળવી શકો છો.
શું છે ગોલ્ડ ETF?
આ એક ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જે સોનાના વધતા-ઘટતા ભાવો પર આધારિત હોય છે. ETF વધારે કોસ્ટ ઈફેક્ટિવ હોય છે. એક ગોલ્ડ ETF યુનિટનો અર્થ છે 1 ગ્રામ સોનું. તે પણ સંપૂર્ણ રીતે શુદ્ધ. તે ગોલ્ડમાં રોકાણની સાથે સ્ટોકમાં ઈન્વેસ્ટમેન્ટની ફ્લેક્સિબિલિટી આપે છે. ગોલ્ડ ETFની ખરીદી-વેચાણ શેરની જેમ BSE અને NSE પર કરવામાં આવી શકે છે. જો કે, તેમાં તમને સોનું નથી મળતું. જ્યારે તમે તેનાથી નીકળવા માગો ત્યારે તમને તે સમયે સોનાનો જે ભાવ હશે એટલા પૈસા મળશે.
કેવી રીતે રોકાણ કરી શકાય?
ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડીમેટ અકાઉન્ટ ખોલાવું પડશે. તેમાં NSE પર ઉપબલ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો અને તેના જેટલી રકમ તમારા ડીમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા બેંક અકાઉન્ટમાંથી કટ થઈ જશે. તમારા ડીમેટ ખાતામાં ઓર્ડર મૂક્યાના બે દિવસ પછી તમારા ખાતામાં ગોલ્ડ ETF જમા થઈ જાય છે. ટ્રેડિંગ ખાતા દ્વારા જ ગોલ્ડ ETFનું વેચાણ કરી શકાય છે.
ગોલ્ડ ETFમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે:
ઓછી માત્રામાં પણ સોનું ખરીદી શકાય છે
ETF દ્વારા સોનું યૂનિટ્સમાં ખરીદવામાં આવે છે, જ્યાં એક યૂનિટ એક ગ્રામનું હોય છે. આનાથી ઓછી માત્રામાં અથવા SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા સોનું ખરીદવું સરળ બને છે. ફિઝિકલ ગોલ્ડ સામાન્ય રીતે તોલા (10 ગ્રામ)ના ભાવે વેચાય છે. ઝવેરી પાસેથી ખરીદતી વખતે ઘણી વાર ઓછી માત્રામાં સોનું ખરીદવું શક્ય નથી.
શુદ્ધ સોનું મળે છેઃ ગોલ્ડ ETFની કિંમત ટ્રાન્સપરન્ટ અને એકસમાન હોય છે. તે લંડન બુલિયન માર્કેટ એસોસિએશનનું અનુકરણ કરે છે, જે કિંમતી ધાતુઓની ગ્લોબલ ઓથોરિટી છે. તેમજ, ફિઝિકલ ગોલ્ડને વિવિધ વેચાણકર્તા/જ્વેલર્સ જુદા-જુદા ભાવ પર આપી શકે છે. ગોલ્ડ ETF પાસેથી ખરીદેલા સોનાની 99.5% શુદ્ધતાની બાંયધરી આપવામાં આવે છે, જે શુદ્ધતાનું ઉચ્ચતમ સ્તર છે. વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા સોનાનો ભાવ આ શુદ્ધતાના આધારે રહેશે.
જ્વેલરી મેકિંગ ચાર્જ નથી આવતોઃ ગોલ્ડ ETF ખરીદવામાં 0.5% અથવા તેનાથી ઓછું બ્રોકરેજ લાગે છે અને પોર્ટફોલિયો મેનેજ કરવા માટે દર વર્ષે 1% ચાર્જ ચૂકવવો પડે છે. આ એ 8%થી 30% મેકિંગ ચાર્જિસની તુલનામાં કંઇ જ નથી, જે સિક્કા અથવા બાર ખરીદવા પર જ્વેલર અને બેંકને આપવો પડે છે.
સોનું સુરક્ષિત રહે છેઃ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ ડીમેટ ખાતામાં હોય છે, જેમાં ફક્ત વાર્ષિક ડીમેટ ચાર્જ ચૂકવવાનો રહે છે. તે ઉપરાંત ચોરી થવાનો ડર નથી રહેતો. તેમજ, ફિઝિકલ ગોલ્ડમાં ચોરીના જોખમ સિવાય તેની સુરક્ષામાં પણ ખર્ચ કરવો પડે છે.
વેપારમાં સરળતા: ગોલ્ડ ETFને કોઈપણ મુશ્કેલી વગર તરત ખરીદી અને વેચી શકાય છે. તે ETFનો એક ઉચ્ચ લિક્વિડ ભાગ આપે છે. ગોલ્ડ ETFનો લોન લેવા માટે સિક્યોરિટી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
આવનારા 1 વર્ષમાં સોનાની કિંમત 54 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે
કેડિયા કમોડિટીના ડિરેક્ટર સંજય કેડિયાએ કહ્યું કે, વધતી મોંઘવારી અને કોરોનાને લીધે ઘણા દેશોમાં લોકડાઉન પૂરું થઇ ગયા પછી આવનારા સમયમાં સોનાની ખરીદીને સપોર્ટ મળશે. 1 વર્ષમાં તેની કિંમત ફરીથી 54 હજાર સુધી પહોંચી શકે છે. પૃથ્વી ફિંનમાર્ટના ડિરેક્ટર મનોજ કુમાર જૈને કહ્યું કે, વર્ષના અંત સુધીમાં સોનાની કિંમત 50 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.
આ ફંડ્સે સારું રિટર્ન આપ્યું
ફંડનું નામ | છેલ્લા 6 મહિનાનું રિટર્ન (%માં) | છેલ્લા 1 વર્ષનું રિટર્ન (%માં) | છેલ્લા 3 વર્ષમાં ફંડનું એવરેજ વર્ષનું રિટર્ન (%માં) |
એક્સિસ ગોલ્ડ ETF | 4.9 | -8.3 | 14.7 |
નિપ્પૉન ગોલ્ડ ETF | 4.8 | -9.6 | 14.2 |
SBI ગોલ્ડ ETF | 4.7 | -9.1 | 14.5 |
આદિત્ય બિરલા સન લાઈફ ગોલ્ડ ETF | 4.6 | -8.8 | 14.0 |
ઈનવેસ્કો ઇન્ડિયા ગોલ્ડ ETF | 4.5 | -9.7 | 13.8 |
સોનામાં લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ ફાયદાકારક
રુંગટા સિક્યોરિટીઝના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર હર્ષવર્ધન રુંગટાએ કહ્યું કે, ભલે તમને સોનામાં રોકાણ કરવું ગમતું હોય પણ તમારે લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ જ કરવું જોઈએ. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, કુલ પોર્ટફોલિયોના માત્ર 10થી 15% જ સોનામાં ઈન્વેસ્ટ કરવા જોઈએ. કોઈ પણ ઇમર્જન્સીમાં સોનામાં રોકાણ તમારા પોર્ટફોલિયોને સ્ટેબિલિટી આપી શકે છે, પરંતુ લાંબા સમયે આ તમારા પોર્ટફોલિયોનું રિટર્ન ઓછું કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.