• Gujarati News
  • Utility
  • If There Is Violence In This Type Of Relationship, The Partner Can Be Jailed, Know The Legal Term Of Live in Relationship

આફ્તાબ-શ્રદ્ધાનું લિવ-ઇનમાં રહેવું ગેરકાનૂની હતું?:જો આ પ્રકારના સંબંધમાં મારપીટ થઈ તો પાર્ટનરને જેલ થઈ શકે છે, જાણો લિવ-ઇન રિલેશનશિપની કાનૂની પરિભાષા

17 દિવસ પહેલા

દિલ્હીના મહરૌલીમાં શ્રદ્ધા મર્ડર કેસની પોલીસ તપાસ કરી રહી છે અને આ તપાસમાં દરરોજ નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. દિલ્હી પોલીસ મુજબ, શ્રદ્ધા અને આફતાબ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતાં હતાં. મે-2022માં આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કરી દીધા હતા અને તેને મહરૌલીના જંગલમાં ફેંકતો રહ્યો, જેથી તે પકડાઈ ન જાય.

આ બધાની વચ્ચે એ પ્રશ્ન ઊઠે છે કે શું શ્રદ્ધા અને આફતાબનું લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું ગેરકાનૂની હતું? આ અંગે કામના સમાચારમાં આગળ વધુ ચર્ચા કરીએ.

આફતાબે શ્રદ્ધાની લાશ બાથરૂમમાં કાપીને કપાયેલું માથું ઘરના ફ્રિજમાં રાખ્યું હતું
આફતાબે શ્રદ્ધાની લાશ બાથરૂમમાં કાપીને કપાયેલું માથું ઘરના ફ્રિજમાં રાખ્યું હતું

આજની આ સ્ટોરીમાં એક્સપર્ટ છે- સુપ્રીમ કોર્ટના એડવોકેટ સચિન નાયક, પટિયાલા હાઉસ કોર્ટના એડવોકેટ લલિત વી અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ અનમોલ શર્મા.

પ્રશ્ન- લિવ-ઈન રિલેશનશિપનો અર્થ શું છે?
જવાબ-
લિવ-ઈન રિલેશનશિપમાં બે પુખ્ત વયની વ્યક્તિ એકબીજાની સહમતીથી એકસાથે રહી શકે છે. તેમનો સંબંધ પતિ-પત્ની જેવો જ હોય છે, પણ બંને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયેલાં હોતાં નથી.

પ્રશ્ન- ભારતમાં લિવ-ઈન રિલેશશિપને લઈને કોઈ કાયદો છે કે નહીં?
જવાબ-
હા, ભારતમાં લિવ-ઈન રિલેશશિપને લઈને કાયદો છે. સુપ્રીમ કોર્ટ એક કેસનો નિર્ણય સંભળાવતાં સમયે કહ્યું હતું કે પુખ્ત વયના થયા પછી કોઈપણ વ્યક્તિ કોઈની પણ સાથે રહેવા માટે કે લગ્ન કરવા માટે સ્વતંત્ર હોય છે. કોર્ટના આ નિર્ણય પછી ભારતમાં લિવ-ઈન રિલેશનશિપને કાનૂની માન્યતા મળી ગઈ હતી.

પ્રશ્ન- શું કોઈની સાથે 15 દિવસ કે 1 મહિનો રહી લો તો શું તેને પણ લિવ-ઈન રિલેશનશિપ માનવામાં આવશે? લિવ-ઈન રિલેશનશિપની કાનૂની વ્યાખ્યા શું છે?
જવાબ-
ઘરેલુ હિંસા અધિનિયમ 2005ની કલમ-2 (f) અંતર્ગત લિવ-ઈન રિલેશનશિપને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. એ અંગેની માહિતી નીચેના ગ્રાફિકમાં આપવામાં આવી છે.

પ્રશ્ન- લિવ-ઈનમાં રહેતો પુરુષ જો મહિલા પાર્ટનર સાથે મારપીટ કરે, તો શું થશે?
જવાબ-
મહિલા પાર્ટનર આવી પરિસ્થિતિમાં ઘરેલુ હિંસા એક્ટની કલમ-12 મુજબ તેમના પર કેસ કરી શકે છે. તેની ફરિયાદ સીધી જ મેજિસ્ટ્રેટને કરી શકાય છે. આ સિવાય ઘરેલુ હિંસા એક્ટની કલમ-18 અંતર્ગત મહિલા પાર્ટનર પ્રોટેક્શન ઓર્ડરની પણ માગી શકે છે. મેજિસ્ટ્રેટ આખો કિસ્સો સાંભળીને જે પણ નિર્ણય સંભળાવે એ સર્વસ્વ રહે છે. જો તે નિર્ણયને પુરુષ માન્ય રાખતો નથી તો તેને 1 વર્ષની સજા અથવા તો 20 હજારનો દંડ અથવા તો બંને પનિશમેન્ટ ધારા-31 અંતર્ગત થઈ શકે.

પ્રશ્ન- ઘણીવાર લિવ-ઈનમાં રહેતા લોકોને હેરાન કરવામાં આવે છે, જેમ કે આસપાસ કે પાડોશના લોકો પોલીસને બોલાવવાની ધમકી આપે છે, આવા સંબંધને ગેરકાયદે ગણાવે છે, શું એ ખરેખર અપરાધ છે?
જવાબ-
લિવ-ઈનમાં રહેતા લોકો ઉપરોક્ત ગ્રાફિકમાં લખેલી તમામ શરતોને આધીન હોય છે. તે લોકો માટે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમુક લોકોની નજરોમાં આ સંબંધ અનૈતિક છે, તેમ છતાં આ પ્રકારના સંબંધમાં રહેવું કોઈ અપરાધ નથી.

પ્રશ્ન- જો લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકોમાં કોઈપણ એક પહેલાંથી પરિણીત હોય તો શું તેને પણ લિવ-ઈનમાં રહેવાનો અધિકાર છે?
જવાબ-
લિવ-ઈનમાં બે એવા જ લોકો સાથે રહી શકે છે કે જે પરિણીત ન હોય અથવા તેમનો તલાક થઈ ગયો હોય અથવા તો તેમના પહેલા પાર્ટનરનું નિધન થઈ ગયું હોય. આ વાત પરથી એટલું સ્પષ્ટપણે કહી શકાય કે શ્રદ્ધા અને આફતાબનું સાથે રહેવું ગેરકાનૂની નહોતું. હજુ સુધી શ્રદ્ધા અને આફતાબમાં કોઈ પહેલેથી પરિણીત હતું કે નહીં એની કોઈ માહિતી મળી નથી.

પહેલાંથી પરિણીત વ્યક્તિ લિવ-ઈનમાં રહી શકતી નથી- આના પર કોર્ટનો નિર્ણય પણ સાંભળી લો
ઈલાહાબાદ હાઈકોર્ટમાં એક કપલ તરફથી સુરક્ષા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ કપલ લિવ-ઈનમાં રહેવા ઈચ્છતું હતું. એમાં યુવતી પહેલાંથી પરિણીત હતી. કોર્ટે આ અરજીને 15 જૂન, 2021ના રોજ નામંજૂર કરી હતી અને તેમને 5 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જો બે પુખ્ત વયના અપરિણીત લોકો લિવ-ઈનમાં રહેવા ઈચ્છે તો રહી શકે, એમાં કોઈ સમસ્યા નથી’

એક વાત સ્પષ્ટપણે જાણી લઈએ-
દેશની સંસદમાં લિવ-ઈન રિલેશનશિપ પર કોઈ કાયદો બન્યો નથી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયોના માધ્યમથી લિવ-ઈન રિલેશનશિપના સંબંધને કાયદાકીય માન્યતા આપી છે.

ઉપર લખેલા પોઈન્ટ્સને ડિટેઈલમાં સમજીએ

  • જન્મ લેનારા બાળકને સુરક્ષાનો અધિકાર- લિવ-ઈન રિલેશનશિપમાં જન્મ લેનારા બાળકને ભારતીય ન્યાયપાલિકા તરફથી સુરક્ષા મેળવવાનો અધિકાર છે.
  • મહિલા પાર્ટનરને ભરણપોષણનો અધિકાર- CrPCની કલમ-125 અંતર્ગત પરિણીત મહિલાઓને ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. આ જ કલમ અંતર્ગત લિવ-ઈનમાં રહેતી મહિલાઓને પણ ભરણપોષણ મેળવવાનો અધિકાર છે.
  • જન્મ લેનારા બાળકનો પૈતૃક સંપતિમાં અધિકાર- બાલાસુબ્રહ્મણ્યમ વિરુદ્ધ સુરત્તયન કેસમાં લિવ-ઈન-રિલેશનશિપમાંથી જન્મેલા બાળકને પહેલીવાર વારસાગત હક-હિસ્સો મળ્યો હતો. એ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘જો કોઇ મહિલા કે પુરુષ ઘણાં વર્ષો સુધી સાથે રહે છે તો તેને એવિડન્સ એક્ટની કલમ-114 હેઠળ લગ્ન માનવામાં આવશે. તેથી લિવ-ઈનમાં જન્મેલા બાળકને પણ વારસાગત તમામ હક-હિસ્સો મળશે અને પૈતૃક સંપત્તિમાં પણ અધિકાર મળશે.

પ્રશ્ન- જો બંનેમાંથી કોઈપણ એક પાર્ટનર પહેલેથી પરિણીત છે અને તલાક લીધા વગર કોઈ ત્રાહિત વ્યક્તિ સાથે લિવ-ઈનમાં રહે છે, તો શું થશે?
જવાબ-
આવું કરવા પર IPC એટલે કે ભારતીય દંડસંહિતા કલમ-494 અંતર્ગત અપરાધ માનવામાં આવશે.

પ્રશ્ન- IPCની કલમ-494 શું છે?
જવાબ-
પતિ કે પત્ની જીવિત હોય કે પછી તલાક લીધા વગર પાછા લગ્ન કરે તો IPCની કલમ-494 અંતર્ગત અપરાધ માનવામાં આવે છે. એમાં ગુનેગારને 7 વર્ષની જેલ કે દંડ મળી શકે અથવા તો બંને સજા મળી શકે. જોકે આ કલમ કોઈ મુસ્લિમ ધર્મની વ્યક્તિ પર એપ્લાય થશે નહિ.

પ્રશ્ન- શું લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો બાળકને દત્તક લઈ શકે છે?
જવાબ-
ના, તે બાળકને દત્તક લઈ શકે નહીં. લિવ-ઈનમાં રહીને તમે બાળકને દત્તક લેવાનો કોઈ અધિકાર નથી.

પ્રશ્ન- લિવ-ઈનમાં રહેતાં-રહેતાં જો સંબંધોમાં તિરાડ પડી જાય તો શું મહિલા પાર્ટનર જબરદસ્તી રેપનો કેસ નોંધાવી શકે?
જવાબ-
થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટમાં આવો એક કિસ્સો આવ્યો હતો. એક મહિલા અને પુરુષ 4 વર્ષથી લિવ-ઈનમાં રહેતાં હતાં. આ સંબંધમાં તેમની એક પુત્રી પણ હતી. પછી બંનેના સંબંધો બગડવા લાગ્યા. મહિલાએ પુરુષ પર બળજબરીનો કેસ નોંધાવ્યો. રાજસ્થાન હાઈકોર્ટે પુરુષને જામીન આપવાની ના પાડી દીધી.

હવે આ કિસ્સો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો કે જો બે લોકો લાંબા સમય સુધી સાથે રહે છે અને પછી સંબંધમાં તિરાડ આવે છે તો એવામાં રેપનો આક્ષેપ લગાવવો ખોટો છે. આ મહિલા પોતાની ઈચ્છા મુજબ પુરુષ સાથે રહેતી હતી. એટલા માટે પુરુષની સામે રેપનો કેસ નોંધાતો નથી.

જાણવા જેવું
વર્ષ 2006માં પહેલીવાર સુપ્રીમ કોર્ટે લિવ-ઈન રિલેશનશિપને સાચી ગણાવી
સુપ્રીમ કોર્ટે વર્ષ 2006ના એક કેસમાં નિર્ણય આપતાં કહ્યું હતું કે પુખ્ત વયની થયા બાદ કોઈપણ વ્યક્તિ કોઈની પણ સાથે રહેવા કે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. ત્યાર બાદ લિવ-ઈન રિલેશનશિપને કાયદાકીય માન્યતા મળી છે.

ખુશ્બૂએ તો લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવો એ ખોટું નથી એવું નિવેદન આપ્યું.
ખુશ્બૂએ તો લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવો એ ખોટું નથી એવું નિવેદન આપ્યું.

અભિનેત્રી ખુશ્બૂએ લિવ-ઇનને સાચું ગણાવ્યું તો તેના પર 23 ક્રિમિનલ કેસ નોંધાયા
આ કેસ વર્ષ 2010નો છે. સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રી ખુશ્બૂએ નિવેદન આપ્યું હતું કે ‘લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવો અને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ખોટું નથી.’ તેના આ નિવેદનથી ઘણો વિવાદ સર્જાયો હતો, આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. તેની સામે 23 ગુનાહિત કેસ નોંધાયા હતા. ત્યાર બાદ કોર્ટે વર્ષ 2006ના કેસને ટાંકીને આવા સંબંધોને યોગ્ય ઠેરવ્યા હતા.

લિવ-ઇન રિલેશનશિપને ઘણી વખત વ્યભિચાર સાથે સરખાવવામાં આવી છે, તેથી એને ગેરકાયદે માનવામાં આવતી હતી, પણ સુપ્રીમ કોર્ટના એક પછી એક નિર્યોને કારણે લિવ-ઈનમાં રહેલા આ ડાઘ પણ દૂર થયા-

વર્ષ 2006માં ભારતીય પીનલ કોડની કલમ-497 હેઠળ વ્યભિચાર ગેરકાયદે હતો
પરિણીત પુરુષ અને અપરિણીત વ્યક્તિ અથવા બે પરિણીત લોકો વચ્ચેની લિવ-ઇન-રિલેશનશિપને કાયદેસર માન્યતા આપવામાં આવી ન હતી.
વર્ષ 2018માં એક જાહેરહિતની અરજી પર ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે વ્યભિચારના કાયદાને જ રદ કર્યો હતો. આ રીતે વર્ષ 2006 અને 2018માં સુપ્રીમ કોર્ટના નિર્ણયો ખૂબ જ સ્પષ્ટ છે અને બંધારણની કલમ 141 હેઠળ પણ એટલા જ મજબૂત કાયદા છે, જેટલા કાયદા સંસદ કે વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે.

અમુક રસપ્રદ તથ્યો પણ જાણો
લિવ-ઇન રિલેશનશિપની શરૂઆત વિદેશમાં થઈ હતી. એવું માનવામાં આવે છે કે તેનો ટ્રેન્ડ એડમ અને ઇવ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. એડમને વિશ્વનો પહેલો પુરુષ માનવામાં આવે છે અને ઇવને પહેલી સ્ત્રી. બંને લગ્ન વગર જ સાથે રહેતાં હતાં. આ દંપતીનો ઉલ્લેખ બાઇબલમાં કરવામાં આવ્યો છે. દિલ્હી-મુંબઈ જેવાં મહાનગરોમાં આ એક નવો ટ્રેન્ડ હોઈ શકે છે, પરંતુ ભારતનાં ઘણાં રાજ્યોમાં સ્થાયી થયેલા આદિવાસીઓમાં હવે એ ભૂતકાળની વાત બની ગઈ છે. ઝારખંડમાં એને ‘ધુકુ’ કહેવામાં આવે છે. વર્ષ 2019ના રિપોર્ટ અનુસાર, ઝારખંડમાં લગભગ 2 લાખ કપલ લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. છત્તીસગઢના બસ્તરમાં આદિવાસીઓ તેને ‘પૈથુ’ કહે છે. અહીં લગ્ન વગર માતા બનેલી મહિલાને સંપૂર્ણ સન્માન આપવામાં આવે છે.